કયા દિવસે શું ખરીદવું જોઈએ?

19 May, 2024 06:39 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

દરેક દિવસ કોઈ ને કોઈ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે જો શક્ય હોય તો ચોક્કસ પ્રકારની વસ્તુઓ ચોક્કસ દિવસે ખરીદવામાં આવી હોય તો એ લાભદાયી રહે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

હમણાંનો જ એક કિસ્સો કહું. એક ભાઈએ ફ્રિજ ખરીદ્યું. નવુંનક્કોર અને એકદમ મોંઘુંદાટ એવું એ ફ્રિજ વાપરવાનો સમય જ ન આવે. કોઈ ને કોઈ વિઘ્ન આવે. પહેલાં સ્વિચબોર્ડના કનેક્શનમાં કોઈ ઇશ્યુ આવ્યો. એ સૉલ્વ કર્યો ત્યાં નવા ફ્રિજે દગો આપવાનું શરૂ કર્યું. ફ્રિજ ખરીદ્યાના પહેલા જ અઠવાડિયે કંપનીમાંથી માણસ બોલાવવામાં આવ્યો અને એવું તો છેક એક મહિનો ચાલ્યું. એક મહિના પછી ફ્રિજના રીપ્લેસમેન્ટની પ્રોસેસ શરૂ થઈ તો ફ્રિજ ઘરમાંથી જવાનું નામ ન લે. એક મહિનો એ આખી પ્રક્રિયા ચાલી અને પછી છેક ફ્રિજનું રીપ્લેસમેન્ટ મળ્યું. જોકે એ પછી નવા ફ્રિજમાં પણ ચાર જ દિવસમાં ફરી પ્રશ્નો ઊભા થવા માંડ્યા. બન્યું એવું હતું કે ભાઈ બે લાખ રૂપિયાની એ આઇટમ બુધવારે બુધના ઑરામાં ખરીદીને લાવ્યા હતા જે તેને સુખ નહોતી આપતી. વાંક અહીં બુધવારનો નથી, સમજણનો છે. જો એ સમજણ હોય કે કયા દિવસે કેવી ચીજવસ્તુ ખરીદવી જોઈએ તો હેરાનગતિની શક્યતા નહીંવત્ થઈ જતી હોય છે. આજે આ વિષય પર વાત કરીએ.

લક્ઝરી આઇટમ ક્યારે ખરીદવી?
ફ્રિજ લક્ઝરીમાં જ આવે અને ટીવી, ઍર-કન્ડિશનર પણ લક્ઝરી આઇટમ જ કહેવાય. મોબાઇલને પણ તમે લક્ઝરીમાં જ મૂકી શકો. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે જેના વિના જીવી શકાતું હોય એ કોઈ ચીજવસ્તુ જીવનજરૂરી ચીજવસ્તુઓના લિસ્ટમાં ન આવે એવું શાસ્ત્રોનું માનવું છે. લક્ઝરી આઇટમ ખરીદવાનો જો કોઈ બેસ્ટ દિવસ હોય તો એ શુક્રવાર છે. શુક્ર ગ્રહ પોતે લક્ઝરીનો કારક છે. શુક્રવારે ખરીદાયેલી લક્ઝરી આઇટમ તકલીફો નથી આપતી તો સાથોસાથ એ આઇટમ વાપરવા માટે વ્યક્તિને પૂરતો સમય પણ  આપે છે.
ચાંદી પણ ખરીદવી હોય તો એના માટે શુક્રવાર બેસ્ટ છે અને કપડાં ખરીદવા માટે પણ શુક્રવાર શ્રેષ્ઠ છે.

