03 September, 2021 03:51 PM IST | Mumbai | Aacharya Devvrat Jani
ક્યારેય ન હણાય એવા રાક્ષસને ભસ્મ કર્યો એટલે ભસ્મ આરતીની પ્રથા શરૂ થઈ
સામાન્ય રીતે આરતી લેવાનો લાભ સૌકોઈને મળતો હોય છે પણ આ વાત ભસ્મ આરતીને લાગુ નથી પડતી. ઉજ્જૈનના મહાકાલ મંદિરની ભસ્મ આરતી દરમ્યાન મહિલાઓએ તો અમુક આરતી સમયે દૃષ્ટિ પણ ઢાંકવી પડે છે તો પુરુષો પણ આ આરતીમાં માત્ર હિસ્સો લઈ શકે છે, આરતી કરવાનો હક તેમને પણ આપવામાં નથી આવ્યો. આ આરતી માત્ર મંદિરના પૂજારીઓ દ્વારા જ થઈ શકે છે અને તે જ એ આરતી કરી શકે છે. ભસ્મ આરતી દરમ્યાન પુરુષો ઉપરનું પહેરણ પહેરી નથી શકતા. ગઈ કાલે કહ્યું એમ, તેમણે માત્ર ધોતી પહેરવાની હોય છે.
મહાકાલેશ્વરની ભસ્મ આરતીનું મહત્ત્વ વર્ણવતી વાત પણ શાસ્ત્રોમાં નોંધાયેલી છે અને લોકવાયકામાં પણ એ જ વાતને આધારભૂત માનવામાં આવે છે.
ઉજ્જૈન નગરીનું જ્યારે સર્જન પણ નહોતું થયું એવા સમયે એ વિસ્તારનું નામ અવંતિકા હતું. અવંતિકાવાસીઓનું જીવન બહુ સરળ પસાર થતું હતું. સુખી પ્રજા હતી પણ એ સુખી પ્રજાને એક દિવસ હેરાન કરવાનું કામ દૂષણ નામના રાક્ષસે શરૂ કર્યું. અવંતિકાના મહારાજાએ પણ દૂષણનો વધ કરવાનો પ્રયાસ કર્યો પણ તેમને નિષ્ફળતા મળી અને એ નિષ્ફળતા સાથે દૂષણની તાકાત પણ વધી ગઈ. દૂષણે અવંતિકામાં આતંક મચાવી દીધો. જાગે એટલે એ આતંક મચાવવા નગરમાં આવે અને નગર આખું ખેદાનમેદાન કરીને નીકળી જંગલમાં જઈને સૂઈ જાય.
અવંતિકાવાસીઓએ અન્ય જગ્યાએ નગરી બનાવવાની તૈયારીઓ શરૂ કરી તો દૂષણે આખા અવંતિકા નગરની ફરતે પાંજરું બનાવીને બધાને કેદ કરી લીધા. હવે નગરવાસીઓ પાસે ઈશ્વર સિવાય બીજો કોઈ આરો રહ્યો નહોતો. નગરવાસીઓએ મહાદેવને બહુ વીનવ્યા, અનેક પૂજા કરી, અર્ચના કરી, અભિષેકો કર્યા અને અંતે મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવ આવ્યા એટલે નગરવાસીઓએ દૂષણના નાશની માગણી કરી અને મહાદેવે નગરવાસીઓની પ્રાર્થના સાંભળીને ક્યારેય નહીં હણાનારા દૂષણ રાક્ષસને જીવતો સળગાવીને ભસ્મ કરી નાખ્યો. જોકે એ દૂષણની એ ભસ્મમાં પણ જીવ હોવાથી એ ગમે ત્યારે ફરી જાગે એવી સંભાવના હોવાથી મહાદેવે એ ભસ્મ પોતાના શરીર પર શૃંગારરૂપે લઈ લીધી અને નગરવાસીઓની રજા માગી પણ અવંતિકાવાસીઓએ ખૂબ વિનવણી કરી એટલે શિવજી મહાકાલના સ્વરૂપમાં ત્યાં રહી ગયા. જોકે તેમણે કહ્યું હતું કે જે સમયે નગરમાં પાપાચાર નહીં રહે અને કોઈ પાપીની ભસ્મ શરીર પર નહીં લેવી પડે એ સમયે તે અહીંથી વિદાય લેશે.
મહાકાલ વિદાય ન લે એવા હેતુથી તેમને દરરોજ સવારે ભસ્મ આરતી દરમ્યાન ભસ્મ ચડાવવામાં આવે છે. એક સમયે એવું પણ કહેવાતું કે મહાકાલને સવારની પહેલા અગ્નિદાહની ભસ્મથી શૃંગાર કરવામાં આવે છે. જોકે એનો રદિયો પણ આવી ગયો છે. એવા કોઈ પુરાવાઓ પણ મળતા નથી. સદીઓ પહેલાં આ હકીકત હતી એવું શાસ્ત્રો કહે છે તો એવું પણ કહેવાતું રહ્યું છે કે મહાકાલની ભસ્મ આરતી માટે લોકો મંદિરમાં પોતાનું નામ લખાવતા કે જેથી તેમના મૃત્યુ પછી તેમના શરીરની ભસ્મનો મહાદેવને શણગાર કરવામાં આવે અને મરનારાને મહાદેવ-વાસી થવાની તક મળે.
મહાદેવનાં વસ્ત્રો ભસ્મ છે એટલે જ શિવગણ પણ ભસ્મ જ અંગિકાર કરે છે. પહેલાંના સમયમાં સ્મશાનભૂમિની ભસ્મનો ઉપયોગ થતો હતો પણ હવે મહદ્ અંશે યજ્ઞકુંડની ભસ્મનો જ ઉપયોગ કરવામાં આવે છે. ભસ્મના પણ અનેક પ્રકાર છે અને ભસ્મના પ્રકારોની સાથોસાથ ભસ્મ થઈ ગયેલી સામગ્રીમાંથી મહાકાલ માટે ભસ્મ તૈયાર કરવાની પણ એક પ્રક્રિયા છે. શિવગણ પણ હવેના સમયમાં ભસ્મ એ જ પ્રક્રિયા મુજબ તૈયાર કરે છે. ભસ્મના પ્રકાર અને મહાકાલ માટે તૈયાર કરવામાં આવતી ભસ્મ કઈ પ્રક્રિયાથી તૈયાર થાય છે એની વાતો આપણે કરીશું આવતી કાલે.
લેખક આધ્યાત્મિક અને શાસ્ત્રોક્ત વિધિકાર છે. શાસ્ત્રોક્ત લેખન તેમ જ સેમિનાર થકી શિક્ષણમાં પણ નિપુણતા ધરાવે છે. શિવનાં જગદવ્યાપી સ્વરૂપનાં દર્શન કરાવતા શિવપુરાણની વાતો શ્રાવણના પવિત્ર મહિનામાં રોજેરોજ અહીં વાંચવા મળશે.