અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

13 October, 2024 08:27 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય  
ગમતા વિષયને પ્રાધાન્ય આપજો અને જેમાં ખરી ખુશી પ્રાપ્ત થતી હોય એ જ કામ કરજો. મૈત્રી સહિતના સંબંધો મહત્ત્વપૂર્ણ બની રહેશે. તમારા માર્ગમાં આવનારી, ખાસ કરીને નસીબથી મળી હોય એવી તકોનો મહત્તમ ઉપયોગ કરી લેજો. જરાપણ ડર રાખ્યા વગર હિંમત અને વિશ્વાસ સાથે આગળ વધજો. મોટી ઉંમરનાં જાતકોએ તબિયત સાચવવા માટે ખાસ પ્રયાસ કરવાના રહેશે

લિબ્રા જાતકોની અજાણી બાજુ 
લિબ્રા જાતકોને વિનાકારણે ઝંઝટમાં ઊતરવું ગમતું હોતું નથી. આને કારણે ક્યારેક તેમણે જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં પણ તેઓ પોતાના હક માટે અવાજ ઉઠાવતા નથી. પરિણામે તેમના સંબંધોમાં ઉષ્મા અને સાયુજ્ય રહેતા નથી. તેઓ સામેવાળી વ્યક્તિને અનુરૂપ વર્તન કરવા સક્ષમ હોય છે. તેમને કોઈ સામેથી પ્રેમ કરે એવું તેઓ ઇચ્છતાં હોય છે. તેમના નિર્ણયો પર આ બાબતની અસર થતી હોય છે. પરિણામે, તેઓ પોતાની મોહકતાનો ઉપયોગ કરતાં હોય છે..

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

કોઈ મહત્ત્વપૂર્ણ કે જટિલ પરિસ્થિતિમાં લોકો સાથેના વ્યવહારમાં પ્રથમ દૃષ્ટિએ જે દેખાય એને સાચું માની લેતા નહીં. આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સ અને પ્રોજેક્ટ્સ ધરાવતાં જાતકો માટે સારો સમય છે.
આરોગ્યવિષયક સલાહ : મોટી ઉંમરનાં જાતકોને ઉંમરને અનુરૂપ જીવનશૈલીમાં ફેરફારો કરવાની જરૂર પડી શકે છે. આરોગ્યને લગતી કોઈ પણ નાની તકલીફ વકરે એની પહેલાં એનો ઇલાજ કરાવી લેવો આવશ્યક છે.  

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

તમારું મહત્ત્વ જ્યાં ઓછું અંકાતું હોય એવી કોઈ પણ પરિસ્થિતિને નવા દૃષ્ટિકોણથી મૂલવજો. જૂની ઘરેડને વળગી રહેતા નહીં. આવશ્યક ફેરફારો કરી લેજો.
આરોગ્યવિષયક સલાહ : જેમને કિડનીને લગતી બીમારી રહેતી હોય તેમણે થોડી વધુ કાળજી લેવી. જો કોઈ સર્જરી કરાવવાનું પહેલેથી નક્કી કરવાની સ્થિતિ હોય તો સેકન્ડ ઓપિનિયન જરૂર લઈ લેજો.   

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

ભલે નાની હોય, પરંતુ જેમાં ઘણી સંભાવનાઓ રહેલી હોય એવી તકોનો મહત્તમ ઉપયોગ કરી લેજો. સામાજિક વાર્તાલાપમાં બોલતી વખતે સાચવજો, કારણ કે તમારા વિશે ગેરસમજ થઈ શકે છે. 
આરોગ્યવિષયક સલાહ: માનસિક તાણનો સારામાં સારી રીતે સામનો કરજો અને શક્ય હોય ત્યાં સુધી જીવન સરળ રાખજો. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે થોડું વધુ સાચવવું. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમે જે પાળી શકવાના ન હો એવું કોઈ પણ વચન આપતા નહીં. સંદેશાઓનો તત્કાળ જવાબ આપજો અને યોગ્ય ભાષાનો ઉપયોગ કરજો.
આરોગ્યવિષયક સલાહ : લાંબા સમય સુધી ચાલનારી બીમારીની સ્થિતિમાં તમારી સામેના વિકલ્પોનો વિચાર કરી લેજો. જેમને આધાશીશીની સમસ્યા રહેતી હોય તેમણે આ સમયમાં પોતાની વધુ દરકાર લેવાની જરૂર પડશે. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

