બધા ગુણો છતાં યોદ્ધાના ગુણોનો ગુજરાતીમાં અભાવ

13 February, 2024 08:51 AM IST  |  Mumbai | Swami Satchidananda

ગીતા આટલાં વર્ષો પછી પણ પ્રસ્તુત છે, કારણ કે એ પ્રશ્નોને ઉકેલે છે.

પ્રતીકાત્મક તસવીર

હિન્દુ અને ખાસ કરીને ગુજરાતી હિન્દુ પ્રજા યોદ્ધાઓના ગુણોથી ઘણી દૂર થઈ ગઈ છે એટલે એ માર ખાતી પ્રજા થઈ ગઈ છે. એ સારી વ્યાપારી પ્રજા છે, સારી શિક્ષિત પ્રજા છે, સારી વહીવટકુશળ પ્રજા છે, ભક્તિભાવવાળી પણ છે. એમ છતાં એનામાં યોદ્ધાના ગુણો જોઈએ એવા ખીલ્યા નથી. એ ખીલવવામાં ગીતા આજે પણ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. પ્રજાની ઉત્ક્રાન્તિ કોઈ ગ્રંથ કે વ્યક્તિ દ્વારા થતી હોય છે. આવું સામર્થ્ય આજે પણ ગીતામાં છે. શરત એટલી જ છે કે એને પૂરો ન્યાય આપનાર વ્યાખ્યાતા મળે. એના સાચા આત્માથી ભિન્ન વ્યાખ્યા કરીને વિદ્વાનો પોતપોતાના સંપ્રદાયોનો જયજયકાર કરી શકે છે, પણ તેથી રાષ્ટ્રનો જયજયકાર ન થઈ શકે. ગીતા રાષ્ટ્રવાદને પોષણ આપનાર ગ્રંથ પણ છે. 

જે ચિંતન જીવનને સ્પર્શે નહીં, જીવનના પ્રશ્નોને ઉકેલે નહીં એ વાંઝિયું ચિંતન કહેવાય. ગીતા આટલાં વર્ષો પછી પણ પ્રસ્તુત છે, કારણ કે એ પ્રશ્નોને ઉકેલે છે. ભારતનું દુર્ભાગ્ય જ કહેવાય કે અહીં જીવનથી ભાગનારું, પ્રશ્નોની ઉપેક્ષા કરનારું ચિંતન આવ્યું જે શ્રુતરમણીય તો રહ્યું; પણ એનાથી પ્રશ્નો ન ઉકેલાયા. માનો કે તમે આખો દિવસ ‘જગત મિથ્યા છે! મિથ્યા છે!’ એવું બોલ-બોલ કરો તો તેથી જીવનનો કયો પ્રશ્ન ઉકેલાય છે? અને હસવું તો ત્યારે આવે જ્યારે બોલવાથી વિપરીત આચરણ કરો. મિથ્યા કહેતા જાઓ અને ધનના ઢગલા કરતા જાઓ, માન-પાન માટે લડી મરો. બોલો, હવે હસવું આવે કે નહીં? આવી જ રીતે ‘હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું’ એવું આખો દિવસ બોલ-બોલ કરો તો તેથી જીવનનો કયો પ્રશ્ન ઉકેલાય છે? વગર પૂછે આવું બોલ-બોલ કરવાનો કશો અર્થ રહેતો નથી. ચિંતન જ ખોટું છે. પોતાની પામરતાને આવું બોલીને ઢાંકી શકાય નહીં. એના કરતાં તો ‘હું પામર છું’ એવું બોલવું સારું. નમ્રતા તો આવે, અભિમાન તો ન થાય. ભક્તો આવું જ બોલતા હોય છે. તેઓ કદી જ્ઞાની હોવાનો દંભ નથી કરતા. તેઓ પોતાની પામરતા સ્વીકારીને હળવાફૂલ જેવા રહે છે. ‘એવા રે અમે એવા, ભાઈ, તમે કહો છો વળી તેવા’ આવું બોલનાર નરસિંહ કેટલો મહાન હશે!

ગીતા જીવનને સમગ્રતાથી જુએ છે. સમગ્રતામાં યુદ્ધ છે, કામવાસના પણ છે, કર્તવ્યકર્મો છે, જવાબદારીઓ છે, બધું જ છે. એ ભગાડતી નથી, પડકાર સામે ઝઝૂમતા કરે છે. ભાગી છૂટવાનો પણ આનંદ હોય છે, જેને લોકોએ ત્યાગ-વૈરાગ્ય-વીતરાગ જેવા રૂપાળા નામથી જાહેર કર્યો છે. ગીતા ભાગી છૂટવાના આનંદની જગ્યાએ પડકારને પડકારવાના આનંદને મહત્ત્વ આપે છે. ગીતા ત્યાગ-વૈરાગ્ય અને વીતરાગ વગેરેની વાતો પણ કરે છે, છતાં કર્તવ્યવિમુખ નથી બનાવતી. ત્યાગાદિ ગુણો કર્તવ્યની સાથે જ શોભે. કર્તવ્ય-વિમુખોના ત્યાગથી અનર્થોની પરંપરા સર્જાતી હોય છે.

columnists swami sachchidananda astrology