અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

26 May, 2024 06:38 AM IST  |  Mumbai | Aparna Bose

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...
નાના-નાના ફેરફારો પણ મોટું પરિવર્તન લાવતા હોય છે અને કામમાં આગળ વધવા માટે ઉપયોગી થતા હોય છે. જીવનની કોઈ પણ બાબતે નવેસરથી શરૂઆત કરવા ઇચ્છુક જાતકોએ પહેલું પગલું તો ભરવું જ પડશે. સંબંધોમાં તિરાડ પડી હોય તો એને યોગ્ય રીતે દૂર કરવાની જરૂર છે. પીઠને લગતી કે કરોડની તકલીફો થવાનું જોખમ ધરાવતા જાતકોએ વ્યાયામ કરતી વખતે સાચવવું.

જેમિની જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?
જેમિની જાતકો સામાન્ય રીતે અલગ-અલગ વર્તુળોમાંથી મિત્રો બનાવી લેતા હોય છે અને દરેક વર્તુળમાં સહેલાઈથી ભળી જતા હોય છે. તેઓ વધુ ચિંતા કરનારા હોતા નથી. તેઓ સહેલાઈથી દોસ્તી કેળવી લે છે અને જો તેમનો મૂડ સારો હોય તો તેમની સાથે રહેવામાં મજા આવતી હોય છે. તેઓ વિચારપ્રેરક વાર્તાલાપ કરવાનું પસંદ કરતા હોય છે. તેમની જેમ જ વિવિધ રુચિઓ ધરાવતા મિત્રો તેમને ગમતા હોય છે.

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી થાય તો શું કરવું એ વિષયમાં તમારી દૃષ્ટિ અને અભિગમનો વિસ્તાર કરજો. કંઈ પણ મેળવવાની આશા રાખ્યા વગર પોતાની ફરજ બજાવ્યે રાખજો.
કારકિર્દી વિશે સલાહ : ધીમા ચાલી રહેલા પ્રોજેક્ટ સંબંધે ધીરજ રાખજો. સહકર્મીઓ જોડે સૌહાર્દપૂર્ણ સંબંધો રાખવા માટે થોડી વધુ જહેમત લેજો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

કોઈ પરિવારજન કે મિત્ર જોડે મતમતાંતર થાય તો પ્રામાણિકપણે સંવાદ સાધજો અને મન મોકળું રાખજો. હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા જાતકોએ પોતાની થોડી કાળજી લેવી.
કારકિર્દી વિશે સલાહ : જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હો તો એમાં તમારે બજાવવાની ફરજ બાબતે સ્પષ્ટતા રાખજો. તમારા પ્રોફેશનલ નેટવર્કનો શક્ય એટલો વધુ લાભ લેવાનો પ્રયાસ કરજો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ પરિસ્થિતિને સારી રીતે સમજવા માટે પોતાનાં તમામ સંસાધનોનો ઉપયોગ કરી લેજો. સામાજિક વર્તુળનો વિસ્તાર કરવા ઇચ્છતા જાતકો માટે સાનુકૂળ સમય છે. 
કારકિર્દી વિશે સલાહ : ખાસ કરીને નોકરી કે કારકિર્દીને લગતાં પોતાનાં લક્ષ્યો વિશે સ્પષ્ટ વિચાર રાખજો. તમારા આઇડિયા બીજા કોઈને કહેતા નહીં, કારણ કે તમારા સહકર્મી એને પોતાના નામે ચડાવી દે એવું જોખમ છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જીવનમાં આવનારું દરેક પરિવર્તન આખરે તમારા જ હિતમાં હશે. જીવનમાં આવનારી નવી વ્યક્તિઓને મહત્ત્વ આપવું, કારણ કે તેમની સાથે તમારો કર્મનો મહત્ત્વપૂર્ણ નાતો હશે.
કારકિર્દી વિશે સલાહ : સહકર્મીઓ અને ક્લાયન્ટ્સ જોડે ફક્ત પ્રોફેશનલ સંબંધ રાખજો. કોઈ પ્રોજેક્ટમાં દર વખતનો અભિગમ ચાલતો ન હોય તો એમાં પરિવર્તન લાવવાની તૈયારી રાખજો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

નાણાં અને બીજાં સંસાધનોનો બુદ્ધિપૂર્વક અને લાંબા ગાળાની દૃષ્ટિએ ઉપયોગ કરવો. સંતુલિત જીવનશૈલી અપનાવવી. આરોગ્યપ્રદ ખોરાક લેવો અને પૂરતી ઊંઘ લેવી.
કારકિર્દી વિશે સલાહ : બીજાઓની શું જવાબદારી છે એનો વિચાર કરવાને બદલે પોતે શું કરવાની જરૂર છે એનો વિચાર કરજો. ક્યાંય કોઈકની તરફદારી થતી હોય તો એ સ્થિતિને સમજદારીપૂર્વક સાચવી લેજો.  

