શિસ્તબદ્ધતા તો નિરીક્ષણથી પણ આવે, જો લાવવી હોય તો

12 December, 2023 01:53 PM IST  |  Mumbai | Swami Satchidananda

શિષ્ટાચાર, જેનો અભાવ નાનપણથી જ હોય છે અને એટલે જ એ અભાવ વચ્ચે તે આ સંસ્કાર પોતાનાં સંતાનોને પણ આપી શકતાં નથી.

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ શિષ્ટાચાર અને પ્રજાની. ગઈ કાલે કહ્યું એમ, જમવાનું હજી તો પીરસવાનું શરૂ થયું હોય ત્યાં મોઢું ચલાવવાનું શરૂ કરી દેવાની કુટેવ ધરાવતા લોકો તમને પારાવાર જોવા મળશે. આને મૅનર્સ કહેવાય. શિષ્ટાચાર, જેનો અભાવ નાનપણથી જ હોય છે અને એટલે જ એ અભાવ વચ્ચે તે આ સંસ્કાર પોતાનાં સંતાનોને પણ આપી શકતાં નથી. હશે, આપણે વાત આગળ વધારીએ.

ચાલો હવે પીરસાઈ ગયું. જમવાનું શરૂ પણ થઈ ગયું. પીરસનારા બીજી-ત્રીજી વાર પીરસવા આવે છે. પેલા ભાઈને જોયા? તેઓ પોતાની થાળીમાં પડેલી વધારાની વાનગીઓ પીરસનારની થાળીમાં પાછી મૂકી રહ્યા છે. પોતાનો એઠવાડ ચોખ્ખા થાળમાં મૂકવાનો અર્થ એને પણ એઠો કરવો એવો થાય. હવે આ રીતે બીજા પણ બે-ચાર જણ કરશે એટલે ચોખ્ખી રસોઈ પણ એઠી થઈ ગઈ. આવી રસોઈ કોઈ પણ ભદ્ર માણસ જમવા તૈયાર ન થાય. તે તો બિચારો ભૂખ્યો જ ઊઠવાનો. એઠવાડ સંબંધી આવી અનેક કુટેવો આપણા જમણવારમાં જોવા મળે જ છે. 

ખરેખર શું હોવું જોઈએ? જેટલી જરૂર હોય એટલું જ પીરસાવો, બને ત્યાં સુધી એઠું ન મૂકો. જો કોઈક કારણસર એઠું મૂકવું જ પડે તો એ થાળીમાં જ રહેવા દો. બધી રસોઈમાં ન ભેળવો. કોઈનું એઠું ખાશો નહીં. પોતાના ગુરુ હોય તો તેનું પણ નહીં. એઠવાડ ખવડાવનારને ગુરુ બનાવીને તમે શું મેળવવાના હતા? આ તો કુટેવ વધારે છે.    

હવે અહીં જુઓ. આ ઘરનું પાણી કેમ પિવાય? એઠો જ પ્યાલો વાસણ-માટલીમાં નાખે છે. આખી માટલી અનેક લોકોથી એઠી થયા કરે છે. આ જ કારણે આપણે ત્યાં ‘ચોખ્ખું પાણી’ લાવજો એમ કહેવાનો રિવાજ પડ્યો હશે. થોડાક માણસો ચોખ્ખું પાણી પીએ. બાકીના કેવું પીએ? પીએ જ છેને! બધા જ ચોખ્ખું પીએ તો કેવું સારું? પણ કુટેવ જાય તોને, શિષ્ટાચાર આવે તોને! 
આવી નાની-નાની વાતમાં પણ આપણામાં કેમ સમજ આવતી નથી એ ખરેખર સમજાતું નથી. અરે, આ બધી સારી વાતો તો તમે કોઈ શિસ્તબદ્ધ માણસને માત્ર જોઈને, એનું નિરીક્ષણ કરીને પણ શીખી શકો છો. અમુક લોકો તો બગાસું પણ એવો અવાજ કરતું ખાશે કે આજુબાજુમાં જો કોઈ સૂતું હોય તો તે જાગી જાય અને ધારો કે જાગતું હોય તો તેને પણ ઊંઘ આવવા માંડે. આવું કરવું એ પણ કુટેવ છે તો બાથરૂમ જઈને દરવાજો બંધ નહીં કરવાની સાવ સામાન્ય કહેવાય એવી આદત ન હોવી એ પણ કુટેવ છે. જ્યાં તમે જાજરૂ જાઓ છો, એ જગ્યાને તમે બંધ કર્યા વિના બહાર જ કેવી રીતે નીકળી શકો?!

columnists swami sachchidananda culture news