જ્ઞાનવિષયક ચીજો ક્યારે ખરીદવી?
જો શક્ય હોય તો નૉલેજ આપનારી ચીજવસ્તુઓ જેવી કે બુક્સ, એજ્યુકેશનલ સ્ટેશનરીથી લઈને કમ્પ્યુટર, ટૅબ્લેટ, આઇ-પૅડ જેવી ચીજવસ્તુઓ ખરીદવા માટે ગુરુવાર સૌથી શ્રેષ્ઠ છે. આ જ કૅટેગરીમાં તમે મોબાઇલને પણ મૂકી શકો છો, કારણ કે મોબાઇલનો ઉપયોગ પણ જ્ઞાન વધારવા માટે કે માહિતી મેળવવા માટે થતો હોય છે. ભણવા માટેનું સાહિત્ય તો વર્ષ દરમ્યાન લેવાતું જ રહેતું હોય છે એટલે દર વખતે ગુરુવાર ફૉલો ન થઈ શકે એવું બની શકે અને ધારો કે તમે એ પ્રયાસ કરો તો સર્વોત્તમ છે, પણ જો એક જ વાર તમારાથી એ કામ થઈ શકે તો એજ્યુકેશનલ વર્ષની શરૂઆત થતી હોય ત્યારે બુક્સ અને અન્ય સ્ટેશનરી ગુરુવારે ખરીદવાનો પ્રયાસ કરવો જોઈએ. સોનું ખરીદવા ગુરુવાર સૌથી શ્રેષ્ઠ છે.

લોખંડની આઇટમ ક્યારે ખરીદવી?
લોખંડનું પ્રતિનિધિત્વ શનિ ગ્રહ કરે છે એટલે જો લોખંડનું કંઈ ખરીદવાનું હોય તો શનિવાર સૌથી સારો વાર છે. ધારો કે તમે લોખંડની આઇટમ કોઈ અન્ય વારે ખરીદી હોય તો એની ડિલિવરી શનિવારે લેવામાં આવે એ માટે પ્રયાસ કરવો જોઈએ. વાત અહીં માત્ર લોખંડની જ નહીં, ઍલ્યુમિનિયમની પણ કરી શકાય. લોખંડ પછી સૌથી ઊતરતી મેટલ જો કોઈ હોય તો એ ઍલ્યુમિનિયમ છે. વિન્ડોની પૅનલ જે ફિટ કરાવીએ છીએ એ ઍલ્યુમિનિયમની હોય છે. એની ડિલિવરીનો આગ્રહ પણ શનિવારનો રાખવો જોઈએ તો અમુક ફર્નિચર પણ એ પ્રકારનાં હોય છે જેમાં લોખંડનો ઉપયોગ ભરપૂર માત્રામાં હોય તો એ પણ શનિવારે જ ઘરમાં લઈ આવવાં. જોકે વાહન સાથે આ વાત લાગુ નથી પડતી.

વાહન કયા દિવસે ખરીદવું જોઈએ?
જો શક્ય હોય તો વાહન મંગળવારે ખરીદવું જોઈએ. એન્જિનમાં આગ જન્મે છે એટલે જ વાહન આગળ ચાલે છે. મતલબ કે વાહન અને આગને સીધો સંબંધ છે તો એવો જ સીધો સંબંધ આગ અને મંગળને છે. જો વાહન મંગળવારે ખરીદવામાં આવે તો એ મેઇન્ટેનન્સથી માંડીને અન્ય સર્વિસની બાબતમાં હેરાનગતિ નથી આપતું. વાહનની બાબતમાં એક અન્ય સૂચન પણ કરવાનું. જો શક્ય હોય તો વાહન લાલ રંગનું પસંદ કરવું જોઈએ. લાલ રંગનું વાહન સૂર્યરથ જેવું પરિણામ આપવાને સમર્થ હોય છે. આજકાલ બ્લૅક કલરના વાહનનો ક્રેઝ વધ્યો છે, પણ શક્ય હોય તો કાળા રંગનું વાહન અને ખાસ તો કાર ન ખરીદવી. ગ્લોબલ વૉર્મિંગના સમયમાં બ્લૅક કલરની કાર વધારે ગરમ થાય છે જે શરીર માટે નુકસાનકર્તા છે તો થોડા સમય પહેલાં જ ક્યાંક વાંચવા મળ્યું કે અકસ્માતમાં કાળા કલરની ગાડી વધારે પ્રમાણમાં જોવા મળે છે.

astrology life and style columnists