રોજ શેનાથી નહાશો?

05 May, 2024 07:12 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સ્નાન અને એનર્જીને સીધો સંબંધ છે તો ગ્રહોને પણ તમે કેવા પાણીથી નહાઓ છો એની સાથે સીધો નાતો છે, માટે રોજ સાદા પાણીથી નહાવાને બદલે બહેતર છે કે નહાવાના એ પાણીમાં આવશ્યકતા મુજબનાં દ્રવ્યોનો ઉમેરો કરીને એનાથી સ્નાન કરવું જોઈએ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જેમ સ્નાન કરવું એ રોજિંદી પ્રક્રિયા છે એવી જ રીતે એનર્જી અને ગ્રહોને રીચાર્જ કરવાં એ પણ રોજિંદી પ્રક્રિયા છે. જૂના જમાનાનાં રાજામહારાજાઓ કે મહારાણીઓને સ્નાન કરતાં તમે ફિલ્મોમાં જોયાં હશે. તેમના સ્નાનકુંડમાં તમને ગુલાબની પાંદડીઓથી લઈને દૂધનું મિશ્રણ થયેલું પાણી જોયાનું પણ તમને કદાચ યાદ હશે. એ સ્નાન તેમની શ્રીમંતાઈ નહીં, પણ તેમનું એનર્જી અને ગ્રહો પ્રત્યેનું જ્ઞાન કેવું સતેજ છે એ દર્શાવે છે. શરીરની ઊર્જા અને ગ્રહોને રીચાર્જ કરવા માટે સ્નાનનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે જો નાહવાના પાણીમાં અમુક દ્રવ્યો ઉમેરવામાં આવે. એ દ્રવ્યો બહુ સરળ છે અને મોટા ભાગનાં ઘરોમાં એ હોય પણ છે. પ્રયાસ કરજો, એ દ્રવ્યો સાથે સ્નાન કરવાનો અને પછી જીવનમાં આવતા ફેરફારને પણ નોંધજો.

અઠવાડિયાના સાત દિવસ દરમ્યાન રોજ કેવાં પ્રકારનાં દ્રવ્યોથી નાહવું જોઈએ એની અહીં ચર્ચા કરવામાં આવી છે. એક સ્પષ્ટતા પણ કરી દઈએ કે આ દ્રવ્યો સાથે લીધેલા શાવરની સાથે બાથશૉપ કે શાવર-જેલનો ઉપયોગ કરી શકાય છે.

રવિવારઃ     કપૂરનો ભૂકો કરી એ ભૂકો નાહવાના પાણીમાં ઉમેરી એ પાણીથી રવિવારે સ્નાન કરવું જોઈએ. રવિવાર સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે તો કપૂર પણ સૂર્યનું પ્રતિનિધિ છે તો સાથોસાથ નકારાત્મકતા પણ દૂર કરે છે. કેમ્ફર-વૉટરથી સ્નાન કરવાથી મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે તો સાથોસાથ શરીરમાં એનર્જી પણ વધે છે જે કામ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
સોમવારઃ દરિયાઈ મીઠું પાણીમાં નાખી, એ પાણીથી સ્નાન કરવું જોઈએ. મનમાં રહેલી નેગેટિવિટી દૂર કરવાનું કામ દરિયાઈ મીઠું કરે છે. એ સૉલ્ટથી સ્નાન કરવાનું ચલણ છેલ્લાં થોડાં વર્ષોથી વધ્યું હોવાથી હવે તો સી-સૉલ્ટ સરળતાથી બજારમાં પણ મળી રહે છે. સી-સૉલ્ટ પાણીમાં ઉમેર્યા પછી એ પીગળી જાય એની ચીવટ રાખવી અને એ પછી જ સ્નાન શરૂ કરવું.

મંગળવારઃ કૅમ્ફર-વૉટર બાથ નહીં તો પાણીમાં ગુલાબજળ નાખીને એનાથી બાથ લેવું જોઈએ. જો એનર્જીની આવશ્યકતા હોય તો કૅમ્ફર-વૉટરથી સ્નાન લેવું સારું, પણ જો મનમાં શાંતિની ઇચ્છા હોય અને સંબંધોમાં રહેતો તનાવ દૂર કરવો હોય તો ગુલાબજળથી કરેલું સ્નાન લાભદાયી છે. ગુલાબજળ ઑથેન્ટિક હોય એ જરૂરી છે. જો ઘરમાં જ ગુલાબજળ બનાવવું હોય તો એની રીત પણ આસાન છે, જે તમને યુટ્યુબ પર જોવા મળશે.

