02 May, 2023 05:59 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આપણે વાત કરીએ છીએ યુદ્ધની. એમાં તમને ગઈ કાલે કહ્યું કે એક જ ધર્મના હોવા છતાં ગોરા-ગોરાઓ ઝઘડ્યા અને એ યુદ્ધમાં બીજી પણ અનેક બાબતોએ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી. એ બાબત એટલે શસ્ત્રોમાં આવેલા ફેરફારો.
એ પછી યુદ્ધનાં મેદાનો ભુલાયાં અને વિમાનો, ટૅન્કો અને તોપો આવ્યાં. આ સામગ્રીઓએ યુદ્ધનું સ્વરૂપ જ બદલી નાખ્યું. હવે માત્ર વીરતાની લડાઈ નહીં પણ વિજ્ઞાન અને ટેક્નૉલૉજીની લડાઈ શરૂ થઈ. જેની પાસે આવી ક્ષમતા ન હોય તે રાષ્ટ્ર કે પ્રજા હારવાની જ છે. તમે જુઓ કે બીજા વિશ્વયુદ્ધમાં વિમાનો, રૉકેટો, મિસાઇલો અને અણુબૉમ્બનો કેટલો ઉપયોગ થયો. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ વખતે એવી આશા વ્યક્ત કરાઈ કે હવે ફરી આવું ભીષણ યુદ્ધ વિશ્વને જોવા નહીં મળે. બન્યું પણ એવું. છેલ્લાં પચાસ-સાઠ વર્ષમાં વિશ્વને આવું ભયંકર વિશ્વયુદ્ધ જોવા નથી મળ્યું અને એ પછી પણ નાના પાયા પર તો નાનાં-મોટાં યુદ્ધો થતાં જ રહ્યાં છે.
ફરીથી પ્રાચીનકાળ પર આવીએ તો પ્રાચીનકાળની આમને-સામનેની લડાઈ પછી ગેરીલા યુદ્ધ આવ્યું. છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠાઓએ આ પદ્ધતિથી વિશાળ વિજયો મેળવ્યા અને મોગલ સેનાને હેરાન-પરેશાન કરી મૂકી. આ જે યુદ્ધ હતાં એમાં બળિયાઓનો જંગ હતો. એમાં સામાન્ય લોકોની ઘોર નહોતી ખોદાતી, પણ ટેક્નૉલૉજી અને વિજ્ઞાનને કારણે બન્યું એવું કે સામાન્ય માણસો વધારે અડફેટે ચડ્યા. આવાં યુદ્ધો જ્યારે પણ થયાં ત્યારે એમાં એક પણ મોટો માણસ મરાયાનું સાંભળવા નહીં મળ્યું હોય, ખાસ કરીને યુદ્ધમાં સામેલ નેતાઓ. તમે જુઓ કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું તો એમાં નુકસાન તો સામાન્ય માણસોનું જ થયું અને તેમણે જ ભોગ આપવો પડ્યો.
ટેક્નૉલૉજીના ઉપયોગ સાથે જે પણ યુદ્ધ થયાં એ બધામાં સામાન્ય લોકો જ નંદવાયા છે. આજે પણ જપાનમાં નાગાસાકી અને હિરોશિમાના અણુબૉમ્બ-હુમલાને દુનિયા ભૂલ્યું નથી. એ અણુબૉમ્બને કારણે જે કોઈ મરાયા એમાં સામાન્ય નાગરિકોની સંખ્યા બહુ બહોળી હતી. એમ છતાં તેમના પર હુમલો થયો. પહેલાં એવું નહોતું. ભાગ્યે જ એવું જોવા મળતું કે સામાન્ય લોકોની યુદ્ધમાં કત્લેઆમ થઈ હોય.
આ બધી પદ્ધતિઓ કરતાં પણ યુદ્ધના મેદાનમાં છેલ્લા ત્રણેક દશકાથી ઉમેરાયેલી નવી યુદ્ધપદ્ધતિ વધારે ખૂંખાર છે એવું કહી શકાય અને એ છે આતંકવાદ. આતંકવાદમાં સેના મોટી નથી હોતી, પણ એનો હુમલો મોટો હોય છે. આતંકવાદમાં વિચારોનું યુદ્ધ છે અને એ યુદ્ધમાં હુમલો કરનારો ઘા કરીને ભાગી જાય છે. આતંકવાદ નામના યુદ્ધ વિશે વાત કરીશું હવે આવતા સોમવારે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)