01 November, 2024 09:01 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા થોડા સમયથી દિવાળી અને નવા વર્ષ વચ્ચે ધોકો આવતો જોવા મળે છે. પહેલાં આવું ઓછું બનતું. આ પાછળનું જો કોઈ કારણ હોય તો તિથિનો ક્ષય કે ઉમેરણ છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારના વધારાના દિવસને ધોકો કહેવામાં આવે છે, પણ શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ પડતર દિવસના સ્વરૂપમાં થયો છે. પડતર દિવસ એક એવો દિવસ છે જેમાં નકારાત્મકતા અને સકારાત્મકતાના સરખા સંયોગ છે. ઉદાહરણ સાથે સમજાવવું હોય તો કહી શકાય કે આ દિવસ પાણી જેવો છે. જેમ પાણીમાં જે ઉમેરો એવો રંગ પાણી પકડી લે એવું જ આ પડતર દિવસનું છે. તમે એને જેવો બનાવવા ધારો એ બની શકે એટલે આજના દિવસનું મૂલ્ય સહેજ પણ ઓછું આંકવું નહીં.
પહેલાંના સમયમાં પડતર દિવસ દરમ્યાન ધર્મધ્યાનની માત્રા બહુ વધારવામાં આવતી. મૂંગાં પશુ-પ્રાણીઓથી લઈને દીનદુખિયાઓને દાનધર્માદો કરવામાં આવતો તો રાજામહારાજા આજના આ દિવસે હોમ-હવન પણ કરતા. જો તમે રામાયણના જાણકાર હશો તો તમને ખબર પડશે કે સીતાજીના પિતાજી જનક મહારાજે આજના આ પડતર દિવસે જ યજ્ઞ કરીને અગ્નિદેવતા પાસે મા જાનકીની માગણી કરી હતી અને તેમના યજ્ઞથી પ્રસન્ન થઈને અગ્નિદેવે ધરતીમાની પરવાનગી સાથે તેમને ત્યાં જાનકીજીનો જન્મ કરાવ્યો હતો.
પડતર દિવસને વધારે શુભ બનાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી નવા વર્ષના આરંભ પહેલાં જ જીવનમાં સકારાત્મકતાનો સમાવેશ થવા માંડે છે. આજના આ દિવસે અગ્નિદેવતાનું ખાસ પૂજન કરવું જોઈએ.
કરો અગ્નિદેવતાનું પૂજન
રસોઈ જેના પર બનાવતા હો એ ચૂલાનું આજે પૂજન કરો. પૂજનવિધિ ન ખબર હોય તો વાંધો નહીં. ઘરમાં જે દીવાબત્તી કરો એ જ દીવાબત્તીની આશકા આજના દિવસે ચૂલાને આપો. આ ઉપરાંત આજના દિવસે રસોઈની શરૂઆત કોઈ મિષ્ટાન્નથી કરો અને એમાંથી અમુક હિસ્સો છે એનું ગરીબોમાં દાન કરો.
જેમ રાહુને ગરીબ લોકો પ્રિય છે, શુક્રને નાની ઉંમરની કન્યા વહાલી છે એવી જ રીતે અગ્નિદેવતાને એ લોકો પસંદ છે જે તડકામાં મહત્તમ રહે છે. જો આજના દિવસે એવા લોકોને મિષ્ટાન્નની ભેટ આપવામાં આવે તો અગ્નિદેવતા પ્રસન્ન થાય છે.
અગ્નિદેવતાની પ્રસન્નતા
પહેલી વાત એ કે તમામ દેવોમાં અગ્નિદેવ એકમાત્ર એવા દેવ છે જેમની કૃપા મહત્તમ લોકો પર રહે છે. આ જ કારણ છે કે દરેકના ઘરમાં અગ્નિનો વાસ છે અને એ અગ્નિ પર અન્ન બને છે, પણ શાસ્ત્રો કહે છે કે એ અગ્નિદેવની જવાબદારી છે તો પ્રશ્ન એ આવે કે અગ્નિદેવતાની પ્રસન્નતાથી શું લાભ થાય?
અગ્નિદેવ પ્રસન્ન થાય ત્યારે વ્યક્તિને ઝળહળતી સફળતા મળે છે. એવી ઝળહળતી સફળતા કે એ વ્યક્તિ વિશે વાત કરવામાં પણ લોકોને સંકોચ થાય. આજે જગતમાં અનેક એવા ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઝ છે જેમના પર અગ્નિદેવતા સદાય પ્રસન્ન રહે છે અને એટલે જ તેમના વિશે એક પણ ઘસાતો શબ્દ લખાતો નથી. અગ્નિદેવતાને પ્રસન્ન કરવા માટે અનેક ઘરોમાં નિયમિત રીતે હવન થતા રહે છે.
કરો આજે અગ્નિહોત્રમ્
અગ્નિહોત્રમ્ હવન પહેલાંના સમયમાં તમામ લોકો કરતા હતા, પણ કાળક્રમે એ હવનવિધિ લુપ્ત થવા માંડી અને પછી અગ્નિહોત્રી બ્રાહ્મણોમાં સીમિત રહી ગઈ. જોકે હવે અગ્નિહોત્રમ્ ફરીથી લોકોમાં પૉપ્યુલર થવા માંડ્યો છે. રોજ સૂર્યાદય અને સૂર્યાસ્ત સમયે કરવામાં આવતા આ અગ્નિહોત્રમ્ વિશે માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. અગ્નિહોત્રમ્ દરમ્યાન ગાયનાં છાણાં, ગાયનું ઘી, અક્ષત અને કપૂરની આવશ્યકતા રહે છે; જ્યારે અગ્નિહોત્રમ્ હવનકુંડ એ બેઝિક જરૂરિયાત છે. અગ્નિહોત્રમ્ બે મિનિટથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરી શકાતો હવન છે. આજના આ પડતર દિવસથી જો રોજ અગ્નિહોત્રમ્ શરૂ કરવામાં આવે તો એનું ચોક્કસપણે ઉત્કૃષ્ટ પરિણામ મળી શકે.
ધારો કે અગ્નિહોત્રમ્ ન થઈ શકતો હોય તો સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે કોઈ ભૂખ્યાને જમાડવાનું કે પછી તેમને અન્ન આપવાનું કામ થઈ શકે તો એ પણ ઉત્તમ છે.