28 April, 2023 12:47 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વિશ્વના પ્રારંભથી જ યુદ્ધો થયા કરે છે અને વિશ્વનું અસ્તિત્વ હશે ત્યાં સુધી આ યુદ્ધો થતાં રહેવાનાં છે. જેમ કાળું નાણું કોઈ હિસાબે રોકી શકાય કે નાબૂદ કરી શકાય નહીં એવી જ રીતે યુદ્ધોને સદંતર રોકી શકાતાં નથી. ખાસ તો માત્ર અને માત્ર ઉચ્ચ આદર્શો અને સુફિયાણા ઉપદેશોથી યુદ્ધો રોકી શકાતાં નથી. યુદ્ધોને કેટલાક અંશોમાં રોકવાનું એક કારણ છે, ન્યાયની સ્થાપના. ન્યાય એ જ ધર્મ છે. ન્યાયની સ્થાપના એટલે કે ધર્મની સ્થાપના. એવું માનવું નહીં કે ન્યાય એટલે સંપ્રદાય સ્થાપના, એવું બિલકુલ નથી.
પ્રજા અને રાજા કે શાસક બન્ને ન્યાયપ્રેમી હોવા જોઈએ. અન્યાયને સતત સહન કરી લેનારા કાયર જ કહેવાય. પછી ભલે તે ક્ષમા કે ઉદારતાની વાતો કરતા રહે. અન્યાયની સામે યુદ્ધ કે યુદ્ધની પ્રેરણા ન આપે એવો ધર્મ નમાલા માણસોને પેદા કરનારો થઈ જાય છે, પણ બીજા પક્ષે અકારણ કે અલ્પકારણ માટે મોટાં યુદ્ધ કરનારા રાક્ષસ જેવા થઈ જાય છે. જરૂર છે, સમજણ અને વિવેકપૂર્વકના યુદ્ધને ખરા સમયે લડી લેનારની.
પ્રજા અને રાષ્ટ્ર વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, નેતાઓ વગેરે પેદા કરે છે તો યોદ્ધાઓ અને સેનાપતિઓ પણ પેદા કરે એ જરૂરી છે. જો પ્રજા યોદ્ધાઓ કે સેનાપતિઓ પેદા નહીં કરે તો તે લાંબો સમય આઝાદીનું રક્ષણ નહીં કરી શકે. તે ગુલામ કે અર્ધગુલામ થઈ જશે એટલે યોદ્ધાઓ અને પ્રચંડ સેનાપતિઓ પેદા કરવા જરૂરી છે, પણ એ પહેલાં જાણવાની જરૂર છે કે યુદ્ધના પણ પ્રકાર હોય છે, જેની હવે આપણે તબક્કાવાર વાત કરતા જવાના છીએ.
પ્રાચીનકાળમાં યુદ્ધ આમને-સામને નજીકથી લડાતું અને એ દરમ્યાન નિશ્ચિત નિયમ પળાતા. રામાયણ કે મહાભારતનું યુદ્ધ આવી રીતે લડાયું છે. તલવારો, ગદાઓ, ભાલાઓ કે પછી ધનુષબાણોથી લડાનારાં યુદ્ધ એકદમ નજીકથી જ લડી શકાય. વળી એમાં પણ મૂલ્યો સાથે યુદ્ધ લડાતાં, જેમ કે શસ્ત્ર વિનાના શત્રુ પર પ્રહાર ન કરી શકાય. સાંજે યુદ્ધ બંધ થઈ જાય અને રાત્રે સૌ વિશ્રામ કરે. સવારે શંખ વાગે એ પછી જ યુદ્ધ શરૂ થાય. આવા બીજા અનેક મૂલ્યવાન નિયમો હતા. ઘણા લાંબા સમય સુધી આવી પ્રથા ચાલતી રહી. ભારતમાં રાજપૂતકાળમાં એક ખાસ મૂલ્ય ઉમેરાયું. યુદ્ધ સામી છાતીએ લડાય, પીઠ ન બતાવાય. પીઠ પર પડેલો ઘા કલંક કહેવાય. આ મૂલ્ય પ્રમાણે રાજપૂતો સામી છાતીએ લડતા રહ્યા. આ લડાઈમાં વીરતા તો ખરી, પણ કુનેહ ઓછી એટલે પાયમાલીનું પ્રમાણ વધી જાય. રાજપૂતો જેમની સામે લડતા હતા તે મુસ્લિમોમાં આવું મૂલ્ય નહોતું એટલે કેસરિયાં કે જૌહરવ્રતની પ્રથા તેમને ત્યાં દેખાતી નથી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)