15 December, 2024 08:04 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
વાસ્તુશાસ્ત્રની એક બેઝિક વાત સામાન્ય રીતે કોઈ સમજાવતું કે કહેતું નથી પણ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે સાચી જગ્યાએ સાચું કામ ન થાય તો હજી પણ એક વાર ચાલી શકે પણ ખોટી જગ્યાએ તો ખોટું કામ ન જ થવું જોઈએ. ધારો કે ભગવાનનો વાસ જે ખૂણામાં રહેવો જોઈએ ત્યાં ભગવાન ન હોય તો હજી પણ એક વખત એને સ્વીકારી શકાય પણ જો એ સ્થાને વૉશરૂમ હોય તો એ ક્યારેય ન ચાલે. આવી તો અનેક બાબતો છે પણ આજે વાત કરવી છે આપણે ધનની કે ધનને ઘરમાં ક્યાં ન રાખવું જોઈએ. જો પૈસાને મૂકવાની જગ્યા ખોટી હોય તો એ પણ વાસ્તુદોષ કરે છે અને એને લીધે દરિદ્રતાથી માંડીને સતત હાથ તંગીમાં રહેવો કે પછી આકસ્મિક ખોટો ખર્ચ આવી શકે છે. પૈસા કે કીમતી સામાન ક્યાં ન મૂકવો એ એક વાર સમજી જશો પછી ભાગ્યે જ આર્થિક તંગી સહન કરવાનો કે આકસ્મિક ખર્ચ જોવાનો વારો આવશે.
૧. અમુક ચીજવસ્તુઓ સાથે...
ઘણા લોકોને એવી આદત હોય છે કે એ પૈસા પર વજન મૂકે. પછી જુએ નહીં કે પોતે વજનમાં શું મૂકે છે. ખાસ કરીને મહિલાઓને આ વાત લાગુ પડશે. કિચનમાં કામ કરતી મહિલાઓ કામચલાઉ હાથમાં લીધેલા પૈસા પર કોઈ વાસણ મૂકી દેશે કે પછી છરી કે કાતર મૂકી દેશે. આવી ભૂલ ક્યારેય ન કરવી અને ખાસ વાત, પૈસા પર લોખંડ ક્યારેય ન મૂકવું. સ્ટીલ પણ એક પ્રકારનું લોખંડ છે એ પણ યાદ રાખવું. પૈસા પર ધારદાર વસ્તુ તો બિલકુલ ન મૂકવી, જેમાં સ્ટેપ્લર પણ આવી જાય. આવું કરનારાની ઇન્કમમાંથી પૈસો કપાય છે, તેની ઇન્કમ ઘટે છે. એક આડવાત કહેવાની, શક્ય હોય ત્યાં સુધી પૈસાને ખુલ્લામાં ન રાખવા. ‘પાંચ જ મિનિટમાં ચૂકવવાના છે’ એવી દલીલ સાથે પણ મહિલાઓ જાહેરમાં પૈસા મૂકતી હોય છે, પણ એ લક્ષ્મી છે અને લક્ષ્મી હંમેશાં મર્યાદામાં શોભે માટે પૈસો ક્યારેય ખુલ્લામાં પણ મૂકવો નહીં.
પૈસાને લઈને વૉશરૂમમાં પણ ન જવું જોઈએ. પૈસાને મોબાઇલના કવરમાં રાખવા પણ હિતાવહ નથી. એ વિશે શાસ્ત્રોમાં કશું કહેવાયું નથી પણ સરળ અને સીધો હિસાબ છે કે મોટા ભાગના પોતાની સાથે મોબાઇલ વૉશરૂમમાં લઈ જતા હોય છે, જે લક્ષ્મીને અસાધના પહોંચાડે છે.
૨. બીડી જેમ શું કામ વાળવાના?
અગેઇન, આ આદત મોટા ભાગની મહિલાઓને છે. તેમના હાથમાં કે પર્સમાં તમે જુઓ એટલે બીડીની જેમ પૈસાની નોટને વાળી નાખી હોય. પૈસાને વાળવાથી ધન માટેની સ્ટ્રગલ વધે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૈસાને બેન્ડ ન કરવા, પણ ધારો કે એક વળ વાળવો પણ પડે તો પણ સમજી શકાય પણ અહીં તો રૂપિયાની નોટને રીતસર ચોક જેવી સ્ટિક બનાવી નાખવામાં આવે છે, જે અયોગ્ય છે. રૂપિયાની બાબતમાં એ પણ યાદ રાખવું કે જો ઘરમાં પિગી બૅન્ક હોય તો એ પિગી બૅન્ક ખરીદવામાં પણ લોખંડ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન થયો હોય એની ચીવટ રાખવી. બાળકની સિક્યૉરિટી ખાતર તેને કાચની પિગી બૅન્ક ન આપી શકો તો પ્રયાસ કરો કે તેને ચાંદીની પિગી બૅન્ક મળે. ધારો કે એ પણ ન થઈ શકે તો તેને અત્યારે પ્લાસ્ટિકની પિગી બૅન્ક આપી, એમાં જે બચત થાય એનાથી ચાંદીની પિગી બૅન્ક લઈ આપો. શાસ્ત્રમાં પૈસાની સરખામણી ભગવાન સાથે થઈ છે એવા સમયે તમે કુબેર ભગવાનને કેવી રીતે ગેરવાજબી જગ્યાએ રાખી શકો?
પૈસાની સાથે એવી સામગ્રી પણ ન મૂકો જે અસાધના આપવાનું કામ કરતી હોય.
૩. તિજોરી ક્યાં ન મૂકવી?
તિજોરી જ નહીં, વૉલેટ અને પર્સ પણ એવી જગ્યાએ ન રાખવું જેની બાજુમાં વૉશરૂમ આવતો હોય. ઘરની તમામ નેગેટિવ એનર્જી વૉશરૂમમાં હોય છે, જ્યારે પૈસો માત્ર પૉઝિટિવ એનર્જીમાં જ વાસ કરે છે. એવા સમયે તમે વૉશરૂમની બાજુમાં પૈસા રાખીને એની સકારાત્મકતાને ખતમ કરવાનું કામ કરી બેસો છો. એવો પ્રયાસ કરો કે તિજોરી કે પર્સ/વૉલેટ માત્ર એ જગ્યાએ રહે જે પૉઝિટિવ જગ્યા હોય. તિજોરીને સાઉથ-વેસ્ટ કૉર્નરમાં રાખી શકાય. જો દિશાની ખબર ન હોય તો એ માટે મોબાઇલમાં આવતા કમ્પસનો ઉપયોગ થઈ શકે અને જો એ પણ ન કરવું હોય તો સિમ્પલ રસ્તો પણ છે, તિજોરીને મંદિરના એરિયામાં રાખો. ઘરે આવો ત્યારે પર્સ અને વૉલેટ પણ ભગવાન પાસે મૂકવું હિતાવહ છે.
પૈસાને ક્યારેય કાળા કલરના પર્સ કે વૉલેટમાં પણ રાખવા ન જોઈએ કે પછી પૈસાની સાથે ક્યારેય કાળા કલરની કોઈ ચીજ પણ રાખવી ન જોઈએ. વૉલેટમાં જે ખાનામાં પૈસા મૂકો એ ખાનામાં બીજી કોઈ ચીજ ન રહે એ હિતાવહ છે.