ભાવકને જવાબદાર બનાવે એ સાચો સાધુ

02 April, 2024 08:11 AM IST  |  Mumbai | Swami Satchidananda

ઉચિત ચિંતા તથા કાંઈક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદી થતા રોકે છે

સ્વામી સચ્ચિદાનંદની તસવીર

સાધુના વેશમાં આપણે ત્યાં કેટલું-કેટલું છુપાયેલું છે! એક તરફ આમાં ઉત્તમમાં ઉત્તમ સંતો પડ્યા છે, તો બીજી તરફ અધમમાં અધમ નરાધમો પણ આમાં ભળ્યા છે. કોનું પ્રમાણ વધારે છે એ કહેવાની જરૂર નથી. ઊંચામાં ઊંચી ભૂમિકાવાળા વિરલ સંતો પણ આપણે ત્યાં છે, તો બીજી બાજુ ઉઘરાણાં કરનારા, ભૂતપ્રેત કાઢનારા, જ્યોતિષના નામે ચરી ખાનારા, વૈદકના નામે લોકોને ઉલ્લુ બનાવનારા અને છોકરાઓને પકડી જનારા પણ આ સમાજમાં છે. જીવનનો સંદેશ વેદનામાંથી પ્રગટતો હોય છે. વેદના જ જીવનનો પર્યાય છે અને વેદનાને દૂર કરવાનું નામ ધર્મ છે. આ સિવાયની તમામ ક્રિયાઓ, આડંબરો અને માન્યતાઓ પાણી વલોવીને માખણ કાઢવાની વ્યર્થ પ્રક્રિયા માત્ર છે. આવા સમયે એક પ્રશ્ન મનમાં જન્મે કે ઉત્તમ સંત કોણ અને કઈ રીતે? મારી દૃષ્ટિએ આ પ્રશ્નનો બહુ સરળ જવાબ છે.

જેણે સંસાર છોડ્યો છે, જેણે દુન્યવી જવાબદારીઓ છોડી છે, પણ એમ છતાં જે સતત એવો ભાવ રાખે છે કે એનો ભાવક જવાબદારી ન છોડે, એ સાચો સંત. સાચો સાધુ, સાચો સંત ક્યારેય પોતાનો કાફલો મોટો કરવાની ફિકરમાં નથી હોતો. મારે આટલા ચેલા અને મારે તો આટલા શિષ્યોની વાત એના મનમાં હોતી નથી. સાચો સાધુ તો પોતાનો ભાવક કેમ વધારે ને વધારે સુખી થાય એ દિશામાં જ વિચારતો રહે અને સાથોસાથ એ પણ તેના મનમાં ચાલતું રહે કે સુખી ભાવકના જીવનમાં ધર્મનું સ્થાન પણ અકબંધ રહે અને એ ધર્મ એટલે માત્ર મૂર્તિપૂજાનો કે પછી વ્યક્તિગત માન-સન્માનનો ધર્મ નહીં, પણ એ ધર્મ, જેના દ્વારા રાષ્ટ્રનું, સમાજનું કલ્યાણ થવાનું હોય.

રાષ્ટ્ર પ્રત્યે, સમાજ પ્રત્યે વ્યક્તિને જે સતત જવાબદાર બનાવવાનું કામ કરે એ સાચો સંત. સાચો સંત એવું નથી ઇચ્છતો હોતો કે ભાવક તેને ત્યાં નિયમિત આવે, પણ હા, તેની ઇચ્છા એવી હોય છે કે તેનો ભાવક જ્યાં હોય ત્યાં તકલીફ વિના જીવે અને અન્યની તકલીફ દૂર કરવાની જવાબદારી પણ નિભાવતો રહે. એક વાત યાદ રાખવી, જવાબદાર વ્યક્તિ નિશ્ચિંત ન રહી શકે. ઉચિત ચિંતા તથા કાંઈક મૂંઝવતા પ્રશ્નોનો ભાર વ્યક્તિને સ્વચ્છંદી થતા રોકે છે. કશી જ ચિંતા ન હોય અને કાંઈ જ ભાર પણ ન હોય, જવાબદારીશૂન્ય જીવન હોય તો એવું જીવન વરદાન નહીં, અભિશાપ જ સમજવું અને સાચો સાધુ વ્યક્તિને એ અભિશાપમાંથી ઉગારવાનું કામ કરી, તેને જવાબદારપૂર્ણ બનાવવાનું કામ કરે છે. સંસારીને પોતાની પાસે બોલાવવાનું કામ કરનારાઓ આમ જોઈએ તો સંન્યાસ લીધા પછી પોતાના આશ્રમમાં જ નવો સંસાર ઊભો કરી લેતા હોય છે, જે વાજબી નથી. સંસારી સંસારમાં જ શોભે અને સંન્યાસી, સંન્યાસ્તાશ્રમમાં.

astrology swami sachchidananda life and style