11 August, 2024 07:53 AM IST | Mumbai | Aparna Bose
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
કોઈ પણ ચાન્સ લીધા વગર તમામ માહિતી ભેગી કર્યા પછી જ પગલાં ભરજો. કોઈ પણ પરિસ્થિતિને દેખાય છે એવી સાચી માની લેતા નહીં. સર્જનાત્મક કારકિર્દી ધરાવતા જાતકો માટે સમય સારો ચાલી રહ્યો છે. તમારા કોઈ રચનાત્મક શોખને તમે સાઇડ બિઝનેસ તરીકે વિકસાવી શકશો. ભોજન અને ઊંઘ બાબતે નિયમિતતા રાખવાનો પ્રયાસ કરજો.
લિયો જાતકો માતા-પિતા તરીકે કેવા હોય છે?
લિયો જાતકો પરિવારને મહત્ત્વ આપનારા હોય છે. પરિવારજનોના એકબીજા સાથેના વ્યવહારના આદર્શ તેઓ તૈયાર કરતા હોય છે. તેઓ લાગણીઓ સારી રીતે દર્શાવી શકતા હોય છે અને તેમનો મૂડ સારો હોય તો તેમની સાથે રહેનારા લોકોને મજા આવી જતી હોય છે. પોતાનાં સંતાનોને ભૌતિક સુવિધાઓ મળે એવી તેમની ઇચ્છા હોય છે. ક્યારેક તેમને પરવડતું ન હોય તો પણ તેઓ એવી સુવિધાઓ પૂરી પાડતા હોય છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમારા ઘડેલા પ્લાનની સમીક્ષા કરીને આવશ્યક લાગે તો અલગ અભિગમ અપનાવજો. જો તમે સંબંધોની માવજત માટે જોઈએ એટલો સમય આપવા તૈયાર રહેશો તો એના માટે સારો સમય છે.
કારકિર્દી વિશે સલાહ : તમારી સામે આવેલી નવી તકનો બારીકીપૂર્વક અભ્યાસ કરીને એનો સારામાં સારો ઉપયોગ કરજો. ઉપરીઓ અને બૉસ જોડેના વ્યવહારમાં સત્તાવાર શિષ્ટાચાર રાખજો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
લોકો સાથે હળવું-મળવું, પરંતુ એમાં વધુપડતો ખર્ચ થઈ જાય નહીં એની તકેદારી લેવી. ચાદર કરતાં પગ લાંબા કરવા નહીં. પરિવારજનો સાથે બિનજરૂરી વાદમાં ઊતરતા નહીં.
કારકિર્દી વિશે સલાહ : કોણ કયા ઇરાદાથી કામ કરતું હોય છે એની કોઈને ખબર પડતી નથી. આ જ કારણ છે કે જેવું દેખાય છે એવું સાચું માની લેતા નહીં. જેમના અત્યારે અનેક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હોય તેમણે સમયનો સદુપયોગ કરવો જરૂરી બની રહેશે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમારી નાણાકીય બાબતોમાં જટિલતા આવી ગઈ હોય તો રોકાણનો પોર્ટફોલિયો સરળ બનાવવા માટે પ્રયત્ન કરવો જરૂરી બની રહેશે. તમારો જૉબ તાણયુક્ત રહેતો હોય તો પૂરતી અને સારી ઊંઘ આવે એ જરૂરી છે.
કારકિર્દી વિશે સલાહ : તમે પોતાની રીતે કંઈક અલગ કરવા ઇચ્છુક હો તો તમારે એના માટે પોતાનો પાયો મજબૂત બનાવવાનો રહેશે. સમય બગાડે અને ઉત્પાદકતા ઘટાડે એવી બાબતોથી દૂર થઈ જવું.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
કંઈ પણ બોલતી વખતે સાચવવું, કારણ કે બોલેલા શબ્દો પાછા વાળી શકાતા નથી. જેમના માથે કરજ હોય તેમણે ખર્ચ કરતી વખતે હાથ બાંધેલો રાખવો.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં આવશ્યક માહિતી ભેગી કરી લેજો. ઉપરીઓ સાથેના સંવાદમાં સ્પષ્ટતા રાખજો. ઈ-મેઇલ અને બીજા સંદેશાઓનો ત્વરિત ઉત્તર આપજો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
પોતાની સામેના તમામ વિકલ્પોનો વિચાર કરી લેજો અને તમે જાતે કોઈ મર્યાદા બાંધી લીધી હોય તો એને અતિક્રમી જવાનો પ્રયાસ કરજો. જોખમી રોકાણો આકર્ષક લાગતાં હોય તો પણ એનાથી દૂર જ રહેજો.
કારકિર્દી વિશે સલાહ : જો તમને આગળ શું કરવું એની ગડ પડતી ન હોય તો ઘડીક થોભીને પોતાની પ્રાથમિકતાઓ વિશે વિચાર કરી લેજો. તમે કોઈ નવો પ્રોજેક્ટ હાથ ધરશો તો એમાં ઘણી સંભાવનાઓ રહેલી હશે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
બોલતી વખતે, ખાસ કરીને તમે ચિડાયેલા હો એવા સમયે, જેમ-તેમ બોલાઈ ન જાય એ સાચવજો. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે ખાણી-પીણીની બાબતે સાચવવું.
