31 October, 2022 04:39 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ત્યાગનો અર્થ થાય છે, જે તમારી પાસે છે એમાંથી થોડું અથવા વધારે બીજા કોઈ આવશ્યકતાવાળા માણસ કે જનસમૂહને અર્પિત કરવું. અહીં ત્યાગવાનું છે. જેની પાસે કંઈ જ નથી, જે સ્વયં પોતે પરાવલંબી અને પરોપજીવી થઈને ઓશિયાળું જીવન જીવે છે, તેને ત્યાગી કહેવાની ભૂલ ન કરશો. બહુ-બહુ તો તેને અપરિગ્રહી કહી શકાય. અપરિગ્રહી તેને કહેવાય જે કોઈનું આપેલું કશું લેતો નથી અથવા પોતાની આવશ્યકતાઓ એટલી ઓછી કરી નાખે છે કે તેને બીજા પાસેથી કશું લેવું પડતું નથી.
પહેલાં ત્યાગીને સમજીએ. મા ત્યાગી છે, જે પોતાનું દૂધ અને વહાલ બાળકને આપે છે. માના ત્યાગમાંથી બાળકને જીવન મળે છે, પણ માનો ત્યાગ કદાચ મોહવશ પણ થતો હોય, કારણ કે મોહ પરમાત્માએ જ માના હૃદયમાં મૂક્યો છે, જે મંગલમય છે અને એટલે જ તે ઊતરતી થઈ જતી નથી, કારણ કે ગમે તે પ્રકારે તે કંઈનું કંઈ ત્યાગે છે, પણ જે માતા બીજાના અનાથ બાળક માટે પોતાનાં સ્તન તેના મુખમાં આપી દે છે તે મહાત્યાગી છે. તેનાં દર્શન કરવાં જોઈએ. પિતા પણ ત્યાગી છે જે સંતાનની કેળવણી માટે ધન ખર્ચે છે. દેવું કરીને, પેટે પાટા બાંધીને જે પિતા બાળકને ભણાવે છે તે મહાત્યાગી છે. તેના ત્યાગમાંથી બાળકને નવું જીવન મળે છે.
એવી જ રીતે કોઈ બાળકને છાત્રાલય, ભોજન, વસ્ત્ર, પુસ્તકો જેવી ચીજવસ્તુઓની સહાયતા કરે છે તે પણ ત્યાગી છે. તેના ત્યાગમાંથી કેટલાય છાત્રો ઉચ્ચ–નવું જીવન પ્રાપ્ત કરે છે. જે લોકો ધર્મશાળા, શાળા, વારિગૃહ વગેરે બંધાવે છે એ બધા ત્યાગી છે. તેમના ત્યાગમાંથી લોકોને સુખ-સગવડ મળે છે. જે લોકો દેશ માટે, ધર્મ માટે યુદ્ધ કરે છે અને મરે છે તેઓ પ્રાણત્યાગી, મહાત્યાગી છે. આવી જ રીતે જે સ્ત્રીઓ પોતાના પતિ કે પરિવાર માટે પોતાનાં સુખનો ત્યાગ કરીને સૌને સુખી કરે છે તે પણ ત્યાગી છે. તેના ત્યાગથી પતિ અને પરિવાર સુખી થાય છે. આ લિસ્ટ બહુ લાંબું છે, જેનો અંત ન આવે એવું છે. આ સકારાત્મક ત્યાગ છે, વાંઝિયો ત્યાગ નથી. વાંઝિયો ત્યાગ એ છે જે કોઈને કશું આપતો નથી, માત્ર પોતે અપરિગ્રહી થઈને જીવે. આપણા ધર્મગુરુઓ આ પ્રકારના વાંઝિયા ત્યાગને બહુ આગળ ધપાવે છે. એક પણ શાસ્ત્રમાં કે વેદ-પુરાણમાં આ પ્રકારના ત્યાગનું મૂલ્ય દર્શાવવામાં નથી આવ્યું અને એ પછી પણ બધું પોતાની પાસે ભરી રાખીને જાતને અપરિગ્રહમાં રાખનારાઓનો તોટો નથી જડતો. કારણ, ખોટો ઉપદેશ.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)