14 May, 2024 07:35 AM IST | Mumbai | Swami Satchidananda
સ્વામી સચ્ચિદાનંદની તસવીર
આકર્ષણ હંમેશાં ચાર પ્રકારનાં હોય છે : રૂપાકર્ષણ, ગુણાકર્ષણ, વાસનાકર્ષણ અને ધનાકર્ષણ. આ ચાર આકર્ષણ પૈકીનું જે ગુણાકર્ષણ છે એ સૌથી સારું.
ગુણવાન માણસો ગુણાનુરાગી હોય છે. તેમનું આકર્ષણ હંમેશાં ગુણો પ્રત્યે રહે છે. રૂપ ઓછું હોય કે ન પણ હોય પણ ગુણો વધારે હોય એ દિશામાં તેઓ હંમેશાં આકર્ષાય છે. કેટલીક વાર રૂપ અને ગુણ બન્ને એકસાથે રહેતાં હોય છે, પણ કેટલીક વાર એવું નથી બનતું. રૂપ ન હોય પણ ગુણ ભારોભાર ભર્યા હોય. એક વાત યાદ રાખવી કે રૂપાકર્ષણ સમય સાથે ઓછું થાય, વાસનાકર્ષણનું પણ એવું જ હોય અને ધનાકર્ષણ પણ ધન ઓસરતાં ઓછું થાય છે પણ ગુણાકર્ષણ અકબંધ રહે છે કારણ કે ગુણ વ્યક્તિમાં પોતાનામાં હોય છે. ગુણો આજીવન હોય એટલે ગુણાકર્ષણ અલ્પજીવી નથી હોતું. રૂપની માફક ગુણો અલ્પજીવી નથી બનતા. એ મહદંશે જીવનભર ટકતા હોય છે એટલે ગુણાકર્ષણના આધારે જન્મેલા સંબંધો પણ જીવનભર ટકવાને સક્ષમ હોય છે. કદાચ કોઈ કારણસર સંબંધ તૂટે તો પણ બન્નેની ઉચ્ચ ગુણસ્થિતિને કારણે નિમ્ન કક્ષાનો વિચ્છેદ નથી થતો હોતો.
ભૂલવું નહીં ક્યારેય કે ગુણ જ જીવન છે. ગુણોથી જ સુખશાંતિ મળતાં હોય છે, ગુણોથી જ માણસ પ્રિય થતો હોય છે. ધર્મનું લક્ષણ જાણવા જેવું છે. જે ક્રિયાથી તમારા સદ્ગુણો વધુ ને વધુ પ્રગટ થાય તથા ખીલી ઊઠે એનું નામ ધર્મ છે. બે ગુણવાન વ્યક્તિનું મિલન સ્વર્ગ કરતાં પણ ઉત્તમ સુખ આપનારું બની શકે છે એટલે ગુણાકર્ષણને સર્વોચ્ચ મહત્ત્વ આપવું જોઈએ. રૂપનો અનુભવ તત્કાળ થતો હોય છે. જેવા તમે કોઈને જુઓ કે તરત જ રૂપ દેખાઈ આવે, પણ ગુણોનો અનુભવ થતાં ઘણી વાર લાંબો સમય લાગતો હોય છે. દર્શનમાત્રથી ગુણો દેખાતા નથી; પણ સંપર્કમાં આવો, જેમ-જેમ સંપર્ક વધારો અને પછી જે પ્રસંગો-ઘટનાઓ ઘટે એના આધારે વ્યક્તિના ગુણ-દોષ પ્રગટ થતા હોય છે.
કોઈ માણસને ક્યારેય સોએ સો ટકા ઓળખી શકાતો નથી, પણ નિકટતા અને તેની સાથેના અનુભવોના આધારે તેનાં જુદાં-જુદાં પાસાં દેખાવા લાગતાં હોય છે. આ જે અનુભવો માટેનો સમય છે એ પ્રેમસંબંધને મજબૂત કરવાનો કે પછી એ સંબંધોને તોડવાનો સમય છે. પ્રેમસંબંધમાં વ્યક્તિએ ગુણોને પણ સ્થાન આપ્યું હોય તો તેણે મોટા ભાગે પસ્તાવાનું રહેતું નથી. સંબંધોના વિચ્છેદ પછી પણ એ સંબંધો માટેનું માન-સન્માન જળવાઈ રહે છે કારણ કે ગુણો તકલાદી નથી હોતા. એ તો પર્યાપ્ત આવરદા ધરાવે છે અને જેની આવરદા પર્યાપ્ત હોય એ લાંબો સમય સાથે રહે છે.