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પોતાનાં લક્ષ્યોનો વિચાર કરજો અને એને અનુકૂળ ન હોય એવી દરેક બાબતને જવા દેજો. દરેક વ્યક્તિ સાથેના વ્યવહારમાં અનુકંપા રાખજો, ખાસ કરીને એવા લોકો સાથે જેમની સાથે તમને ફાવતું ન હોય.
કારકિર્દી વિશે સલાહ : કોઈ સહકર્મી કે ક્લાયન્ટ બે મોઢે વાત કરતા હોય તો તેનાથી સાવચેત રહેજો. પોતાનાથી થાય એટલું જ કામ માથે લેજો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

અન્ય શહેરમાં કે વિદેશમાં વસતા મિત્રો અને સંબંધીઓ જોડે સંપર્કમાં રહેવા માટે પ્રયાસ કરજો. કાનૂની પેચની સ્થિતિમાં વધુ સંભાળવું.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ દસ્તાવેજ, ખાસ કરીને કૉન્ટ્રૅક્ટ પર સહી કરતાં પહેલાં એને બરાબર વાંચી લેજો. ઉપરી કે માર્ગદર્શક પાસેથી મૂલ્યવાન સલાહ મળી રહેશે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમારા માટે સારી ન હોય એવી આદતો સુધારવા પર કામ કરજો. નવું કૌશલ્ય પ્રાપ્ત કરવું હોય તો નવા વિદ્યાર્થી જેવો અભિગમ રાખજો.
કારકિર્દી વિશે સલાહ : કોઈ અવરોધ કે ત્રુટિ સર્જાય તો એનો સારામાં સારી રીતે હલ લાવજો. તમારે ખરેખર શું કરવાની જરૂર છે એના પર ધ્યાન આપવું. કામને પાછળ ધકેલતા રહેવું નહીં.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

દરેક પરિસ્થિતિમાં અલગ-અલગ દૃષ્ટિએ વિચાર કરી લેજો અને જે કરવાની જરૂર હોય એ તત્કાળ કરી લેજો. બિનજરૂરી ખર્ચ કરવાને બદલે બચત અને રોકાણ પર ધ્યાન આપજો.
કારકિર્દી વિશે સલાહ : એકાદ પ્રોજેક્ટમાં તમારે અખતરા કરવા પડી શકે છે. એ કર્યા પછી જ તમને સંતોષ થશે. પૈસા બચાવવા કે જલદીથી કામ કરી લેવા માટે અયોગ્ય માર્ગ અપનાવવો નહીં.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પારિવારિક બાબતોમાં લાગણીઓને સમજ્યા વગર કામ લેવું નહીં. ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેતી રાખજો, કારણ કે અકસ્માતની ઘાત છે.
કારકિર્દી વિશે સલાહ : કાનૂની બાબતો પર સતત ધ્યાન આપતા રહેજો. એ કામ આપોઆપ પૂરાં થઈ જશે એવું ધારી લેતા નહીં. ઇન્ટરવ્યુ, મીટિંગ કે વાટાઘાટ વખતે પોતાની અપેક્ષાઓ બાબતે સ્પષ્ટતા રાખજો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ખાસ કરીને જ્યારે કોઈ પરિસ્થિતિમાં લાગણીઓના ઊભરા આવી રહ્યા હોય ત્યારે સંભાળીને બોલવું. ઑનલાઇન બૅન્કિંગ કે શૉપિંગ વખતે સાઇબર સિક્યૉરિટીના નિયમોનું પાલન કરજો.
કારકિર્દી વિશે સલાહ : ઑફિસમાં કૂથલીઓ થતી હોય તો સાંભળી લેજો, એમાં જોડાતા નહીં. ઉપરી કે માર્ગદર્શકની સલાહ ભલે તાર્કિક હોય, તમારે એનો અમલ કરતાં પહેલાં પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરવો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

જટિલતાભર્યાં રોકાણો કરતા નહીં, સ્થિર વળતરનો વિચાર કરજો. ઑનલાઇન જે કંઈ વાંચવા મળે એને સંપૂર્ણ હકીકત ગણીને સ્વીકારી લેવું નહીં, જાતે અભ્યાસ કરી લેવો.
કારકિર્દી વિશે સલાહ : સંદેશવ્યવહારમાં સાચવજો. સામેવાળી વ્યક્તિ તમારા વિચારો બરોબર સમજી રહી છે એવું ગૃહિત ધરતા નહીં. બીજી કંપનીમાં જોડાવાનો વિચાર કરી રહ્યા હો તો પહેલાં પોતાની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા કરી લેજો.

astrology columnists life and style