અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

15 December, 2024 07:50 AM IST  |  Mumbai | Aparna Bose

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ

તમને ભરપૂર તકો દેખાશે. સામે આવેલી તકોનો મહત્તમ ઉપયોગ કરી લેજો, વધુપડતો વિચાર કરવા લાગતા નહીં. વ્યાવસાયિક અને વ્યક્તિગત વર્તુળનો વિસ્તાર કરવા માટે સારો સમય છે.
જીવનસુધાર માટે સૂચન : આસપાસના વાતાવરણની અસર પ્રત્યક્ષ રીતે તમારા મિજાજ પર પણ પડતી હોય છે. આથી શક્ય હોય ત્યાં સુધી ઘર અને ઑફિસમાં સુઘડતા રાખજો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે

કોઈ પણ પરિસ્થિતિ વધુપડતી જટિલ થાય એ પહેલાં એને સંભાળી લેજો. વરિષ્ઠ નાગરિકોએ ખાવા-પીવાની બાબતે થોડું વધુ સાચવવાની અને તબિયત સંભાળવાની જરૂર છે. કોઈ પણ બાબતમાં અતિરેક કરતા નહીં.
જીવનસુધાર માટે સૂચન : તમે વધુપડતી સલામતી ઇચ્છીને કામ લેશો તો પરિસ્થિતિ જેવી છે એવી જ રહેશે. અંતરાત્માનો અવાજ સાંભળીને તમારી ઇચ્છાઓ અનુસાર વર્તવામાં ગભરાતા નહીં.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

ઉપરીઓ અને સહકર્મીઓ જોડેની વાતચીતમાં સાચવજો. જેમનું સગપણ થઈ ગયું હોય તેઓ લગ્નનું આયોજન કરી શકે છે. 
જીવનસુધાર માટે સૂચન: તમે જેનું પાલન કરી શકો એવું જ સમયપત્રક બનાવજો અને જેના પર કામ કરવાની જરૂર હોય એવા જ પ્રોજેક્ટ્સ પાછળ વધુ સમય ગાળજો. મૂડ પ્રમાણે વર્તવાનું ટાળજો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

પોતાની ક્ષિતિજનો વિસ્તાર કરજો અને ભૂતકાળની ક્ષમતાના આધારે મર્યાદામાં બંધાતા નહીં. જો એકસાથે અનેક પ્રાજેક્ટ્સ ચાલી 
રહ્યા હોય તો શિસ્તબદ્ધ કામકાજ કરજો.
જીવનસુધાર માટે સૂચન: નકામી થઈ ગયેલી જૂની રીતભાતથી કામ કરવાનું ટાળજો. માનસિક તાણ કે ચિંતા વર્તાતી હોય તો શ્વસન પર વધુ લક્ષ આપજો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કોઈ પણ જટિલ પરિસ્થિતિમાંથી શક્ય એટલા વહેલા બહાર નીકળી જવું. જીવનશૈલીમાં ફેરફાર કરવા ઇચ્છુકોએ એમાં શિસ્તબદ્ધ રીતે 
આગળ વધવું.
જીવનસુધાર માટે સૂચન: સંબંધોમાં સુમેળ જળવાય એ માટે ખાસ પ્રયાસ કરજો. કોઈ પણ પરિવર્તન શરૂઆતમાં કોઈને ગમતું નથી. દરેક દિવસ નવો છે એવું વિચારીને જ કામ લેવું.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

કોઈનું પણ અનુકરણ કરવાને બદલે તમને જે માફક આવતું હોય એ જ ખાવું. અંગત જીવન વિશે મિત્રો કે સહકર્મીઓ સાથે વાતો કરતા નહીં. 
જીવનસુધાર માટે સૂચન: દરેક આઇડિયા અમલમાં મુકાયા પછી જ મહત્ત્વનો બનતો હોય છે. પોતાના હૂંફાળા કોચલામાંથી બહાર આવવામાં ડર લાગી શકે છે, પરંતુ આખરે એનો તમને જ લાભ થશે.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જો કોઈ લક્ષ્ય સિદ્ધ કરવું હશે કે પછી સમયમર્યાદાની અંદર કામ પૂરું કરવું હશે તો કડક શિસ્ત રાખવી પડશે. કોઈ વ્યક્તિ તમારી સાથે નિખાલસ રીતે વર્તી રહી નથી એવું લાગે તો અંતરાત્માનો અવાજ સાંભળજો.
જીવનસુધાર માટે સૂચન : વિચારોમાં સ્પષ્ટતા રાખીને જ લક્ષ્યોનું નિર્ધારણ કરજો. તમે એ પૂરાં કરવા માટે ચોક્કસ કઈ રીતે આગળ વધશો એ પહેલેથી નક્કી કરી લેજો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

