09 May, 2023 05:29 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
કહ્યું એમ, આતંકવાદીઓને સંતાવાની હજારો જગ્યા હોય. મોડે-મોડે પોલીસ-તપાસ શરૂ થાય અને પોલીસમાં પણ કેટલા સાચા, વફાદાર હોય એ કહેવું મુશ્કેલ. જે ભૂલો પ્રાચીનકાળમાં થતી રહી છે એ અત્યારે બંધ થઈ ગઈ એ સારી વાત છે અને એનાથી સારી વાત એ છે કે શત્રુના મૂળ સુધી જઈ, તેની બોડમાં જ તેના દાંત તોડવાની માનસિકતા આપણે કેળવી લીધી. પહેલાં ગફલત થાય તો આતંકવાદીઓ હાથમાં આવતા અને એ ગફલત પણ આતંકવાદીઓની રહેતી, નહીં કે પોલીસ કે તપાસ અધિકારીઓની કુનેહથી તેઓ હાથમાં આવતા.
મને લાગે છે કે જ્યાં સુધી આતંકવાદીઓને શરણ દેનારા, સાથ આપનારા, પ્રશિક્ષણ તથા શસ્ત્રો આપનારા એમ બધા સહાયક માણસોની સાથે એકસરખો વ્યવહાર નથી થતો ત્યાં સુધી આ મહારોગને મટાડી શકાશે નહીં. ભારતમાં આતંકવાદીઓ ક્યાંથી આવે છે, કોણ તેમને શરણ આપે છે, આતંક મચાવ્યા પછી કોને ત્યાં સંતાઈ જાય છે અને કેવી રીતે પાછા પાકિસ્તાન ભાગી જાય છે એ બધું સ્પષ્ટ નહોતું થતું એટલે આતંકવાદ નામનું યુદ્ધ છાના ખૂણે આપણે ત્યાં ખેલાતું રહ્યું અને આ રોગ વકરતો ગયો, પણ હવે બદલાયેલી સરકારે આતંકવાદ માટે જે નીતિ રાખી છે એ જોતાં આ બીમારી અમુક અંશે દબાઈ ગઈ છે, પણ એને હજી વધારે દબાવવાની જરૂર છે એવું કહેવું પણ ખોટું નથી.
અત્યારે વિશ્વભરમાં જે આતંકવાદ ચાલી રહ્યો છે એને ‘ઇસ્લામિક આતંકવાદ’ એવું નામ આપવામાં આવી રહ્યું છે. જોકે પૂરી ઇસ્લામિક દુનિયા આતંકવાદી છે એવું કહી શકાય નહીં. મુસ્લિમોમાં ઘણા નેક, ટેક, ઇમાનવાળા અને શાંતિપ્રિય લોકો છે, પણ પ્રશ્ન એ છે કે લગભગ બધાં જ સંગઠનો ઇસ્લામ સાથે કેમ જોડાયેલાં છે? આતંકવાદી સંગઠનોમાં ઘણા તો પોતાના જીવની પરવાહ કર્યા વિના કુરબાન થઈ જવા માથે કફન બાંધીને નીકળી પડ્યા હોય છે એટલે એમ કહેવું કે ધન-દોલતની લાલચમાં અથવા બીજી કોઈ લાલચમાં આ લોકો આવો ઉત્પાત મચાવે છે એ બરાબર નથી.
આજ સુધી આવા સેંકડો નહીં, બલકે હજારો નવયુવાનો ફના થઈ ગયા છે અને હજારોને ક્રૂરતાથી મારી ચૂક્યા છે. પ્રશ્ન એ થાય છે કે આ લોકો આટલી હદે ક્રૂર કેમ બને છે? તેમને શું જોઈએ છે? આ બધા પ્રશ્નોના સાચા ઉત્તર મેળવવાથી કદાચ આતંકવાદના મૂળ સુધી પહોંચી શકાય, પણ એ મૂળ સુધી પહોંચવાની તૈયારી કોઈની હોતી નથી અને એટલે જ આ આતંકવાદ ક્યારેય મરતો નથી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)