હથેળીમાં રહેલી હસ્તરેખાઓ શું સૂચન કરે છે?

16 July, 2023 02:21 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

પામિસ્ટ્રી તરીકે યંગસ્ટર્સમાં પૉપ્યુલર થયેલા હસ્તરેખાશાસ્ત્રમાં સિમ્બૉલિક ભાષાનો ઉપયોગ થયો છે; જે વ્યક્તિના આર્થિક, શારીરિક, સામાજિક અને માનસિક ભવિષ્યનો નિર્દેશ કરે છે

પ્રતીકાત્મક તસવીર

અસરકારક રીતે હસ્તરેખા જોનારાઓ હવે પ્રમાણમાં ઓછા રહ્યા છે, પણ એનો અર્થ એવો નથી કે હસ્તરેખાનું સૂચન ગેરવાજબી હોય. માણસ જન્મે ત્યારથી તેની હથેળીમાં હસ્તરેખા ઊપસવાની શરૂ થાય છે, જે સમય જતાં અને ઉંમર વધતાં વધારે સ્પષ્ટ થતી જાય છે. સ્પષ્ટ થતી આ હસ્તરેખા વ્યક્તિના ભવિષ્યનો નિર્દેશ કરે છે. અભ્યાસથી લઈને તેનું લગ્નજીવન કેવું રહેશે એ પણ હસ્તરેખા મારફત જોઈ શકાય છે તો આર્થિક તંગદિલી અને વ્યક્તિની સુખાકારી પણ હસ્તરેખા દ્વારા જોઈ શકાતી હોય છે.

હથેળીમાં અંકિત થયેલી આ હસ્તરેખા શું સૂચવે છે તો ઘણી વાર હથેળીમાં કુદરતી રીતે જ ઊપસેલી સાઇન શું સૂચવે છે એ જાણવા જેવું છે.

રેખાઓની ભરમાર | જો હથેળીમાં અઢળક હસ્તરેખાઓ હોય અને કારણ વિનાના કાપાઓ બહુ જોવા મળતા હોય અને તે એ સ્તર પર હોય કે હસ્તરેખાની મુખ્ય રેખા કહેવાય એ પણ આ અઢળક કાપાકૂપી ધરાવતી રેખાને કારણે આછી દેખાય. આ પ્રકારનો હાથ ધરાવતી વ્યક્તિનું જીવન સંઘર્ષમય હોય એવો નિર્દેશ આપે છે. જરૂરી નથી કે તેણે જીવનમાં માત્ર આર્થિક સ્તર પર જ સંઘર્ષ કરવો પડે. સામાજિક, માનસિક કે પછી શારીરિક સંઘર્ષ પણ તેના જીવનમાં હોઈ શકે છે. જીવનના આ સંઘર્ષને દૂર કરવા અને તકલીફો ઓછી કરવા માટે આ પ્રકારની વ્યક્તિ માટે મેડિટેશન અત્યંત ઉપયોગી સાધના પુરવાર થાય છે.

અસ્પષ્ટ રેખાઓનું હોવું | હથેળીમાં રેખાઓ કાં તો અસ્પષ્ટ કે આછી હોય તો તે વ્યક્તિ માનસિક સ્તર પર ડિસ્ટર્બ હોઈ શકે છે. આ પ્રકારના હાથ ધરાવતી વ્યક્તિની હથેળીની તમે કોઈ પણ જગ્યાએ છાપ લો તો એ છાપમાં મુખ્ય રેખાઓ પણ ઊપસતી નથી. આવી વ્યક્તિનું જીવન ડિસ્ટર્બ રહેવા ઉપરાંત તેના જીવનમાં વારંવાર એવી ઘટનાઓ પણ ઘટે કે એ સમયે તેને નિર્ણય લેવામાં અતિશય તસ્દી પડે અને ડબલ માઇન્ડની અવસ્થામાં તે આવેલી તક જતી કરે. અસ્પષ્ટ રેખાઓ ધરાવતી વ્યક્તિએ બુધની આરાધના કરવી જોઈએ અથવા તો તે જો બુધનો નંગ એટલે કે પન્ના પહેરે તો તેના માટે લાભદાયી રહે છે.

છીછરી કે સપાટ હથેળી હોવી | તમે જોશો તો હાથની બરાબર મધ્યનો ભાગ અંદર ઊતરેલો એટલે કે રકાબી જેવો દેખાશે. જોકે ઘણી વ્યક્તિની હથેળીનો મધ્ય ભાગ સપાટ જ હોય છે, જેને છીછરી હથેળી કહેવાય છે. આ પ્રકારની સપાટ હથેળી ધરાવતી વ્યક્તિ વધારે પડતી ઑર્થોડોક્સ વિચારધારા ધરાવનારી હોય છે, જેને કારણે તે નવી વાત ઝડપથી સ્વીકારી શકતી નથી. પરિણામે તેને વારંવાર મતભેદ ઊભા થયા કરે છે. છીછરી હથેળી ધરાવતી વ્યક્તિએ શનિની આરાધના કરવી જોઈએ. જો તે પોતાના ભોજનમાં રાઈના તેલનો વપરાશ વધારે અને રાઈના તેલનું નિયમિત સેવન કરે તો વ્યક્તિગત ઊભા થતા મતભેદથી તે બચી શકે છે.

હસ્તરેખાથી ધાર્મિક ચિહન બનવું |  સ્વાભાવિક રીતે એ બહુ સારી વાત કહેવાય જેમાં હસ્તરેખાઓના સંયોગથી સ્વસ્તિક, ત્રિશૂળ, શંખ, તોરણ કે પછી ધર્મને લગતાં અન્ય કોઈ પણ ચિહનો ઊભાં થતાં હોય. જો હાથમાં ત્રિશૂળ ઊભું થતું હોય તો એ વ્યક્તિ પુણ્યપ્રતાપી હોય છે. આ પ્રકારની વ્યક્તિને જો ડિફેન્સમાં કે પોલીસ ફોર્સમાં મોકલવામાં આવે તો તે ચોક્કસ જ ઊંચા હોદ્દા પર પહોંચે અને પરિવારનું નામ રોશન કરે. હસ્તરેખા થકી જો હથેળીમાં સ્વસ્તિકનું નિર્માણ થતું હોય તો એવી વ્યક્તિ ધાર્મિક ક્ષેત્રમાં ખૂબ આગળ વધે છે. હા, એવી વ્યક્તિ ચોક્કસ સમય પછી સંસાર છોડે એવી સંભાવના પણ રહે છે.

શંખ અને તોરણ તથા હસ્તરેખા થકી હથેળીમાં બનતાં અન્ય ચિહનોની વાતો હવે આપણે કરીશું આવતા રવિવારે.

astrology life and style