09 April, 2023 07:16 AM IST | Mumbai | Aparna Bose
સાપ્તાહિક રાશિફળ
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય
જીવનમાં મોટા વળાંક આવે એવા નિર્ણયો લેતાં પહેલાં તમે કઈ દિશામાં આગળ વધવા માગો છો એ બાબતે પૂરતો વિચાર કરી લો. બની શકે કે તમારે કોઈ જિદ્દી અને જબરી વ્યક્તિ સાથે પનારો પડે તો એવા સમયે તમે તર્ક અને બુદ્ધિથી કામ પાર કરી શકશો. કોઈ તમારી સાથે બહુ સારું વર્તન કરે કે ખરાબ, એનાથી બહુ દુખી કે હૅપી થવાની જરૂર નથી. પ્રેમસંબંધમાં હો તો વાત આગળ ચોક્કસ વધશે.
ઍરીઝ જાતકોની અજાણી બાજુ
ઍરીઝ જાતકોમાં ધીરજ થોડીક ઓછી હોય છે એટલે નારાજગી અને ગુસ્સો નાકના ટેરવે રહે છે. ભલે તેઓ મિજાજી હોય અને અચાનક જ કપરા અને લોકોને ન ગમે એવા નિર્ણયો લેવામાં પણ શેહશરમ ન રાખે, પરંતુ તેઓ દિલથી કોઈનું પણ ખોટું ઇચ્છતા નથી. પોતે સાચા છે એવું સાબિત કરવું તેમને ગમતું હોવાથી ક્યારેક તેઓ જિદ્દી પણ લાગી શકે, પરંતુ તેઓ પ્રામાણિક રહેવાથી કદી ડરતા નથી. પોતાની વાત સાચી કરવા તેઓ કોઈ પણ હદે જઈ શકે છે જે તેમને સ્વાર્થી હોવાનો ટૅગ આપી દે છે, પણ એ તેમની મહત્ત્વાકાંક્ષા છે.
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
ધીરજ રાખશો તો અટકેલાં કામો ફરીથી પાટે ચડશે. નાની-નાની વાતનું વતેસર કરવું નહીં. વગર વિચાર્યે કોઈની સાથે ઝઘડો મંડાઈ ન જાય એ માટે સાવધ રહેવું.
આરોગ્યવિષયક સલાહ : ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે કસરત કરતી વખતે હાઇડ્રેશનનું ધ્યાન રાખવું. સ્કિનની સમસ્યાઓ ન થાય એનું ધ્યાન રાખવું.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
હાલમાં જે ચાલી રહ્યું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. નવા સંબંધો બાંધવા માટે સારો સમય છે. મિત્રો, સ્નેહીઓ અને પરિવારજનો સાથે સમય વિતાવશો તો સંબંધોમાં ઘનિષ્ઠતા અનુભવાશે.
આરોગ્યવિષયક સલાહ : કસરતમાં નિયમિતતા જરૂરી છે. ઍર-પૉલ્યુશનને કારણે ઍલર્જી થવાનો કોઠો હોય તો માસ્ક પહેરીને ડસ્ટ પાર્ટિકલથી બચો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
ક્રોનિક અને લાંબા ગાળાની બીમારીથી પીડિત પરિવારજન હોય તો વિશેષ ધ્યાન રાખવું. સાચો નિર્ણય લેવો જેટલો જરૂરી છે એટલું જ જરૂરી છે સમયસર નિર્ણયો લેવાય એ પણ જરૂરી છે.
આરોગ્યવિષયક સલાહ : સ્વાસ્થ્યનું અનુમાન લગાવવા માટે જરૂરી ફુલ બૉડી ચેક-અપ કરાવી લેવું, કેમ કે ભૂતકાળની કોઈ તકલીફો ફરીથી દેખા દઈ શકે એમ છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
હકીકત સમજવાની કોશિશ કરો. જીવનમાં વિકલ્પો સામે હોય ત્યારે સભાનતાથી એની પસંદગી કરો. કેટલીક બાબતો પરાણે કરવી પડતી હોય તો મંઝિલમાં ફેરફાર કરવા માટે ખુલ્લા રહેવું.
આરોગ્યવિષયક સલાહ : નિષ્ણાતની સલાહ વિના તમારા મેડિકલ રેજિમમાં કોઈ બદલાવ કરવો નહીં. અનુભવી ડૉક્ટરને કન્સલ્ટ કરશો તો ઝડપથી નિવારણ મળી શકશે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
તમારા સંબંધોમાં તનાવ હોય તો કૂણા પડો. અહંકારથી વર્તવાને બદલે નમતું જોખશો તો સંબંધો પણ સચવાશે અને પરિસ્થિતિ પણ. નાણાકીય નિર્ણયોમાં સફળતા મળશે.
