અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

12 May, 2024 06:43 AM IST  |  Mumbai | Aparna Bose

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય...
 તમને બોનસ કે અણધારી આવક મળી જાય તો એ ખર્ચી કાઢવાને બદલે એનું રોકાણ કરજો. પાચનતંત્ર નબળું હોય એમણે ખાણી-પીણીમાં સાચવવું. નવા ઘરમાં કે નવા શહેર અથવા દેશમાં જવા ઇચ્છતાં જાતકો માટે સારો સમય છે. જીવનસાથી નક્કી કરી ચૂકેલાં જાતકો લગ્નગ્રંથિથી બંધાવાનું પગલું ભરી શકે છે. 

ટૉરસ જાતકોની અજાણી બાજુ
 ટૉરસ જાતકો ઘણા જ ભૌતિકવાદી વિચારસરણી ધરાવતાં હોઈ શકે છે. તેઓ જીવનમાં બીજી બધી બાબતોની તુલનાએ જીવનશૈલીમાં લક્ઝરી પ્રાપ્ત કરવાને વધુ મહત્ત્વ આપતાં હોય એવું બને. એમને ઇન્દ્રીયસુખ ગમતું હોવાથી તેઓ ક્યારેક એમાં કાબૂ રાખી શકતાં નથી. તેઓ આપ્તજનો પ્રત્યે ખૂબ જ અધિકારભાવ ધરાવતાં હોય છે. એને લીધે ક્યારેક આપ્તજનો સાથે એમને ઝઘડા થઈ જતા હોય છે. 

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

નાની-નાની બાબતોમાં કરવાની પસંદગીઓ પર લક્ષ આપો અને જુઓ કે લાંબા ગાળે એની કેટલી અસર થાય છે. નાણાકીય બાબતો માટે સમય સાનુકૂળ છે, પરંતુ એના માટે તમારે પહેલાં આવશ્યક જાણકારી ભેગી કરી લેવી જરૂરી બની રહેશે. 
જીવનસુધાર માટે સૂચન : જીવનમાં ફક્ત મહત્ત્વપૂર્ણ બાબતો પર લક્ષ કેન્દ્રિત કરો અને બાકીનું બધું જવા દો. વર્તમાન ક્ષણને જીવી લો અને ભાવિની ચિંતાઓ છોડી દો. 

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

તમે કોઈ વ્યક્તિગત કે વ્યવસાયી લક્ષ્ય હાંસલ કરવા ઇચ્છતા હો તો શિસ્તબદ્ધ અભિગમ અપનાવજો. બોલચાલ બાબતે કાળજી લેજો. કડવાં કે આકરાં વેણ કાઢતા નહીં. 
જીવનસુધાર માટે સૂચન : જીવનમાં ક્યારેક અણધારી જગ્યાએથી સહાય મળવા લાગી જાય છે. તમને જરૂર પડે ત્યારે મદદ માગવામાં સંકોચ કરતા નહીં. તમારે બધું જ કામ જાતે કરવાની જરૂર નથી એટલું ધ્યાનમાં રાખજો. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ પણ પરિસ્થિતિ ઉપરછલ્લી દેખાય એવી હોતી નથી. આથી એમાં ઊંડા ઊતરજો. જીવનશૈલીમાં ફેરફાર કરવા ઇચ્છતા હો તો નાનાં-નાનાં પગલાં લેજો અને અતિરેક કરતા નહીં.
જીવનસુધાર માટે સૂચન : તમે જીવનને નવી દૃષ્ટિએ નિહાળી શકો એ પણ એક પ્રકારની સમૃદ્ધિ જ છે. તમારા માટે સમૃદ્ધિનો શું અર્થ છે એનો વિચાર કરજો, એની સામાજિક વ્યાખ્યાથી દોરવાઈ જતા નહીં.  

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જો તમે પોતાના પ્રોફેશનલ નેટવર્કનો ઉપયોગ કરવા ઇચ્છતા હો અને ખાસ કરીને નવા આઇડિયા પ્રસ્તુત કરવાના હો તો ઘણી સાવચેતી રાખજો. 
જીવનસુધાર માટે સૂચન : જીવનને કે બીજા લોકોને કાબૂમાં રાખવાનો વિચાર કરવાને બદલે જીવનપ્રવાહ અસ્ખલિત વહેવા દેજો. દરેક પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો અને કયા વિકલ્પોની પસંદગી કરવી એ જ તમારા હાથની વાત હોય છે. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

