નકારાત્મક અસર દેખાડતાં સપનાં પણ હોય?

11 February, 2024 12:54 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

હા હોય અને એ સાઇન લઈને પ્રાણીઓ પણ આવતાં હોય છે. આજે એવાં જ પ્રાણીઓની વાત કરવી છે જે આડકતરી રીતે તમને સતર્ક કરે છે અને આવનારાં નકારાત્મક પરિણામો માટે પહેલેથી ચેતવણી આપે છે

પ્રતીકાત્મક તસવીર

બે રવિવારથી આપણે સપનામાં આવતાં પ્રાણીઓની ચર્ચા કરીએ છીએ જેમાં આપણે ઘુવડ, બિલાડી, હરણ, સ્પાઇડર, સસલાં, ગરોળી અને નાગ વિશે વાત કરી; જે સકારાત્મક સૂચન કરે છે. પણ હવે આપણે વાત કરવાની છે નકારાત્મકતા દર્શાવતાં પ્રાણીઓની. કેટલાંક પ્રાણીઓ, જંતુઓ એવાં છે જે સપનામાં આવીને સૂચન કરે છે કે નેગેટવિવીટી તમારી આસપાસ આવી રહી છે, તમે સાવધાન થઈ જાઓ.

જો સપનામાં કોઈ જંતુ દેખાય તો... 

માનવું કે તમે હેરાન થવાના છો અને એ હેરાનગતિ એવી હોઈ શકે છે જેના વિશે તમે કોઈની પાસે વાત પણ ન કરી શકો. ધારો કે વાત કરો તો તમે જ હાસ્યાસ્પદ બનો. જંતુ કે જીવાતને સપનાંઓમાં જ નહીં, જીવનમાં ક્યાંય પણ સકારાત્મક માનવામાં આવતા નથી. વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ઘરમાં જીવાત કે જંતુ જોવા મળે તો માનવું કે ઘરમાં નકારાત્મકતા વધવા માંડી છે, એનું તાત્કાલિક સોલ્યુશન લાવવું. વાત સપનાંઓની કરીએ તો જીવાત દેખાવી એ પણ નકારાત્મકતાની નિશાની છે. જેને પણ સપનાંમાં જંતુઓ દેખાય તેણે તરત પોતાનાં એવાં કામ અટકાવી દેવાં કે બંધ કરી દેવાં જે કામ પોતાની ફૅમિલીથી છુપાઈને તે કરતો હોય. લગ્નેતર સંબંધો ધરાવતી વ્યક્તિઓને જો સપનામાં જંતુ દેખાય તો એ સૂચવે છે કે બેમાંથી કોઈ એક સંબંધમાં મોટી અંટસ આવી શકે છે.

ધારો કે સપનામાં ડૉગી જોવા મળે... 

ડૉગીને બહુ પ્રામાણિક અને નિષ્ઠાવાન પ્રાણી માનવામાં આવે છે અને એ સત્ય પણ છે, પરંતુ જો એ સપનામાં દેખાય તો એની અસર સકારાત્મક પુરવાર નથી થતી. સ્વપ્નશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો ડૉગી સપનામાં આવે તો માનવું કે તમને બહુ નજીકનો, અંગત કે તમારો વિશ્વાસુ એવો માણસ દગો આપી શકે છે. આ જ વાતને બીજી રીતે જોઈએ તો એવું પણ કહી શકાય કે ડૉગી સપનામાં આવીને પણ પોતાની વફાદારી નિભાવે છે અને તમારા પર આવનારી આફત માટે તમને સચેત કરે છે. ડૉગી જો તમારી સાથે રમત કરતો હોય એવું દૃશ્ય દેખાય કે એવું દૃશ્ય જોવા મળે કે તમે ડૉગી સાથે આનંદપ્રમોદ કરો છો તો માનવું કે તમને પીઠ પાછળ ઘા આવશે પણ જો ડૉગી તમારા પર હુમલો કરતો દેખાય તો માનવું કે વિશ્વાસુ વ્યક્તિ વિદ્રોહ સાથે તમારા પર હુમલો કરવા તત્પર છે.

ધારો કે સપનામાં પ્રાણીનું મોત દેખાય તો... 

પછી એ કોઈ પણ પ્રાણી હોય પણ જો તમને એનું મોત દેખાય તો માનવું કે તમારા પર સ્વાસ્થ્યની ચિંતા આવી રહી છે એટલે આવું સપનું આવ્યા પછી ચેતી જવું હિતાવહ છે. બે વીક દરમ્યાન કહ્યાં એ સકારાત્મક સપનાંઓની સાઇન આપતાં પ્રાણીઓના મોતને જો તમે જુઓ તો એવું પણ ધારી શકાય કે ઘરની મુખ્ય વ્યક્તિ કે પછી પેરન્ટ્સની હેલ્થની ઘાત બળવત્તર બની છે અને એ સિવાયનાં કે પછી નેગેટિવિટી દર્શાવતાં પ્રાણીઓનું મોત જોવામાં આવે તો માનવું 
કે સપનું જોનારા સ્વાસ્થ્ય પર અસર આવી શકે છે.

એક ખાસ વાત કહેવાની. સપનાની અસર પ્રશ્નકુંડળી જેવી હોય છે. જેમ પ્રશ્નકુંડળી એકવીસ દિવસ સુધી અસરકર્તા રહે છે એવી જ રીતે આજે આવેલું સપનું પણ એકવીસ દિવસ સુધી પોતાની અસર અકબંધ રાખે છે. ધારો કે એ પછી એનું કોઈ રિઝલ્ટ ન મળે તો ખુશી કે દુઃખ માનવાની જરૂર નથી. બીજી અગત્યની વાત, સપનું દ્રશ્યસઃ યાદ રહેવું જોઈએ. આછું અમસ્તું યાદ હોય એ સપનાની તીવ્રતા પણ આછી અમસ્તી જ રહેતી હોય છે, પછી એ સકારાત્મક સપનાની વાત હોય કે નેગેટિવિટી દર્શાવતા સપનાની વાત હોય.

columnists gujarati mid-day life and style astrology