જ્ઞાન સાથે ભક્તિનું જળ ભળે એ જરૂરી

10 May, 2023 05:06 PM IST  |  Mumbai | Morari Bapu

સાધક એક વાર સ્નેહસભર હૃદયમાં ભક્તિનું બીજ વાવશે પછી એના પર ભાવનાની વર્ષા થશે એટલે બીજ આપોઆપ અંકુરિત થશે. એક દિવસ અંકુર મોટું વટવૃક્ષ થશે. વૃક્ષ ભગવાન છે અને એનું ફળ ભક્તિ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

આ બધી વાતો પછી મનમાં સવાલ એ થાય કે આત્માને પરમાત્મા સાથે કેવી રીતે જોડી શકાય? તો જવાબ છે કે એને માટે ઘણા માર્ગ છે, પણ એ બધા માર્ગોમાં બે માર્ગ વધુ પ્રખ્યાત અને સફળ છે.

એક છે ભક્તિ માર્ગ અને બીજો છે જ્ઞાન માર્ગ. મેં આ અગાઉ પણ કહ્યું છે કે એકલું જ્ઞાન શુષ્ક બની જશે એમાં ભક્તિનું જળ ભેળવશો તો મજા પડશે.

ભક્તિના બીજને ગદ્ગદ ભૂમિમાં વાવવાનું છે. ગદ્ગદ ભૂમિ એટલે ભાવપૂર્ણ કમ. સાધક એક વાર સ્નેહસભર હૃદયમાં ભક્તિનું બીજ વાવશે પછી એના પર ભાવનાની વર્ષા થશે એટલે બીજ આપોઆપ અંકુરિત થશે. એક દિવસ અંકુર મોટું વટવૃક્ષ થશે. વૃક્ષ ભગવાન છે અને એનું ફળ ભક્તિ છે.

અંકુર ફૂટે ત્યારે સુખદ આશ્ચર્ય સર્જાય છે, પણ આપણી યાત્રા અંકુરથી વૃક્ષ સુધીની છે. આ પવિત્ર પ્રવાસ જીવથી શિવ કે પછી આત્માથી પરમાત્મા સુધીનો છે અને એમ પણ કહી શકાય કે આ સ્થળાંતર આશ્ચર્યથી વિસ્મય સુધીનું છે. આશ્ચર્યથી વિસ્મયમાં તફાવત છે. જીવ બહારથી જે અનુભવ કરે એ આશ્ચર્ય છે, પણ જીવ જ્યારે અંદર દર્શન કરે અને ખજાનો જોઈને દંગ રહી જાય એ વિસ્મય છે. જીવનું બાહ્ય દર્શન આશ્ચર્ય છે, પરંતુ આંતરિક દર્શન વિસ્મય છે. આશ્ચર્યથી અહંકાર જન્મે છે, જ્યારે વિસ્મયથી નમસ્કાર જન્મે છે. આશ્ચર્ય તોડે છે, વિસ્મય જોડે છે.

અહીં સ્વપદ્‍મ શક્તિ અને વિતર્ક આત્મજ્ઞાનની ભૂમિકા આવે છે. જીવ જ્યારે પોતાની અંદર પોતાના ચરણમાં પલાંઠી વાળે એ સ્વપદ્‍ શક્તિ છે અને વિતર્કનો અર્થ વિશેષ એવો થાય છે. રામાનુજાચાર્યના મત અનુસાર વિતર્ક એટલે એવો વિવેક જે જીવને શિવની સન્મુખ પહોંચાડી આપે છે. આમ વિવેક અહીં આત્મજ્ઞાન બની જાય છે. જીવની યાત્રાને આશ્ચર્યથી વિસ્મય સુધી પહોંચાડવામાં વિતર્ક નામનો વિવેક સંયમ બની જાય છે.

જીવને જ્યારે સ્વાન્તઃ સુખાય એટલે કે સમાધિસુખ પ્રાપ્ત થાય છે ત્યારે એ લોકઆનંદ બને છે. માનવીના મનની ચંચળતા જ્યારે સ્થિર થાય ત્યારે તે ગોપી બને છે અને આ રીતે પ્રાપ્ત થયેલી અંતઃકરણીય મનોદશા જ્યારે કૃષ્‍ણના ચરણમાં વિરમે ત્યારે સમાધિસુખની પ્રાપ્તિ થાય છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

astrology Morari Bapu