જગતમાં સૌથી સ્ટ્રૉન્ગ યાદશક્તિ પાણીની છે

22 December, 2024 08:32 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

આ સત્ય હકીકત જાણ્યા પછી સૌકોઈએ એ યાદ રાખવું જોઈએ કે પાણી પોતાની મેમરી સાથે શરીરમાં આવતું હોય તો એ પાણીને સારી મેમરી આપવાનું કામ અચૂકપણે કરવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

શરીરમાં મહત્તમ સ્થાન પાણીનું છે એવી જ રીતે જગતમાં પણ પાણી સૌથી વધારે જગ્યા પર વર્ચસ ધરાવે છે. આ પાણીની એક ખાસિયત છે. એની મેમરી બહુ શાર્પ છે. હા, પાણી પાસે પોતાની યાદશક્તિ છે. પાણી તમે પીઓ ત્યારે એ પોતાની પાસે રહેલી યાદશક્તિને લઈને શરીરમાં પ્રવેશે છે. જો પાણી પાસે નિમ્ન સ્તરની યાદશક્તિ હશે તો એ શરીરને ઓછામાં ઓછું નુકસાન કરશે, પણ એવું કરવા માટે પાણીને નિમ્નસ્તર સુધીની યાદશક્તિ સુધી લઈ જવું જરૂરી છે જેના માટે પાણી પીવાની સાચી રીત જાણવી જરૂરી છે.

પાણી પીવાની સાચી રીત બહુ સરળ છે જેનો પાલન કરવો સહેજ પણ અઘરો કે કપરો નથી. પાણી પીવાની સાચી રીતનો આજથી જ અમલ કરવામાં આવે એ સૌકોઈના માટે હિતાવહ છે.

ધ્યાન રાખો

વાસણમાં પાણી ભર્યા પછી તરત જ એ ક્યારેય પીવું નહીં. બહારથી ખરીદેલી વૉટર-બૉટલનું પાણી પણ તરત જ પીવું નહીં. જો તમને યાદ હોય તો પહેલાંના સમયમાં ઘરની મહિલાઓ રાતે પાણી ભરતી અને આખી રાત ભરેલું એ પાણી બીજા દિવસે સવારે પીવાના વપરાશમાં આવતું. જોકે હવે એવું નથી થતું, જે થાય એ બહુ જરૂરી છે. ધારો કે નાના ઘરમાં કે મોટો વસ્તાર ધરાવતા પરિવારમાં એ શક્ય ન હોય તો પાણી પીતાં પહેલાં પાણીનો ગ્લાસ હાથમાં લઈ, પાણી સામે જોઈને ઈસ્ટદેવનો મંત્રજાપ કરવો જોઈએ. જો મંત્રજાપ ન આવડતો હોય તો ઈશ્વરનું નામ પણ લઈ શકાય. પાણીને સંભળાવેલું ભગવાનનું નામ કે મંત્રજાપ પાણીમાં રહેલી નકારાત્મક મેમરીનું મારક બને છે, જેને લીધે એ નેગેટિવ ઊર્જા પાણી પીનારાના શરીરમાં પ્રવેશતી નથી. અનેક જૈનોમાં એ આદત છે કે સવારના પહેલી વાર પાણી પીતાં પહેલાં એ પાણીને નવકાર મંત્ર સંભળાવે છે. આ આદત ખૂબ જ સારી છે.

ભૂલતા નહીં

પાણી ક્યારેય ઊભા-ઊભા પીવું નહીં. પાણી હંમેશાં બેસીને જ પીવું જોઈએ. આયુર્વેદમાં પણ આ વાત કહેવામાં આવી છે તો જ્યોતિષશાસ્ત્રમાં પણ આ વાતનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. ઊભા-ઊભા પીધેલું પાણી રાહુને ઉત્તેજિત કરે છે જે પાપ ગ્રહ છે. રાહુ ખરાબ છે એવું નથી, પણ ઊભા-ઊભા પાણી પીવાથી શાંત રહેલા રાહુના મસ્તક પર કસમયે પાણીનો છંટકાવ થાય છે એટલે એ પણ કામ કરવાને બદલે કામમાં વિઘ્ન ઊભું કરે છે તો તરસનો કારક એવો ચંદ્ર પણ આ રીતે પાણી પીવાથી તૃપ્ત થતો નથી એટલે ચંદ્ર પણ અશાંત થાય છે.

યાદ રાખો

સતત અને એકદમ ઠંડું પાણી પીવાની આદત ધરાવતા લોકોનો મંગળ કાર્યસિદ્ધિ સુધી પહોંચવામાં તકલીફ કરે છે તો એકધારું હૂંફાળું અને નવશેકું પાણી પીનારા લોકોમાં કેતુ ભ્રમિત થઈને સતત કોઈનો આદેશ માનનારી વ્યક્તિ બનાવવાનું કામ કરે છે. બહેતર છે કે પાણી સામાન્ય વાતાવરણ વચ્ચે રહેલું હોય એવું જ પીવું જોઈએ. દિવસમાં એકાદ વાર નવશેકું પાણી પીવું કે ઠંડું પાણી પીવું એટલું નુકસાનકર્તા નથી જેટલું દિવસ દરમ્યાન આ નીતિને ફૉલો કરવું. પાણી પીવા માટે ચાંદીનું વાસણ સર્વશ્રેષ્ઠ છે; પણ જો એ ન હોય તો તાંબાના ગ્લાસમાં કે બૉટલમાં પાણી પી શકાય, જ્યારે અંતિમ ઉપાય તરીકે માટીનું વાસણ ચાલી શકે. કહેવાનો ભાવાર્થ એ કે કુદરતે આપેલી સંપત્તિમાં જ પાણી પીવું જોઈએ. પ્લાસ્ટિક કે એક પણ પ્રકારના આર્ટિફિશ્યલ મટીરિયલમાં પાણી પીવું ન જોઈએ.

પાણી અને પ્રક્રિયા

૧. જો માટીના માટલાનું પાણી પીતા હો તો એ માટલામાં તાંબાનો ગ્લાસ મૂકી રાખવો જોઈએ. પીવાના પાણીના સંગ્રહ માટે સૌથી સારો ઉપાય તાંબાનું વાસણ છે અને બીજા નંબરે માટીનું વાસણ છે. જોવામાં આવ્યું છે કે માટીના માટલાના પાણીનો ઉપયોગ કરનારો વાતને જલદી જતી કરી શકે છે.
૨. રાતના સમયે પાણિયારા પાસે કરવામાં આવેલી ત્રણ દીવાની વાટ પાણીને પવિત્ર કરે છે. પ્લાસ્ટિકની બૉટલમાં ક્યારેય પાણી ભરવું નહીં. જો ફ્રિજમાં પાણી રાખતા હો તો કાચની બૉટલનો ઉપયોગ કરવો જોઈએ. યાદ રહે, કાચ માટીનો જ એક પ્રકાર છે.
૩. નાછૂટકે પ્લાસ્ટિકની બૉટલમાંથી 
પાણી પીવું પડે તો ક્યારેય એ પાણી ડાયરેક્ટ પીવું નહીં. એને બદલે પાણી ગ્લાસમાં કાઢીને પીવાની આદત કેળવવી. વૅક્સ-પેપરનો ગ્લાસ પણ વાપરવો જોઈએ નહીં.

astrology life and style columnists