તમે કોઈ પરંપરાગત વિચારસરણી અપનાવી હોય તો એની સમીક્ષા કરી લેજો. જૂનાપુરાણા વિચારોને તિલાંજલિ આપજો. સ્વયં રોજગાર કરનારા વ્યવસાયીઓ માટે સાનુકૂળ સમય છે. 
જીવનસુધાર માટે સૂચન : તમારી પ્રગતિમાં કામ આવે નહીં એવી વસ્તુઓ છોડી દેજો. જીવનમાં બિનજરૂરી વસ્તુઓનો ભરાવો થયો હોય તો એ કાઢી મૂકજો. સાદગી અપનાવજો અને જે ખરેખર અગત્યનું હોય એને જ મહત્ત્વ આપજો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કોઈ પણ મીટિંગ કે પ્રેઝન્ટેશન માટેની પૂરેપૂરી તૈયારી કરી લેજો. જો તમારે કોઈ મિત્રના કહેવા-કરવા બાબતે પ્રતિભાવ આપવો હોય તો સંતુલિત જવાબ આપજો.
જીવનસુધાર માટે સૂચન : જેમાં તમારા ધાર્યા મુજબનાં પરિણામ આવતાં ન હોય એવી બાબતોની સમીક્ષા કરી લેજો અને તમે ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે શું કરી શકો છો એનો વિચાર કરજો. પોતાના વિચારો બદલવાની તૈયારી રાખજો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમારે મોંઘા ભાવની કોઈ વસ્તુ ખરીદવાની હોય તો અલગ-અલગ વિકલ્પો જોઈ લેજો. ઑનલાઇન બિનજરૂરી સંભાષણ કે લખાણ કરતા નહીં. સ્પષ્ટ વાત કરવી, કુથલીઓ કરવી નહીં.
જીવનસુધાર માટે સૂચન : જીવનમાં હંમેશાં પ્રગતિ કરતા રહેવાનું હોય છે. પ્રગતિ થઈ રહી છે એવું લાગે તો જ સમજવું કે તમે સમૃદ્ધ થઈ રહ્યા છો. અત્યાર સુધીમાં જે કંઈ મળ્યું છે એનો સહર્ષ સ્વીકાર કરજો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમારે કોઈને જવાબ આપવાનો હોય કે પછી કોઈનો સંપર્ક સાધવાનો હોય તો યોગ્ય સમયનું ઘણું જ મહત્ત્વ રહેશે. લોકો કે પરિસ્થિતિ જેવાં દેખાય છે એવાં હોતાં નથી એ વાતનું ધ્યાન રાખજો.
જીવનસુધાર માટે સૂચન : જીવનમાં સપાટીની નીચે શું છે એનો પણ વિચાર કરવો જરૂરી છે. ઉપરથી સામાન્ય દેખાતી કોઈ વસ્તુને અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો એ ઘણી અસાધારણ પુરવાર થઈ શકે છે.  

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

પડકારભર્યા સંજોગોને પહોંચી વળવા માટે ટૂંકા રસ્તા અપનાવતા નહીં. મદદની જરૂર હોય તો માગી લેજો. ઊંચું વળતર મળી રહ્યું હોય તોપણ જોખમી રોકાણો કરતા નહીં. 
જીવનસુધાર માટે સૂચન : તમારા જીવનને સમૃદ્ધ બનાવતી ન હોય એવી જૂની, વણવપરાયેલી બાબતોનો ત્યાગ કરજો. મોટી ઉંમરના જાતકોએ યુવાનોને તક આપવી જરૂરી બની રહેશે. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ વરિષ્ઠ કે માર્ગદર્શક પાસેથી મળતી સલાહને ધ્યાનમાં લેજો અને પોતાના સંજોગો અનુસાર એનો અમલ કરજો. લાંબો સમય ચાલનારી બીમારી હશે અને તમે પૂરતું ધ્યાન નહીં આપો તો એ વકરશે.
જીવનસુધાર માટે સૂચન : તમે ગૂંચવણ કે મૂંઝારો અનુભવતા હો તો સમજી લેજો કે તમારી જૂની વિચારસરણી હવે કામે આવવાની નથી. પોતાની જાતને મર્યાદાઓમાં બાંધી લેતા નહીં.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

બીજા લોકોના અભિપ્રાયોને આંખ બંધ કરીને માની લઈને દોરવાઈ જતા નહીં. નાણાકીય બાબતોમાં, ખાસ કરીને ખર્ચની બાબતે થોડી વધારે શિસ્ત રાખજો.
જીવનસુધાર માટે સૂચન : તમારા જીવનને સમૃદ્ધ બનાવતી ન હોય અને સમૃદ્ધિ વધારનારા લોકો કે અનુભવો તમને મળી રહ્યા ન હોય એવી પરિસ્થિતિનો ત્યાગ કરી દેજો. તમારે જાતે ખુશ રહેવાનું છે એવી ગાંઠ મનમાં વાળી લેજો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ નાની તક પણ જવા દેતા નહીં. બૉસ કે ઉપરી સાથે બનતું ન હોય તેમણે એમના વિશે બોલવા-ચાલવામાં સંભાળવું.
જીવનસુધાર માટે સૂચન : બીજા લોકાની માગણીઓના ભાર તળે દબાઈ ગયા વગર જેટલું શક્ય હોય એટલું તેમને મદદરૂપ થવાની કોશિશ કરવી. જોકે એમાં પોતાના માટે જ્યારે મળે ત્યારે થોડો સમય કાઢી લેવાનું ચૂકવું નહીં.

astrology life and style