26 January, 2023 08:19 PM IST | Mumbai | Morari Bapu
મોરારી બાપુ ફાઇલ તસવીર
આપણી વાત ચાલે છે હાથીના ગુણો અને ભક્તની વિશેષતાઓ વિશે.
આપણે હાથીના છ ગુણોની ચર્ચા કરી. હવે એનાથી આગળ વાત વધારવાની છે. હાથીના નવ ગુણની વાત કરવાની છે જેમાં હવે વાત આવે છે સાતમા ગુણની. આ સાતમો ગુણ એટલે હાથીનાં ચરણ.
હાથીના પગ કેટલા મજબૂત હોય અને ચરણ?
આ જે ચરણ શબ્દ છે એ આચરણ પરથી આવ્યો છે. ચરણ એનાં મજબૂત જેનું આચરણ સંયમશીલ. આચરણમાં સંયમ હોય એ જ ધીરે-ધીરે અને વિચારી-વિચારીને પગલાં ભરે અને એટલે જ તેઓ કોઈ એવી જગ્યાએ જતા નથી જે જગ્યા ગેરવાજબી હોય છે. ભક્તોનું પણ એવું જ હોય. તેમના પગ જ નહીં, ચરણ પણ મજબૂત હોય અને એટલે જ તેઓ એવા કોઈ સ્થાને જાય નહીં જ્યાં તેમની ભક્તિ લાજે. આ હાથીનું સાતમું લક્ષણ છે. હવે વાત આવે છે હાથીના આઠમા લક્ષણની.
આ પણ વાંચો : હાથીના દરેક ગુણ ભક્તને દર્શાવે છે
ભક્તને ઉપયોગી એવું હાથીનું આ લક્ષણ સૌથી અગત્યનું છે. કૂતરા ગમે એટલા ભસે, હાથી પાછળ વળીને જોતો નથી અને આ એનું સૌથી મોટું લક્ષણ છે. પ્રતિકાર. હાથી પ્રતિકારમાં નથી માનતો એવી જ રીતે ભક્ત પણ પ્રતિકારમાં નથી માનતો. જરા જુઓ તમે. હાથી નીકળે ત્યારે કૂતરા ભસે જ ભસે. તેઓ પોતાનો ધર્મ નિભાવે છે અને હાથી, હાથી એનો ધર્મ નિભાવે છે. પ્રતિકાર વિના આગળ ધપી જાય છે. હાથી કૂતરાનો પ્રતિકાર કરે તો તો હાથીનો મહિમા ઘટી જાય. ભક્ત પણ એવો જ હોવો જોઈએ. ભક્તનો મહિમા ઘટે તો ભક્તિનો મહિમા ઘટે અને એ ઘટવા દેવો નથી એટલે તો ભક્ત પણ ક્યારેય પ્રતિકાર કરતો નથી.
હવે આવે છે હાથીનો નવમો ગુણ.
હાથી કોઈ જોઈ શકે એમ ભોગ નથી ભોગવતો. હાથીના ભોગ કોઈએ જોયા નથી. એક સંયમ, એક મર્યાદા, એક નિયંત્રણનું આ બહુ અગત્યનું લક્ષણ છે અને આ લક્ષણ ભક્તિની સાથે પણ સંકળાયેલું છે. જે ખરા મનથી ભક્તિ કરે છે એનામાં હાથીના આ નવ ગુણ આવે છે અને આ ગુણ એના જીવનને વધારે સંયમ સાથે આગળ વધારે છે. એક વાત ક્યારેય ભૂલતા નહીં કે ભગવાનના ભજનમાં કસોટી આવે, વિઘ્ન ક્યારેય ન આવે અને કસોટી તો ઈશ્વર તરફ આગળ લઈ જનારું માધ્યમ છે એટલે એનાથી ક્યારેય ડરવું નહીં.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)