લાદેન કોઈ મુફલિસ નહોતો, તે અબજોપતિ માણસ હતો

16 May, 2023 04:09 PM IST  |  Mumbai | Swami Satchidananda

અનેક મુસ્લિમો એવા છે જેઓ ડૉક્ટર અને એન્જિનિયર કે આર્કિટેક્ટ બન્યા છે અને એ બન્યા પછી રાષ્ટ્ર કે પોતાની જમાત માટે કામ કરવાને બદલે વિચિત્ર રીતે જ પોતાના ધર્મના કામ પર લાગી જાય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે માફિયા અને આતંકવાદી બન્ને ક્રૂર હિંસાથી પોતપોતાનાં લક્ષ્ય સિદ્ધ કરતા હોવા છતાં બન્ને એક નથી. માફિયાઓ માત્ર પૈસા માટે જ હત્યા કરતા હોય છે. એમાં બધા ધર્મ તથા બધી જાતિના લોકો ભળેલા છે. જોકે એમાં પણ અત્યારે તો મુસ્લિમોનું પ્રમાણ વધારે છે અને એ ઇસ્લામની સૌથી મોટી કમનસીબી છે. 

બીજી તરફ આતંકવાદીઓ પૈસા માટે હિંસા નથી કરતા, પણ તેમનું પોતાનું માની લીધેલું કોઈ ઇસ્લામિક નિશ્ચિત લક્ષ્ય હોય છે. એ લક્ષ્ય માટે તેઓ ફના થવા તૈયાર થઈ જાય છે. આ લક્ષ્ય શું છે? ઓસામાં બિન લાદેન કોઈ ગરીબ કે મુફલિસ માણસ નહોતો, તે તો અબજોપતિ હતો એટલે પૈસા માટે તે આતંકવાદ ફેલાવે છે એવું તો ન કહી શકાય. ત્યારે તેને જોઈતું શું હતું? એવું તો કહી જ ન શકાય કે એ માણસે જેકોઈ ખૂનામારકી કરી એ પૈસા માટે કરી તો પછી જવાબ આપો, કર્યું શું કામ?

જવાબ એક જ છે, ઇસ્લામિક નિશ્ચિત લક્ષ્ય અને એ લક્ષ્ય જ તેના જેવા સેંકડો આંતકવાદીઓને ફના કરવાનું કામ કરે છે. અગાઉ કહ્યું એમ, અનેક મુસ્લિમો એવા છે જેઓ ભણેલા-ગણેલા છે. અનેક મુસ્લિમો એવા છે જેઓ ડૉક્ટર અને એન્જિનિયર કે આર્કિટેક્ટ બન્યા છે અને એ બન્યા પછી રાષ્ટ્ર કે પોતાની જમાત માટે કામ કરવાને બદલે વિચિત્ર રીતે જ પોતાના ધર્મના કામ પર લાગી જાય છે. આ કામ ત્યારે જ અટકશે જ્યારે તેમને કોઈ આવીને એવું સમજાવશે કે ધર્મના નામે તેઓ અધર્મના રસ્તા પર ચાલી રહ્યા છે, એ લોકો આતંક ફેલાવી રહ્યા છે અને આતંકના નામે માત્ર જોહુકમી કરવાના રસ્તે છે.

જો ઇસ્લામિક આતંકવાદ બંધ થશે તો પણ એવું માનવાની જરૂર નથી કે દુનિયામાં શાંતિ થઈ જશે. હા, મહદંશે શાંતિ થશે એની ના નથી, પણ સાવ શાંતિ થઈ જાય એ વાત તો કોઈ કબૂલી નહીં શકે. આતંકવાદ એક એવો વાદ છે જેનો અંત શક્ય નથી. હા, એ સુષુપ્ત થઈ શકે અને અમુક વર્ષ સુધી સાવ શાંત થઈ જાય એવું બની શકે, પણ જે સમયે માગનો સ્વીકાર ન થાય એ સમયે તે ફરી જાગી શકે છે અને જ્યારે પણ આતંકવાદ ફરી જાગશે ત્યારે એ આ જ પ્રકારનો આત્મઘાતી સ્વરૂપમાં જ આવે. 

નક્સલવાદીઓ કોણ છે? એ શું કામ આ પ્રકારનાં કૃત્ય કરે છે? એ શું કામ નિર્દોષ લોકોના જીવ લેવાનું કામ કરે છે? વિચાર્યું છે ક્યારેય? વિચારજો, તમને સમજાશે કે એ પોતાના વર્તુળમાં તો ક્રાન્તિકારી જ છે. આ જે માનસિકતા છે એમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology swami sachchidananda