બુધવારઃ નાહવાના પાણીમાં અડધો કપ દૂધ ઉમેરી એ પાણીથી સ્નાન કરવાથી બૌદ્ધિક કુશાગ્રતા વધે છે. બુધ ગ્રહને પોષણ આપવાનું કામ દૂધ કરે છે તો આ જ દૂધ શુક્રનું પણ પ્રતિનિધિત્વ કરે છે. બુધવારે મિલ્ક-બાથ લેવાથી ખોટાં આકર્ષણોથી દૂર રહેવાની ક્ષમતા પણ ડેવલપ થાય છે અને સાથોસાથ બુદ્ધિનો સાચો ઉપયોગ કરવાની આવડત પણ વધારે સ્ટ્રૉન્ગ બને છે.

ગુરુવારઃ પાણીમાં બે ચમચી હળદરનો પાઉડર ઉમેરી એ પાણીને એકરસ કરીને નાહવાથી ગુરુ ગ્રહ રીચાર્જ થાય છે. જો સીઝન હોય અને સરળતાથી ઉપલબ્ધ હોય તો કેસૂડાંનાં ફૂલ પાણીમાં નાખી એનાથી પણ બાથ લઈ શકાય છે. જેનો ગુરુ ગ્રહ મજબૂત હોય છે તેને સાચાં-ખોટાં પગલાં લેવાની સમજણ ડેવલપ થાય છે તો સાથોસાથ દરેક સ્ટેપ્સમાં સદ્બુદ્ધિનો ઉપયોગ થતો રહે એ સમજણ પણ તેનામાં આવે છે.

શુક્રવારઃ શુક્ર એટલે વિજાતીય આકર્ષણ અને પ્રસિદ્ધિનો ગ્રહ. શુક્રવારના દિવસે મોગરા કે મોગરાનું અત્તર નાખીને સ્નાન કરવાથી ફાયદો થઈ શકે છે. જેના મૅરેજમાં વિઘ્નો આવતાં હોય તેમણે તો આ પ્રયોગ રોજ કરવો જોઈએ અને જે પ્રસિદ્ધિ ઇચ્છે છે તેના માટે પણ આ પ્રયોગ હિતકારી છે. જો મોગરાનું અત્તર ન મળે તો એનો અર્ક પણ વાપરી શકાય. મોગરાનો અર્ક પણ ઘરે બનાવવાનું સરળ છે અને એની ટેક્નિક પણ યુટ્યુબ પરથી શીખવા મળી શકે છે.

શનિવારઃ સી-સૉલ્ટ બાથ પણ આજના દિવસે લઈ શકાય જે નૅગેટિવિટી દૂર કરવાનું કામ કરશે તો જેને વડીલો સાથે બહુ મતભેદ રહેતા હોય તે શનિવારના દિવસે કૅમ્ફર-વૉટર બાથ પણ લઈ શકે છે. શનિવારે લીધેલું કૅમ્ફર-વૉટર બાથ તેમને વડીલો સાથે હાર્મની જોડવામાં મદદ કરશે. ધારો કે કોઈને પોતાનાથી નાના હોય એવા લોકો સાથે વિખવાદ હોય તો તેમણે કાળા તલનો અર્ક નાખ્યો હોય એવા પાણીથી બાથ લેવું જોઈએ.

શાવર લેતા હો તો શું કરી શકાય?
મોટા ભાગના લોકો આજકાલ શાવર લેતા હોય છે એટલે પ્રશ્ન થાય કે એવા સમયે કેવી રીતે આ દ્રવ્યોથી બાથ લઈ શકાય? તો એનો પણ ઉપાય છે. આ દ્રવ્યો સાથે થોડું પાણી તૈયાર કરી લેવું અને પછી અડધો શાવર લઈ લીધા પછી તૈયાર કરેલા દ્રવ્યવાળું પાણી માથા પર રેડી દેવું અને એ પછી ફરીથી શાવર લઈ લેવો. આ રીતે કરેલું બાથ પણ એવું જ રિઝલ્ટ આપશે જેટલું બાલદીમાં પાણી લઈને બાથ લીધું હોય.

columnists gujarati mid-day