10 October, 2022 05:55 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ગૃહત્યાગ કરીને વનમાં જઈને ત્યાંથી સંન્યાસ લઈને મોક્ષે જવાની વાત જરા જુદા રૂપમાં આગળ ચાલી. વૃદ્ધાવસ્થા થાય ત્યાં સુધી રાહ જોઈને બેસી રહેવાથી કદાચ મોક્ષ ચૂકી જવાય. મોક્ષ તો માત્ર માનવદેહમાં જ પ્રાપ્ત કરી શકાય છે. માનવદેહ ૮૪ લાખ યોનિઓ ભટક્યા પછી કરોડો વર્ષે મળતો હોય છે માટે વૃદ્ધાવસ્થાની રાહ જોયા વિના હમણાં જ ગૃહત્યાગ કરી દેવો જોઈએ. કેટલાક લોકો તો ભડભડ બળતા ઘરમાંથી જેમ લોકો ભાગી છૂટતા હોય છે એમ ઘરમાંથી તરત જ ભાગી છૂટ્યા અને હજારો લોકો વલવલતી પત્ની, બાળકો, પરિવાર વગેરેને છોડીને ભાગી છૂટ્યા અને જે ઘર છોડીને કે પછી પરિવાર છોડીને ન ભાગ્યા તેમણે તેમનો જયજયકાર કર્યો. એમાંથી કેટલાકને ભગવાન માની લેવાયા અને તેમના પગલે-પગલે ચાલવાની પ્રેરણા આપી.
આપણે ત્યાગપ્રધાન જીવનપદ્ધતિ અપનાવી.
બધા ત્યાગીઓ જ ત્યાગીઓ, પણ કોઈએ વિચાર ન કર્યો કે આ સંદેશ પ્રસરાવીને આપણે દુનિયા પર, આપણા લોકો પર જ અપકાર કરીએ છીએ અને આ અપકાર દ્વારા આપણે હજારો-લાખો ભિક્ષુકોનું નિર્માણ કરી રહ્યા છીએ. ત્યાગી જીવન એટલે પરોપજીવી કે પરાવલંબી જીવન બની જાય છે એનો ખ્યાલ રહ્યો નહીં. ઉત્પાદક વર્ગ ત્યાગી બન્યો અને એ ત્યાગીઓએ બીજાને ત્યાગી થઈ જવાનો સતત ઉપદેશ આપ્યો. હવે આ બધા હજારો-લાખો ત્યાગીઓને રહેવા માટે જુદા-જુદા નામે ઘર બાંધો. પહેલાં કરતાં પણ ભવ્ય ઘરો બંધાયાં, જેમાં ત્યાગીઓનો ગૃહપ્રવેશ થયો. ગૃહત્યાગીને ફરી પાછો ગૃહપ્રવેશ તો કરવો જ પડ્યો. શાસ્ત્રોએ કડક નિયમ રચ્યા, પણ એ અવ્યાવહારિક હોવાથી ચાલી શક્યા નહીં. બધાએ મનગમતી છટકબારીઓ શોધી લીધી અને એ છટકબારી દ્વારા સંસાર છોડ્યા પછી પણ પૂરતો લાભ ઉઠાવ્યો. આ જ લાભ વચ્ચે આશારામોનો પણ જન્મ થયો અને રામ રહીમ પણ જન્મ્યા, પણ કહેવાયું શું તો એક જ વાત, મોક્ષ કાજે.
મોક્ષ પામવા માટે કશું છોડવાની જરૂર હોય એવું શાસ્ત્રોમાં ક્યાંય કહેવાયું નથી અને ક્યારેય કહેવાયું નથી. પાંડવોએ કશું છોડ્યું નહોતું. તેમણે તો પોતાના હક માટે લડત પણ આપી હતી અને એ લડતમાં તેમણે જરૂર પડી ત્યાં લોકોના જીવ લેવાનું પણ કામ કર્યું. પોતાના આ કૃત્ય પછી શું તેમને મોક્ષ નહીં મળ્યો હોય? શું તેઓ આજે પણ અહીં ભટકતા હશે કે પછી કૂતરા-બિલાડા બનીને આપણી વચ્ચે હશે?
હકીકત એ છે કે મોક્ષની વાત જ ગેરવાજબી રીતે મૂકવામાં આવી છે માટે એને આટલી ગંભીરતાથી લેવાની જરૂર નથી. સંસાર છોડ્યે મોક્ષ ક્યારેય ન હોય, સદ્કાર્ય થકી જ મોક્ષ હોય અને એ જ મોક્ષ વાજબી કહેવાય.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)