આરોગ્યવિષયક સલાહ : વૈકલ્પિક સારવાર-પદ્ધતિમાં વધુ ભરોસો હોય તો એ પણ કારગર છે. જોકે તમે જે પસંદ કરો છો એને લાંબા ગાળા માટે વળગી રહેજો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ નિર્ણય માટે હમણાં શું યોગ્ય છે એ નહીં, લાંબા ગાળે શું યોગ્ય છે એના આધારે નક્કી કરજો. તમારા નિર્ણયમાં વિશ્વાસ રાખો એ વધુ
મહત્ત્વનું છે.
આરોગ્યવિષયક સલાહ : ખાવા-પીવામાં કાળજી રાખવી. જન્ક-ફૂડ અને માફક ન આવતી હોય એવી ચીજો પેટની જૂની તકલીફોને ફરી જગાડી શકે છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
નવા લોકોને મળો તો તેમની વાતોમાં આવી જવાને બદલે તમારી વિવેકબુદ્ધિ વાપરો. નકામા અને દેખાદેખીને કારણે થતા ખર્ચથી બચવું. લાંબા ગાળાના રોકાણ પર ફોકસ કરશો તો શુભ સમય રાહ જુએ છે. આરોગ્યવિષયક સલાહ : હેલ્થની સમસ્યા માટે મોંઘીદાટ સારવાર જરૂરી નથી. વૈકલ્પિક પદ્ધતિઓમાં વિશ્વાસ રાખશો તો વધુ હેલ્ધી રહેશો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
ચંચળતા અને જડતા બન્ને ઠીક નથી. મંજિલ દૂર હોય કે અવરોધો સામે હોય તો વિચલિત થવું નહીં. તમને જે જોઈએ છે એ બાબતે મમત રાખવાને બદલે પ્રવાહ સાથે વહો.
આરોગ્યવિષયક સલાહ : જીવનશૈલીમાં સુધાર લાવવાનો આ યોગ્ય સમય છે. કામકાજનો સમય નિશ્ચિત રાખો. જન્ક-ફૂડ નહીં ખાવાના નિર્ણયને તમે ફૉલો કરી શકશો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
ટાઇમ મૅનેજમેન્ટ તમને સરસ આવડે છે એટલે મલ્ટિપલ જવાબદારીઓ પાર ઉતારી શકશો. પ્રાયોરિટી નક્કી હશે તો સમયનો ખોટો વ્યય નહીં થાય.
આરોગ્યવિષયક સલાહ: નિયમિત કસરત કરવાનું નક્કી કરવું અઘરું નથી, પરંતુ આહારની બાબતમાં ધ્યાન રાખવું વિશેષ જરૂરી છે. બહાર ફરવા જવાનું થાય તો સ્વાસ્થ્યની કાળજી રાખવી.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
ચર્ચા કે દલીલ કરતી વખતે શબ્દોની પસંદગીમાં ધ્યાન રાખવું, નહીંતર સાચી વાત સમજાવી નહીં શકો. નાણાકીય આયોજનમાં લૉન્ગ ટર્મ વળતરને વધુ મહત્ત્વ આપવું.
આરોગ્યવિષયક સલાહ : પરિવારમાં વારસાગત રીતે હાડકાં કે બ્લડ-પ્રેશરને લગતી સમસ્યાઓની હિસ્ટરી હોય તો જીવનશૈલીમાં એ મુજબના ફેરફારો કરવા જરૂરી છે.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
ક્યારેક જીવનમાં બ્રેક લઈને તમારી ક્ષમતાઓની ધાર કાઢવા અને નવું શીખવા માટે પણ સમય આપવો. રિલૅક્સ થાઓ અને સામે રહેલી તકનો પૂરો અભ્યાસ કરીને આગળ વધો.
આરોગ્યવિષયક સલાહ : ગરમીની સીઝનમાં ઠંડાં પીણાં અને બહારનું ખાવાનું પેટ બગાડી શકે છે. ઘરનું જ ખાવાનું રાખવું એ તમારા સ્વાસ્થ્યની મહત્ત્વની ચાવી છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
તમારાં મંતવ્યો રજૂ કરવામાં શરમાવું નહીં, પરંતુ એ માટે અવાજ મોટો કરવો જરાય જરૂરી નથી. નિર્ણયો લેતાં પહેલાં જ તમારી અપેક્ષાઓ બાબતે સ્પષ્ટતા કરી લો. પાછળથી આમ ન થયું હોત તો એવું વિચારવું નહીં પડે.
આરોગ્યવિષયક સલાહ : ફળો અને શાકભાજીનો ખોરાકમાં વધુ ઉમેરો કરશો તો તનની સાથે મન પણ પ્રફુલ્લિત રહેશે. જાતે રસોઈ બનાવો.