19 April, 2024 07:35 AM IST | Mumbai | Swami Satchidananda
સ્વામી સચ્ચિદાનંદની તસવીર
જગતના તમામ શબ્દોમાં જો કોઈ એક શબ્દ સૌથી પ્રિય હોય તો એ છે અહિંસા અને જો કોઈ એક બાબત માટે પ્રજાથી નારાજગી હોય તો એ આ અહિંસા શબ્દના ખોટા અર્થકરણ માટે છે. અહિંસાના નામે આપણે બધી રીતે માત ખાતા રહ્યા. તમે જરા વિચાર તો કરો કે એક સમયે આપણી પાસે શસ્ત્રો જ નહોતાં અને આપણે શસ્ત્રોની બરોબરી વિચારી સુધ્ધાં નહોતા શકતા. કારણ? તો કહે, અહિંસાનું ખોટું અર્થકરણ. અહિંસાવાદી બનવા જતાં મુસ્લિમ ચડાઈકારોથી લઈને અંગ્રેજો સુધીના સૌકોઈએ ફાયદો લીધો. તમારી પાસે હથિયાર હતાં નહીં અને હુમલો થયો એટલે તમે તીરકામઠાં સાથે ઊભા રહ્યા તો સામે અંગ્રેજો આધુનિક રિવૉલ્વરથી ફાયરિંગ કરતા.
બાબર અનેક તોપ લઈને આવ્યો ત્યારે આપણી પાસે તોપ નહોતી એટલે થોડી જ સેના દ્વારા તે મોટી સેના પર વિજયી થઈ ગયો. વાસ્કો ડ ગામાથી અંગ્રેજો સુધી બધા જ જેવી તોપોવાળી મનવારો લઈને આવ્યા ત્યારે આપણી પાસે એવી મનવારો નહોતી એટલે પેલા સમુદ્રના રાજા થઈ ગયા.પાકિસ્તાન સાથેનાં યુદ્ધોમાં પણ તેની પાસે ચડિયાતાં શસ્ત્રો હતાં અને આપણે અહિંસાની માનસિકતા રાખીને શસ્ત્રો પાછળ ખર્ચ કરવા રાજી નહોતા. પરિણામ શું આવ્યું, ઊતરતાં શસ્ત્રો સાથે યુદ્ધ કરનાર સૈનિકોએ બલિદાન આપવાં પડ્યાં. આજે હવે પાકિસ્તાનથી ચડિયાતાં કહેવાય એવાં વિમાનો છે, પણ અગાઉ તો આપણે એ બધી બાબતોમાં સાવ ઊતરતા હતા.
જો તમે ઇચ્છતા હો કે તમારે સુખ-શાંતિ અને સંવેદનામય જીવન જીવવું છે તો હું કહીશ કે શસ્ત્રનો વિરોધ કરશો તો એ જીવન નહીં જ મળે. શસ્ત્રના સ્વીકાર સાથે જ જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. અહિંસાનો સંદેશ આપણે ઘર-ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું, પણ એ સંદેશને સાચી રીતે કોઈએ પહોંચાડ્યો નહીં. અહિંસાનો નિયમ તો જ પાળ્યો વાજબી કહેવાય જ્યારે તમારી હિંસાથી સામેવાળો નેસ્તનાબૂદ થઈ જવાનો હોય અને એ વાતની તેને બહુ સારી રીતે ખબર હોય. અહિંસાની નીતિ રાખવાની હોય, પણ એ નીતિને જળોની જેમ વળગી રહેવું અને પછી કોઈના પાપાચારનો શિકાર થવું એ ગેરવાજબી છે. હિંસા કરવાની ક્ષમતા કેળવ્યા પછી જો અહિંસાનો માર્ગ અપનાવવામાં આવ્યો હોય તો એમાં શૌર્ય ઝળકે છે. મહાવીર બન્યા પછી અહિંસાની વાતો કરીએ તો અહિંસાનું મૂલ્ય વધે છે, પણ એ વધારતાં પહેલાં વીરમાંથી પણ મહાવીર બનવું પડે છે અન્યથા માઈકાંગલાપણા સાથે અહિંસાની વાતો કરનારો હાસ્યાસ્પદ લાગતો હોય છે અને પ્રજાએ અહિંસાનું ખોટું અર્થઘટન કરીને જાતને હાસ્યાસ્પદ બનાવવાનું કામ કર્યું છે.