કારકિર્દી વિશે સલાહ : બૉસ અને ઉપરીઓ સાથે વાતચીત કરો ત્યારે કળપૂર્વક કામ લેજો. કોઈ મામલે પ્રોફેશનલ હદ વટાવી દેતા નહીં. કામના સ્થળે બધું સમુંસૂતરું રાખજો અને કાર્યક્ષમતા વધે એવી રીતે બધું ગોઠવજો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
કાનૂની પ્રશ્નોમાં તાકીદે અને નિર્ણાયક રીતે આગળ વધવાની જરૂર છે. તમારા માર્ગમાં આવતી તમામ તકોનો મહત્તમ ઉપયોગ કરજો. એમાંની કેટલીક તકો આશ્ચર્યજનક પરિણામ લાવી શકે છે.
કારકિર્દી વિશે સલાહ : શક્ય હોય ત્યાં સુધી શિસ્તબદ્ધ સમયપત્રક પાળજો અને મનને વિચલિત થવા દેતા નહીં. કારકિર્દી વિશેનો નિર્ણય ખૂબ સમજી-વિચારીને જ લેજો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
મહત્ત્વપૂર્ણ સંબંધોની આવશ્યક માવજત કરજો અને મિત્રો-પરિવારજનો માટે યાદ રાખીને બે સારા શબ્દો બોલજો. ખર્ચ બાબતે સાવધાન રહેજો. ઑનલાઇન શૉપિંગ કરી રહ્યા હો એવા સમયે ખપપૂરતી જ વસ્તુઓ ખરીદજો.
કારકિર્દી વિશે સલાહ : જેઓ કળાત્મક કે રચનાત્મક પ્રોફેશનમાં કાર્યરત હોય તેમણે પોતાના નેટવર્કનો ઉપયોગ કરવા પર વિશેષ લક્ષ આપવું. બઢતી મળે એ માટેનો સમય પાકી ગયો છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
ક્યારે જતું કરવું અને ક્યારે કોઈ પરિસ્થિતિથી દૂર ચાલ્યા જવું એની સમજ માણસની પરિપક્વતા દર્શાવે છે. આથી તમારે કલ્પનાવિહાર કરવાને બદલે અને છટકબારી શોધવાને બદલે વ્યાવહારિકપણે જે કરવું પડે એ બધું કરવું.
કારકિર્દી વિશે સલાહ : ખાસ કરીને કાનૂની કે સંવેદનશીલ બાબતે લેખિત પ્રશ્નનો ઉત્તર આપતી વખતે સાવધાન રહેજો. તમને બૉસ કે ઉપરીને પ્રભાવિત કરવાની ઇચ્છા થાય તો પણ એ છતી કર્યા વગર જ પોતાનું કામ કરજો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
પોતાનાં નાણાકીય લક્ષ્યો નિશ્ચિત કરી લીધા બાદ જ નવાં રોકાણો કરજો. કાર કે બાઇક ચલાવતી વખતે સાવધાની રાખજો, કારણ કે અકસ્માતનું જોખમ છે.
કારકિર્દી વિશે સલાહ : તમારા સહકર્મી ઝડપી લે એ પહેલાં જ તમારે દરેક તક ઝડપી લેવી. પ્રોજેક્ટ નાનો છે કે મોટો એની ચિંતા કરશો નહીં. નાના પ્રોજેક્ટમાં પણ ધાર્યા કરતાં વધુ કંઈક મળવાની શક્યતા રહેલી હોઈ શકે છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
સાવધાનીપૂર્વક વિચાર કરજો અને દલીલ કરવી પડે એમ હોય તો પણ સાચવીને બોલજો. નાણાકીય રીતે આત્મનિર્ભર રહેજો અને લાગણીઓ પર કાબૂ રાખજો.
કારકિર્દી વિશે સલાહ : કોઈ મીટિંગ કે ઇન્ટરવ્યુ માટે પહેલેથી બધી જ માહિતી અને ડેટા તૈયાર રાખજો. જો તમારી ક્યાંય પીછેહઠ થઈ હશે તો તમે એકાગ્રતા રાખીને અને સંવાદમાં સ્પષ્ટતા રાખીને પરિસ્થિતિનો સામનો કરી શકશો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જરૂર પડે ત્યારે મદદ માગવામાં સંકોચ કરતા નહીં. પોતાની ક્ષમતા બહારની જવાબદારીઓ માથે લેતા નહીં. તમારું આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધારે એવી જ જીવનશૈલી અપનાવજો.
કારકિર્દી વિશે સલાહ : કોઈ સહકર્મી, ખાસ કરીને વરિષ્ઠ કર્મચારી જબરો હોય તો તેની સાથેના વ્યવહારમાં કળપૂર્વક કામ લેજો. જો વર્ક ફ્રૉમ હોમ કરતા હો તો કામની બાબતમાં વધુ ચુસ્તપણે સમયપાલન કરવું જરૂરી છે.