ગિફ્ટ આપવા માટે શું સૌથી શ્રેષ્ઠ છે?

29 December, 2024 08:16 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

કઈ ભેટ આપવી અને શું કામ એ પ્રકારની ભેટ આપવી એના વિશે પણ અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, પણ એ વાતો હવે ભુલાઈ ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

ભેટ આપવાની જે પરંપરા છે એ પરંપરા સદીઓથી ચાલી આવે છે જે હવે પ્રસંગોપાત્ત જ અમલમાં મુકાય છે પણ પહેલાંના સમયમાં તો લોકો જ્યારે પણ મળે ત્યારે એકબીજાને ભેટ આપતા કે પછી કોઈને ત્યાં જતા હોય ત્યારે ભેટ લઈ જતા. ભેટ આપવાનું બહુ મહત્ત્વ છે. ગિફ્ટથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવે છે તો ગિફ્ટ જે-તે વ્યક્તિ સાથે સંબંધોથી જોડાયેલા રહેવાનું પણ યાદ અપાવે છે. કઈ ભેટ આપવી અને કયાં કારણોસર એના વિશે આપણાં અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, પણ એ વાતો હવે ભુલાઈ ગઈ છે. આજે આપણે એ જ વાત કરવાના છીએ કે સામાન્ય રીતે કયા પ્રકારની ભેટ આપતા રહેવી જોઈએ.

આપો ખુશ્બૂ, પ્રસરાવો ખુશ્બૂ

જો શક્ય હોય તો ખુશ્બૂદાર ચીજવસ્તુની ભેટ આપવી જોઈએ પણ હા, એમાં બે ચીજનો જ ઉપયોગ કરવો જોઈએ. એક છે અગરબત્તી કે ધૂપ અને કાં તો અત્તર. માર્કેટમાં સારા પૅકિંગમાં ઘણાં ધૂપ અને અગરબત્તીઓ મળે છે, જે ભેટમાં આપવા યોગ્ય હોય છે અને એવું જ અત્તરનું છે. આ પ્રકારની ચીજવસ્તુઓ ભેટમાં આપવાથી સંબંધોમાં ખુશ્બૂ અકબંધ રહે છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે શિવાજી મહારાજ જ્યારે પણ કોઈ રાજવીને મળવા જતા ત્યારે તે રાજવી માટે સુગંધી અત્તર લઈ જતા. આવું જ સરદાર વલ્લભભાઈ પટેલનું પણ હતું. રજવાડાંઓનું વિલીનીકરણ થયા પછી તમામ રજવાડાંઓનું એક સ્નેહમિલનનું આયોજન દિલ્હીમાં થયું હતું, જેમાં સરદારે ખુશ્બૂદાર અગરબત્તીનાં બૉક્સ ભેટરૂપે રાજવી પરિવારોને આપ્યાં હતાં, જે બૉક્સ અમુક રાજવી પરિવારોના પૅલેસમાં આજે પણ યાદીરૂપે સચવાયેલાં છે.

જીભને મીઠાશ, સંબંધોને મીઠાશ

જ્યારે પણ આપો ત્યારે ગળપણ ધરાવતી ચીજવસ્તુ જ આપો. એક વાત ખાસ યાદ રાખવી, અથાણું તો ભેટ તરીકે ક્યારેય આપવું નહીં અને ધારો કે એ આપવું જ હોય તો એટલા જ વજનનું ગળપણ સાથે ભેટમાં આપવું. પ્રયાસ એ પણ કરવો કે કુદરતી રીતે ગળપણ ધરાવતી ખાવાની આઇટમ આપી શકાય તો એ સૌથી ઉત્તમ. ઉદાહરણ રૂપે તમે ખજૂર ગણી શકો. કુદરતી મીઠાશ ધરાવતી ચીજ આપવાથી સંબંધોમાં મીઠાશ રહે છે અને વ્યક્તિ ભેટ આપનારા માટે કડવાશભર્યા શબ્દો વાપરતાં ખચકાય છે. ચૉકલેટ્સ કે કુકીઝનો આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી એટલે એ ભેટ આપવાથી આવું જ પરિણામ મળે કે નહીં એ વિશે કહી ન શકાય. ચૉકલેટનો ઓરિજિનલ સ્વાદ કડવો છે એટલે એનું પણ પરિણામ મળવાની શક્યતા ઓછી અને કુકીઝમાં વપરાતો મેંદાનો કે અન્ય લોટ પણ સ્વાદહીન હોય છે એટલે એનું પણ પરિણામ ન્યૂનતમ આવી શકે.

સ્વસ્થ રહો, મસ્ત રહો

સંબંધોમાં આપવામાં આવતાં ડ્રાયફ્રૂટ્સ રિલેશનને હેલ્ધી બનાવે છે. પહેલાંના સમયમાં રાજારજવાડાંઓ પાડોશી રાજવીને નિયમિત રીતે ડ્રાયફ્રુટ્સ મોકલતા જેથી ક્યારેય તેમની સાથે ચડાઈનો પ્રશ્ન આવીને ન ઊભો રહે. વાત અહીં ડ્રાયફ્રુટ્સની છે, નહીં કે મરીમસાલા કે તેજાનાની. એ પ્રકારની ભેટ ન આપવી જોઈએ. જ્યારે પણ આવી ભેટ આપવામાં આવી છે ત્યારે એ સંબંધોમાં લાંબી અંટશ ઊભી થઈ છે. કાજુ, બદામ, અખરોટ જેવી આઇટમ આપી શકાય અને અંજીર કે કિસમિસ હોય તો સૌથી ઉત્તમ છે. પારસીઓ જ્યારે સુરત આવ્યા ત્યારે દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનો આખો કિસ્સો બહુ પૉપ્યુલર છે પણ એ પછીની વાત ક્યારેય જાહેરમાં નથી આવી. કવિ નર્મદે તેના ‘ડાંડિયો’ નામના સાપ્તાહિકમાં લખ્યું છે કે પારસીઓએ ત્યારે પછી રાજવી પરિવારને અંજીર અને કિસમિસની ભેટ આપી અને પારસીઓના સુરતના રાજવી પરિવાર સાથે પારિવારિક સંબંધો અકબંધ રહ્યા.

આ ભેટમાં કેસરની પણ બાદબાકી કરવામાં આવી છે કારણ કે ફક્ત કેસરનો સ્વાદ તૂરો છે પણ હા, કેસરમાં સોડમ ખરી એટલે તમે આ ભેટની સાથે કેસર ચોક્કસ મૂકી શકો પણ માત્ર કેસરની ભેટ આપી શકાય નહીં ભલે એ ગમે એટલું કીમતી હોય.

બોનસ ટિપ

ચાંદી ક્યારેય ભેટ તરીકે આપવી નહીં. ચાંદી આપવાનો અર્થ એવો છે કે તમે તમારી ખ્યાતિ, પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ અન્યના નામે કરો છો એટલે ક્યારેય ચાંદી ભેટ સ્વરૂપે આપવી નહીં અને આ જ વાત અવળા રૂપે પણ માનવી કે કોઈની પાસેથી ચાંદીની ભેટ ક્યારેય લેવી નહીં.

astrology life and style columnists