પોતાની આશા-આકાંક્ષાઓ વિશેની સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે તમે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાના હો. ટૂંકા ગાળાની નહીં, પરંતુ સર્વાંગી દૃષ્ટિએ વિચાર કરજો.
આરોગ્યવિષયક સલાહ: તમે અમલમાં આણેલા જીવનશૈલીના ફેરફારોને વળગી રહેજો અને એમાં તમારી પ્રગતિ ધીમી હોય તોપણ ચિંતા કરતા નહીં. ખૂબ જ તૈલી અને મસાલેદાર ખોરાક લેવાનું ટાળજો. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં તમામ જરૂરી માહિતી અને ડેટા ભેગા કરી લેજો. દસ્તાવેજો બનાવવાની કે કાનૂની બાબતોને કાળજીપૂર્વક સાચવી લેજો.
આરોગ્યવિષયક સલાહ : આરોગ્યને લગતી દરેક બાબત પર લક્ષ આપજો, કારણ કે તમે ધાર્યું ન હોય એવો ઉપચાર કરાવવાની જરૂર પડી શકે છે. જો તમને સહેલાઈથી ઊંઘ આવતી ન હોય તો રાતના સમયના રૂટિનની ચકાસણી કરી લેજો. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

ગાડી આગળ વધતી ન હોય એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું, પછી ભલે તમે ભાવનાત્મક રીતે એની સાથે ઘનિષ્ઠતાપૂર્વક સંકળાયા હો. રોકાણો કરતી વખતે લાંબા ગાળાનાં લક્ષ્યો અવશ્ય નજર સમક્ષ રાખજો.
આરોગ્યવિષયક સલાહ : તમે જીવનશૈલીને લગતા કોઈ ફેરફારો કર્યા હોય તો એનું અચૂક પાલન કરજો. જેમને હૃદયની કે હાઈ બ્લડને લગતી તકલીફ રહેતી હોય તેમણે પોતાની વધુ કાળજી લેવી. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

બોલવામાં સ્પષ્ટતા રાખજો, પછી ભલે તમારે કડવી હકીકત બોલવી પડે. તમારા માટેની લાભદાયક સ્થિતિનો યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઉપયોગ કરજો. 
આરોગ્યવિષયક સલાહ : ઘરે જમવાનો, સૂવાનો અને ઊઠવાનો એ બધાનું સમયપત્રક સુધારવા પર ધ્યાન આપજો. ચશ્માં પહેરનારાં જાતકોએ આ સમયમાં આંખની તપાસ કરાવી લેવી. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

તમારે મહત્ત્વપૂર્ણ સંદેશનો પ્રત્યુત્તર આપવાનો હોય તો પરિસ્થિતિનું અલગ-અલગ દૃષ્ટિએ આકલન કરી લીધા બાદ જ આગળ વધજો. વાટાઘાટ કરતી વખતે પોતાની અપેક્ષાઓ બાબતે સ્પષ્ટતા રાખજો.
આરોગ્યવિષયક સલાહ : જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે ખાણીપીણીની બાબતે ખૂબ જ શિસ્તબદ્ધ રહેવું. નાના-નાના ફેરફારો લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ પણ મોટા ફેરફારો કરતાં પહેલાં એ વિચારી લેજો કે તમારે ખરેખર શું જોઈએ છે. તમારું સારું વિચારતા જૂના મિત્રો સાથે સમય ગાળજો.તેમની પાસેથી હકારાત્મક સ્પંદનો મળશે જે બળ આપશે. 
આરોગ્યવિષયક સલાહ : તબિયત બગાડનારી નાની-નાની આદતોનો ત્યાગ કરવા માટેના પ્રયાસ કરજો. સંતાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા સાનુકૂળ સમય છે. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમારું માન સાચવતા ન હોય એવા લોકો સાથે સમય ગાળતા નહીં. નિયમિતપણે કરવામાં આવતાં નાનાં રોકાણો દ્વારા મોટી રકમ જમા થશે. ધીરજ રાખજો.
આરોગ્યવિષયક સલાહ : કફની કે ગળું ખરાબ રહેવાની સમસ્યા અવારનવાર થતી હોય તો ડૉક્ટરની દવાની સાથે-સાથે ઘરગથ્થુ ઉપચારો પણ કરજો. દવા યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં નિયમિતપણે લેજો. 

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

શું કરવું એની ગમ પડતી ન હોય તો કોઈ પગલું નહીં ભરવામાં જ શાણપણ છે. તમે શોખના વિષયમાં આગળ વધવા માગતા હો તો પોતાના તરફથી પણ થોડી મહેનત કરજો.
આરોગ્યવિષયક સલાહ : ફિટનેસ અને ડાયટના નવા પ્લાનમાં આગળ વધતાં પહેલાં પોતાનાં લક્ષ્યો નિશ્ચિત કરી લેજો. મોટી ઉંમરનાં પુરુષ જાતકોએ પ્રોસ્ટેટની તપાસ કરાવી લેવી. 

astrology columnists life and style