01 April, 2024 09:20 AM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર
ઘણા લોકો એવું કહ્યા કરતા હોય છે કે આજના આ સમય કરતાં પહેલાંનો સમય સારો હતો, પણ એ અસત્ય છે. આજનો સમય પહેલાંના સમય કરતાં અનેકગણો સારો છે. હા, અમુક ક્ષેત્રમાં ત્રુટિઓ ઊભી થઈ છે જેને કારણે એ વાત સત્ય લાગે, પણ મોટા ભાગનાં ક્ષેત્રોમાં વિકાસ દેખાયો છે અને એ વિકાસને નજર સમક્ષ રાખીને કહેવાનું હોય તો કહેવું પડે કે પહેલાં કરતાં આજનો સમય વધારે સારો છે. એટલે અગાઉનો સમય સારો હતો એ વિચાર મનમાંથી કાઢવો જ રહ્યો.
કોઈ પણ પ્રજા માટે વિકાસને અવરોધનારો સૌથી મોટો રોગ હોય તો એ વૈચારિક સ્થગિતતા છે. પ્રત્યેક પ્રજા પોતાના ચિંતકો પેદા કરતી હોય છે. આ ચિંતકો પ્રજાના સમષ્ટિ મસ્તિષ્કનું નિર્માણ કરતા હોય છે. અર્થાત્ પ્રજાએ કેવું વિચારવું, કેટલું વિચારવું, કઈ દિશાનું વિચારવું જેવી બાબતો આ ચિંતકોના ચિંતનપ્રભાવથી સ્થિર અને નિશ્ચિત થતી હોય છે. આ જ કારણ છે જેને લીધે આપણે પ્રત્યેક પ્રજાની અલગ-અલગ વૈચારિક ખાસિયતો જોઈ શકીએ છીએ. આવા સમયે પહેલો વિચાર આવે કે ચિંતકો કેટલા પ્રકારના હોય છે?
બે, ચિંતકો બે પ્રકારના થતા હોય છે.
એક, પાછળના ચિંતકોથી સજ્જડ બંધાઈને તેમના નિશ્ચિત કરેલા વિચારોને દૃઢ કરનારા અને બીજા ચિંતકો હોય છે પ્રાચીનકાળના વિચારકોની ત્રુટિઓ, ક્ષતિઓ, અપૂર્ણતાઓ વગેરેને સ્પષ્ટ કરીને વર્તમાન અને આવનારા વિશ્વ માટે નવું ચિંતન આપનારા ચિંતકો.
ભારતમાં બહુ પ્રાચીનકાળથી ચિંતકો થતા આવ્યા છે. મુખ્યત: આ ચિંતકો બ્રાહ્મણવર્ણમાંથી થયા છે. ઇતર વર્ણમાંથી નહીં કહેવાય એવા જ ચિંતકો થયા છે અને જે થયા છે તેમના ચિંતનને જલદી સ્વીકૃતિ નથી મળી એ પણ વરવી વાસ્તવિકતા છે. ઘણા લાંબા સમય પછી તેમની કેટલીક વાતો સ્વાનુકૂળ બનાવીને સ્વીકારાઈ છે. ઇતર વર્ણમાંથી ચિંતકો ન થઈ શકવામાં તેમની પોતાની અક્ષમતા કારણભૂત નથી પણ સમાજની ધર્મવ્યવસ્થા જવાબદાર છે. વર્ણવ્યવસ્થાએ ધર્મની વ્યાખ્યા કરવાનું તથા શિક્ષણનું ક્ષેત્ર એક જ વર્ણને આધીન કરી દીધું હોવાથી ઇતર વર્ણના લોકોમાં શૈક્ષણિક પ્રતિભા ખાસ ખીલી શકી નહીં. આ કારણે પૂરા સંસ્કૃત વાઙ્મયમાં બ્રાહ્મણેતર વર્ણો ખાસ ફાળો આપી શક્યા નથી. પ્રાચીનકાળમાં ચિંતકો મુખ્યત: બ્રાહ્મણ વર્ણમાં થવાનું એક બીજું પણ કારણ છે. ચિંતન માટેની નિશ્ચિત ભાષા તથા એના દ્વારા જ રજૂઆત કરવાની પદ્ધતિ. જે લોકભાષા નહોતી પણ દેવભાષા અર્થાત્ થોડા જ માણસો માટેની ખાસ ભાષા કહેવાય એવી સંસ્કૃત ભાષા હતી અને એ ભાષા ચિંતનની વાહક બની. આજે તો દરેક બોલીમાં ચિંતન થઈ શકે છે, પણ પહેલાં એવું નહોતું.