બુરી નજર વાલે તેરા મુંહ કાલા

22 September, 2024 07:42 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

આવું કહેતાં પહેલાં એ ખરાબ નજરને દૂર કરવાના રસ્તા કયા છે એ જાણી લેવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

નજર લાગવા વિશે બધાએ બહુ સાંભળ્યું હોય. નાનું બાળક બીમાર પડે કે શુભ પ્રસંગ સમયે અચાનક જ ઘરમાં માંદગી આવે તો તરત નજર લાગી ગયાની વાત થાય. સરસ રીતે દોડતા કામધંધામાં અચાનક બ્રેક લાગે, નુકસાની આવે તો એવા સમયે પણ નજર લાગી ગયાનું કહેવાય છે અને પ્રગતિ વચ્ચે ઘરમાં સમૃદ્ધિ આવે અને એ સમૃદ્ધિ સમયે પણ કોઈ અણબનાવ બને તો તરત કહેવાય કે નજર લાગી. નજર લાગવાની વાત ખોટી નથી. પહેલાંનાં વડીલો જે કહેતાં હતાં એ સાચું જ છે તો પહેલાંનાં એ વડીલોમાંથી અમુક વડીલો એ નજરથી બચવાની સારી રેમેડીઝ પણ જાણતાં હતાં જે આજના સમયમાં ભાગ્યે જ કોઈને ખબર હોય છે. આજે આપણે એ જ ઉપાયોની વાત કરવાની છે જેનાથી લાગેલી નજર ઓસરે છે, પણ એના પહેલાં જાણી લેવું જોઈએ કે નજર લાગવી એટલે શું?

કોઈની ઈર્ષ્યાના ભોગ બનવું એનું નામ નજર લાગવી. ઈર્ષ્યા એવી નકારાત્મક ઊર્જા છે જે જે-તે વ્યક્તિની સાથે જોડાય અને પછી તે વ્યક્તિએ માઠાં પરિણામો જોવાં પડે. ઈર્ષ્યાની એ માઠી અસર દૂર કરવાના સરળ રસ્તાઓ પૈકીનો એક રસ્તો છે શનિ ગ્રહને ખુશ કરવો, પણ આ ઉપાય મોટા ભાગે બાળકોની બાબતમાં કારગત નીવડ્યાનું જોવા મળ્યું છે, જેનું કારણ શનિ ગ્રહનો સ્વભાવ છે.

સૂર્યપુત્ર શનિ જ્યારે નાના હતા ત્યારે તેમનો અસ્વીકાર સૂર્યદેવે કર્યો, જેને લીધે શનિ બાળકો તકલીફમાં હોય એવા સમયે વધારે તીવ્રતાથી કામ કરે છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે.

વાત તબિયતની...

બાળકોને નજર લાગે તો શું કરવું એ બાબતમાં ચર્ચા કરતાં પહેલાં તો એ જાણી લેવું કે શાસ્ત્રોમાં બાળક કોને કહેવામાં આવે છે. મા-બાપ વિનાનાં સંતાનોમાં ૧૪ કે એનાથી ઓછી ઉંમરની વ્યક્તિને બાળક કહેવામાં આવી છે તો જેના ઘરમાં મા-બાપ કે એ પૈકીની કોઈ એક વ્યક્તિ હયાત છે તો તેને તેમની હયાતી સુધી બાળક ગણવામાં આવ્યું છે, ભલે પછી એ પચાસ વર્ષની વ્યક્તિ હોય, પણ તેમનાં મા-બાપ કે કોઈ એકની હયાતી હોવી જોઈએ.

