Vasant Panchami 2024 : મા સરસ્વતીની મૂર્તિ આ દિશામાં કરશો સ્થાપિત તો થશે સમૃદ્ધિ

08 February, 2024 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Vasant Panchami 2024 : માતા સરસ્વતીની પૂજા કઈ રીતે કરવી? કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? વગેરે જાણવા માટે ખાસ વાંચો આ લેખ...

પ્રતીકાત્મક તસવીર

વસંત પંચમી (Vasant Panchami 2024)નો તહેવાર સનાતન ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે, આ તહેવાર માઘ મહિનામાં પાંચમની તિથિ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમીનો તહેવાર ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ઉજવવામાં આવશે. ત્યારે માતા સરસ્વતીની પૂજા કઈ રીતે કરવી? કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? વગેરે જાણવા માટે ખાસ વાંચો આ લેખ.

વસંત પંચમી (Vasant Panchami 2024) એ તિથિ છે જ્યારે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. એવું કહેવાય છે કે, માતા સરસ્વતી આ દિવસે બાળકોને જ્ઞાનની સંપત્તિથી આશીર્વાદ આપે છે. એવું કહેવાય છે કે બ્રહ્મદેવે સ્વયં જ્ઞાનની દેવી સરસ્વતીને તેમના કમંડળના પાણીમાંથી પ્રકાશ સ્વરૂપે પ્રગટ કર્યા હતા.

એક પૌરાણિક માન્યતા એવી છે કે માતા સરસ્વતીની પૂજા કરવાથી સાધકની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિને જ્ઞાન, બુદ્ધિ, ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અહીં જાણો વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજા સાથે જોડાયેલી ખાસ વાતો.

હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કરવાનો શુભ સમય ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ બુધવારના રોજ સવારે ૭.૦૧થી બપોરે ૧૨.૩૫ સુધી રહેશે. આ દરમિયાન માતા સરસ્વતીની પૂજા કરવામાં આવશે.

શૈક્ષણિક કાર્યમાં સફળતા મેળવવા માટે માતા સરસ્વતીની મૂર્તિને વસંત પંચમીના દિવસે ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ. આમ કરવાથી તમારા દરેક કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ જશે. જો ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં મા સરસ્વતીની મૂર્તિ રાખવા માટે યોગ્ય સ્થાન ન હોય તો ઘરના ઈશાન ખૂણાની સફાઈ કર્યા પછી તમે મા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરી છે ત્યાં પૂજા કરી શકો છો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની તસવીર ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. આ સાથે પ્રેરણા અને આગળ વધવાના માર્ગો ખુલે છે. તેમજ જ્ઞાન અને એકાગ્રતા વધે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂજા દરમિયાન માતા સરસ્વતીની મૂર્તિ કમળના ફૂલ પર બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ. તેને શુભ માનવામાં આવે છે. માતા સરસ્વતીની મૂર્તિને ક્યારેય સ્થાયી મુદ્રામાં સ્થાપિત ન કરવી જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખો કે એક જ ઘરમાં ક્યારેય બે મૂર્તિઓ ન રાખવી જોઈએ.

તમને જણાવી દઈએ કે, જે દિવસે વસંત ઋતુની શરૂઆત થાય છે તે દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ઋતુમાં વાતાવરણ ખુશનુમા હોય છે. ખેતરોમાં સરસવનો પાક, આંબાના ઝાડ પર મોર તેમજ ચારેબાજુ હરિયાળી અને ગુલાબી ઠંડીનું વાતાવરણ હોય છે.

astrology hinduism festivals life and style