11 August, 2024 07:58 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ફ્લૅટ નાના હોય એટલે ફ્લૅટના મેઇન ડોરની બહારના ભાગનો પણ ઉપયોગ થતો હોય છે. જોકે એ ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે ઘરનો મેઇન ડોર લક્ષ્મીનું પ્રવેશદ્વાર છે. જો પ્રવેશદ્વાર પર અમુક ચીજવસ્તુઓ રાખવામાં આવે તો એ લક્ષ્મીને આવકારવાનું કામ કરે છે તો અમુક ચીજવસ્તુઓ અજાણતાં પણ ઘરના પ્રવેશદ્વાર પાસે પડી હોય તો એ લક્ષ્મીને જાકારો આપવાનું કામ કરે છે એટલે જ આજે આપણે વાત કરવાની છે ફ્લૅટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે શું રાખવું જોઈએ અને પ્રયત્ન કરીને પ્રવેશદ્વાર પાસે શું રાખવાનું ટાળવું જોઈએ.
૧. શુભચિહ્ન અચૂક રાખો
સ્વસ્તિક, ઓમકાર, કળશ, શુભ-લાભ અને ગણેશની પ્રતિકૃતિને શાસ્ત્રોમાં શુભચિહ્ન માનવામાં આવ્યાં છે. ઘરના પ્રવેશદ્વાર પર અચૂકપણે એ રાખવાં જોઈએ. પ્રવેશદ્વાર પર રાખવામાં આવેલાં આ શુભ ચિહ્નોને નિયમિતપણે ઘરમાં થતા ધૂપ કે દીવાબત્તીથી ચાર્જ પણ કરતાં રહેવું જોઈએ. આ જે ચિહ્નો છે એ દ્વાર પર કેટલી ઊંચાઈએ હોય એના વિશે પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરમાં સૌથી વધુ હાઇટ ધરાવતી વ્યક્તિ કરતાં એ છ ઇંચની ઊંચાઈ પર હોય એવો પ્રયાસ કરવો જોઈએ.
ઘણા લોકો ઘરના દ્વાર પર મંત્રો પણ લગાડતા હોય છે. જો કોઈ જાણકારે એવું સૂચન કર્યું હોય તો વાત અલગ છે; પણ ભાવનાત્મક રીતે એવું ક્યારેય કરવું ન જોઈએ, કારણ કે પ્રવેશદ્વાર બંધ થયા પછી એ મંત્ર ઘરની બહાર જતા રહેતા હોય છે અને શાસ્ત્રો કહે છે કે ધર્મ ક્યારેય ઘરની બહાર ન હોય.
૨. પગલુછણિયું અચૂક મૂકો
ડૉરમેટ ઘરના દરવાજાની બહાર અચૂક હોવી જોઈએ અને પ્રયાસ પણ કરવો જોઈએ કે ઘરમાં દાખલ થતાં પહેલાં એ ડૉરમેટ પર દરેક વ્યક્તિ પગ સાફ કરીને આવે. ડૉરમેટ માત્ર કચરો સાફ કરવાનું જ કામ નથી કરતી, પણ એના પર પગ ઘસાવાને કારણે મનમાં ચાલતી નકારાત્મકતાને પણ બહાર છોડવાનું કામ કરે છે. ડૉરમેટ માટે કલર-થેરપીનો ઉપયોગ થઈ શકે; પણ જો એવું ન કરવું હોય તો પ્રયાસ કરવો કે ડૉરમેટ બ્લૅક કલરની રાખવી, કારણ કે નેગેટિવિટી હંમેશાં કાળા રંગથી આકર્ષિત થાય છે એટલે બ્લૅક કલરની ડૉરમેટ ઘરમાં નકારાત્મકતા પ્રવેશે એ પહેલાં જ પોતાનામાં સમાવી લે છે.
ઘરની બહાર રાખેલી ડૉરમેટ નિયમિત સાફ કરવાનું કે ધોવાનું રાખવું પણ અનિવાર્ય છે. નિયમ બનાવવો જોઈએ કે દર શનિવારે ડૉરમેટ ધોવી.
૩. વિન્ડચાઇમ અવશ્ય રાખો
સરસ મજાનો મ્યુઝિકલ રણકાર કરતી વિન્ડચાઇમ માટે જાતજાતની વાતો થાય છે કે એ ઘરમાં અહીં હોવી જોઈએ અને ત્યાં હોવી જોઈએ. આપણે એ વાતોની સત્યાર્થતા ચકાસવાનું કામ કર્યા વિના શાસ્ત્રોમાં કહેવાયું છે એમ ફ્લૅટના મેઇન ગેટ પર વિન્ડચાઇમ રાખવાની વાતને ફૉલો કરીએ.
વિન્ડચાઇમ હંમેશાં એક સંખ્યાના પાઇપ કે બેલ સાથેની હોવી જોઈએ. વિન્ડચિમ્સ ક્યારેય લોખંડની કે ઍલ્યુમિનિયમની રાખવી નહીં. માર્કેટમાં કૉપરની વિન્ડચાઇમ્સ મળે છે એ રાખવી અને ધારો કે એની કિંમત વધારે લાગતી હોય તો બામ્બુની વિન્ડચાઇમ રાખવી. પરિવારના દરેક સભ્યએ નિયમ રાખવાની કોશિશ કરવી કે ઘરમાં પ્રવેશતાં અને ઘરની બહાર નીકળતી વખતે વિન્ડચાઇમને હાથથી એક વખત વગાડવી. એવું કરવાથી મનમાં સકારાત્મકતા આવે છે અને જીવનમાં નવી તક ઊભી થવાની સંભાવના રહે છે.
૪. ઊંચી સૂંઢનો હાથી રાખો
મુંબઈમાં સામાન્ય રીતે ફ્લૅટની બહાર કશું મૂકવા દેવામાં ન આવતું હોય એવું બની શકે, પણ જો સુશોભનમાં વધારો કરતી કોઈ ચીજ મૂકવા માટે ના પાડવામાં આવે એવું પણ ભાગ્યે જ બને.
ફ્લૅટના મેઇન ડોર પાસે ઊંચી સૂંઢનો ઐરાવત રાખવાથી ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ બનેલું રહે છે. હાથી ત્યારે જ સૂંઢ ઊંચી કરીને અવાજ કરે છે જ્યારે એ ખુશ હોય. મંદિરોની બહાર ઊંચી સૂંઢના હાથી મોટા ભાગે જોવા મળતા હોય છે એનું કારણ પણ એ જ છે કે મંદિરના વાતાવરણમાં ક્યાંય ભાર ન પ્રવેશે. લાકડાથી માંડીને માર્બલ કે લાલ પથ્થરના કે પછી કૉપર કે બ્રાસની મેટલના હાથીને ઘરની બહાર રાખી શકાય. એક આડ વાત. જો ફ્લૅટની બહાર હાથી રાખવા ન દે તો ફ્લૅટના દરવાજાની નીચેના ભાગમાં ઊંચી સૂંઢના હાથીનું સ્ટિકર પણ વાપરી શકાય, પણ પહેલો પ્રયાસ તો હાથીનું સ્ટૅચ્યુ રાખવાનો જ કરવો.