જો બાળકને નજર લાગે અને નજરને કારણે તેની તબિયત પર અસર જોવા મળતી હોય તો શનિવારે હનુમાનજીના મંદિરે તેલ અને અડદ ચડાવવાં જોઈએ અને ચડાવ્યા પછી મંદિરેથી રક્ષા માગવાની, જે રક્ષા હાથમાં લેતાં પહેલાં હનુમાનજીની મૂર્તિના જમણા પગના અંગૂઠાને ટચ કરાવવી અને પછી એ રક્ષા એટલે કે દોરો બાળકના જમણા કાંડામાં બાંધવો. એક વાત યાદ રાખવી, હાથમાં બાંધેલા દોરાના છેડાને કાપવો નહીં. છેડો લાંબો હોય તો ભલે રહ્યો, પણ એને કાપવો નહીં. જો એ ખરાબ રીતે નડતર બનતો હોય તો વધારાના દોરાને મીણબત્તીની જ્યોતની મદદથી કાપવો, પણ લોખંડની કાતર, છરી કે પછી લોખંડની અન્ય કોઈ ચીજનો સ્પર્શ કરાવવો નહીં.

વાત પ્રગતિની...

બહુ સારા માર્ક્સ સાથે કે પછી અન્ય કોઈ રીતે બહુ સારી પ્રગતિ કરતા બાળકના વિકાસની એ યાત્રામાં જો અચાનક જ બ્રેક લાગી જાય તો માનવું કે નજર લાગ્યા પછી સૌથી વધારે અસર બાળકના બુધ પર અને કામધંધો કે જૉબ કરતી વ્યક્તિની કરીઅર પર એ અસર દેખાતી હોય તો માનવું કે નજર લાગવાની સૌથી વધુ અસર મંગળ પર થઈ છે. પહેલાં વાત કરીએ બાળકની.

જો બાળકના ભણતર કે એક્સ્ટ્રા-ઍક્ટિવિટી પર નકારાત્મક અસર દેખાતી હોય તો બુધવારે કાચી ખીચડીનું દાન કરવું અને એ દાન પણ તેવી વ્યક્તિને કરવું જે હાથ ન લંબાવે. આ વાતને સ્પષ્ટ શબ્દોમાં સમજાવીને કહેવી હોય તો કહી શકાય કે ખીચડી તેમને આપવી જે ભીખ માગવાને બદલે મહેનત કરીને ગુજરાન ચલાવે છે. જો ધ્યાનથી જોશો તો તમને તમારી આજુબાજુમાં અનેક લોકો એવા મળી જશે જે મોઢામાંથી બોલીને માગી નથી શકતા. તમારા કામવાળા અને ડ્રાઇવરનો પણ એમાં સમાવેશ થાય છે, પણ પ્રયાસ કરવો કે સીધી ઓળખાણ ન હોય તેવી વ્યક્તિને ખીચડી આપવી. હવે વાત કરીએ આર્થિક કે સામાજિક રીતે પછડાટ અનુભવી ચૂકેલા લોકોની જેમના માટે મંગળ ગ્રહને ખુશ કરવાનું કામ કરવાનું છે.

મંગળવારે લાલ કલરનાં જૂતાંનું દાન કરવાથી મંગળને સાંત્વના મળે છે. આ દાન પણ એવાં જૂતાંનું કરવાનું છે જે નજર લાગી હોય તેવી વ્યક્તિએ પચાસ કલાકથી વધારે પહેર્યાં હોય. કહેવાનો ભાવાર્થ એ કે લાલ કલરનાં જૂતાં પહેલાં નજર લાગી હોય એ વ્યક્તિએ અંદાજે એકાદ વીક પહેરાવવાનાં છે અને એ પછી દાન કરવાનાં છે.

વિષય લાંબો છે એટલે એના પર ચર્ચા ભવિષ્યમાં આગળ વધારીશું, પણ એ પહેલાં એક ચોખવટ કરવાની કે આ જે દાન થાય છે એનાથી સામેવાળી વ્યક્તિને તન, મન, ધન કે પછી આર્થિક, શારીરિક, માનસિક કે સામાજિક કોઈ પ્રકારનું નુકસાન થવાનું નથી એટલે એવું સ્ટેપ લેતાં ગભરાવું નહીં.

astrology life and style columnists