વ્યવસાયી વર્તુળનો વિસ્તાર કરજો. સાચું બોલવામાં ગભરાતા નહીં. નવાં રોકાણો કેવી રીતે કરવાં એના વિશે સાશંક હો તો એને લગતી વિગતોની ફરી-ફરીને ચકાસણી કરી લેજો.
જીવનસુધાર માટે સૂચન : તમને કંઈક સૂઝ્યું હોય તો એનો અમલ શરૂ કરી દેજો. એમાં આળસ કે શંકા-કુશંકા કરતા નહીં. તમારે ખરેખર શું કરવાની જરૂર છે એ તમે જાણો જ છો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈ પણ સમસ્યાનો જડમૂળથી નાશ કરવો જરૂરી છે. જેમને સાંધાની અને કમરની તકલીફ રહેતી હોય એવા મોટી ઉંમરના જાતકોએ પોતાની તબિયતની થોડી વધુ કાળજી લેવી.
જીવનસુધાર માટે સૂચન: જીવનની બાજી પોતાના હાથમાં રહે એવું ઇચ્છતા હો તો પોતાની મહત્ત્વાકાંક્ષાઓ વિશે સ્પષ્ટતા રાખજો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમે સમજદારીપૂર્વક નાનું જોખમ ઉઠાવી લેશો તો એનું ફળ ચોક્કસ મળશે. મીટિંગમાં જતાં પહેલાં માહિતી વ્યવસ્થિત રીતે ભેગી કરીને ગોઠવી લેજો, કારણ કે એમાં તમને અણધાર્યા પ્રશ્નો પુછાઈ શકે છે. 
જીવનસુધાર માટે સૂચન: નવા વિચારોને આવકાર આપજો. પરિસ્થિતિને નવી નજરે જોવામાં જરાય ડર રાખતા નહીં.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ફક્ત કલ્પનાવિહાર કરવાથી કંઈ નહીં થાય. તમારે સમયસર પગલાં લઈને વિચારોને અમલમાં મૂકવાના રહેશે. કોઈ વડીલ કે માર્ગદર્શક પાસેથી મળનારી સલાહથી તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે.
જીવનસુધાર માટે સૂચન : નવી તકોને આવકારજો અને સ્વપ્નોને પૂરાં કરવા માટે આગળ વધજો. કોઈ પણ પરિવર્તનથી અને ભૂતકાળની હૂંફાળા કોચલા જેવી સ્થિતિમાંથી બહાર આવવામાં ડરતા નહીં.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

જે શક્ય નથી એનો વિચાર કરવાને બદલે જે થઈ શકે એમ છે એના વિકલ્પો શોધો અને એના પર લક્ષ આપજો. ખાણી-પીણીમાં કે વ્યાયામમાં અતિરેક કરતા નહીં.
જીવનસુધાર માટે સૂચન: અત્યારે તમને ભલે નજરે નહીં ચડે, પરંતુ દૈવી શક્તિ કામ કરી રહી છે એવી શ્રદ્ધા રાખજો. દરેક નિર્ણય લેતા પહેલાં અંતરાત્માનો અવાજ સાંભળજો. એ તમને યોગ્ય દિશામાં લઈ જશે.

જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...

તમારા જીવનમાં જેમનું મહત્ત્વ હોય અને તમે જેમના પર વિશ્વાસ મૂકી શકો એવા સંબંધોને સુદૃઢ બનાવવા પર લક્ષ આપજો. પોતાના શોખ પૂરા કરવા અને રિલૅક્સ થવા માટે સમય ફાળવજો. તમારે દરેક વાતમાં પર્ફેક્ટ બનવાની જરૂર નથી. મોટી ઉંમરના જે જાતકોને લાંબો સમય ચાલનારી બીમારી હોય તેમણે સ્પેશ્યલિસ્ટની સલાહ લઈ લેવી અથવા તો હૉસ્પિટલમાં દાખલ થઈને ચેકઅપ કરાવી લેવું. નાણાકીય  બાબતોમાં સાવચેતી રાખજો.

સૅજિટેરિયસ જાતકોની અજાણી બાજુ

સૅજિટેરિયસ જાતકો કોઈ સાહસ માટે અથવા નવા રોમાંચક અનુભવ માટે અતિશય અધીરા અને ઉતાવળા બની શકે છે. એને લીધે તેઓ એકાગ્રતા સાધી શકતા નથી અથવા તો પોતાની શક્તિઓને ખોટી દિશામાં ખર્ચી કાઢે છે. તેઓ પરિસ્થિતિ જેવી છે એવી જોતા હોવાથી અમુક વાતને પોતાના મનથી સાચી માની લે છે. આથી તેઓ પોતાની માન્યતાઓ પ્રત્યે જડતા રાખે અથવા તો કોઈનો ઓપિનિયન સાંભળે જ નહીં એવું શક્ય છે. 

astrology horoscope life and style columnists