પશ્ચિમના લોકોએ અવતારને દીપાવવાનું કામ કર્યું એટલે પ્રજા અને દેશ દીપી ઊઠ્યાં

07 May, 2024 07:08 AM IST  |  Mumbai | Swami Satchidananda

દુનિયામાં બીજે ક્યાંય નહીં પણ આપણે ત્યાં જ ભગવાન જન્મે છે. 

સ્વામી સચ્ચિદાનંદની તસવીર

તમને આપણા ધર્મપુરુષોની એક વાત અજુગતી લાગશે. અવતારો માત્ર આપણે ત્યાં જ જન્મે છે. જુઓ તમે, સદીઓથી આપણે ત્યાં અવતારો ઉપર અવતારો થતા આવ્યા છે. દુનિયામાં બીજે ક્યાંય નહીં પણ આપણે ત્યાં જ ભગવાન જન્મે છે. 

ઇંગ્લૅન્ડ, જર્મની, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા કે જપાન જેવા દેશોમાં આજ સુધી એક પણ અવતાર થયો નથી. અરે અવતાર છોડો, પૂર્ણજ્ઞાની કે સર્વજ્ઞ પણ થયો નથી અને એમ છતાં પણ એ દેશો સમૃદ્ધ, સુખી, પ્રામાણિક, શૂરવીર, બાહોશ બનીને આખા વિશ્વને મુઠ્ઠીમાં રાખી રહ્યા છે. એક પણ અવતાર વિના ઇંગ્લૅન્ડે લગભગ આખી દુનિયા પર રાજ કર્યું, સારી રીતે ન્યાયનીતિથી રાજ કર્યું. બીજી તરફ આપણે ત્યાં મુસ્લિમોનાં ધાડાં આવવા લાગ્યાં ત્યારે પણ અવતારો હતા અને અંગ્રેજોએ રાજ કર્યું ત્યારે પણ કેટલાક અવતારો હતા. ભૂમિમાં આવા પૂર્ણ અવતારીઓ વારંવાર પ્રગટતા હોય છતાં પ્રજા કંગાલ, ચીંથરેહાલ, ભયભીત, દુખી, ગુંડાઓથી ત્રસ્ત, ઝૂંપડપટ્ટીઓમાં નારકીય જીવન જીવનારી, અંધશ્રદ્ધાળુ, અજ્ઞાની અને અપ્રમાણિક હોય તો પ્રશ્ન થાય કે આ અવતારોના આટલા મોટા ધસારા પછી પણ દેશ અને પ્રજા તો ઠેરનાં ઠેર જ રહ્યાંને! અને પેલા પશ્ચિમવાળા એક પણ અવતાર વિના સર્વોપરી થઈને બેઠા છે. 

આપણે સ્વીકારવું પડશે કે આપણે જ્ઞાનના નહીં, ભ્રાન્તિના ઉપાસક છીએ. એવો કોઈ ઈશ્વર નવરો નથી જે અવતાર લે. ઈશ્વર તો ઇચ્છે છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાના અવતારને દીપાવે. પશ્ચિમના લોકોએ પોતાના અવતારને દીપાવવાનું કામ કર્યું એટલે પ્રજા તથા દેશ દીપી ઊઠ્યાં. આપણે પ્રજા તથા દેશના ઉદ્ધાર માટે આકાશ તરફ જોયા કર્યું. આકાશમાંથી તો કોઈ ન આવ્યું, પણ ધરતીમાંથી ઘણા માણસોએ આકાશમાંથી આવ્યાનો દાવો કર્યો. પ્રજાની મૂર્ખતાનો લાભ ઉઠાવવાની કળા જેની પાસે હતી તે અવતાર તરીકે સફળ પણ રહ્યા. આપણી પાસે વિદ્વાનોની લાંબી પરંપરા તો છે, પણ લગભગ પ્રત્યેક વિદ્વાન પોતાના પૂર્વજ વિદ્વાન સાથે જડાઈ ગયેલો છે, એટલે તેનું ચિંતન પૂર્વની મિથ્યા વાતોને પણ સાચી ઠરાવવાની દલીલોમાં ખર્ચાય છે, નવું શોધવામાં નહીં. વિદ્યા આ રીતે મરી જતી હોય છે અને જ્યારે વિદ્યા મરે છે ત્યારે માત્ર ભ્રમણા રહે છે અને ભ્રમણા અન્યને પણ વિચલિત કરવાનું કામ કરે છે. અવતારની રાહ જોવાને બદલે જે ઈશ્વરે (માનવ) અવતાર આપ્યો છે એ અવતારને દીપાવવાની દિશામાં કામ કરીશું તો ઉપરવાળાએ ધક્કો નહીં ખાવો પડે અને ધારો એ ધક્કો ખાશે તો પણ આ જે પ્રજા છે એ પ્રજામાં કંઈ ખાસ ફરક પડવાનો નથી એટલે એને બોલાવવાને બદલે આપણે આપણા અવતારને જ દીપાવવાનું કામ કરીએ.

astrology columnists life and style swami sachchidananda