12 May, 2024 06:51 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જો વ્યક્તિથી મા નારાજ રહેતી હોય કે પછી વ્યક્તિ દ્વારા મા દુઃખી થતી હોય એવા સમયે કર્મના સિદ્ધાંતોની સાથોસાથ ગ્રહના સિદ્ધાંતો પણ લાગુ પડે છે. જે વ્યક્તિ દ્વારા માને સુખ કે સંતોષ ન મળતાં હોય તે વ્યક્તિના જીવનમાં ચંદ્ર દૂષિત બને છે અને દૂષિત ચંદ્રને કારણે જે-તે વ્યક્તિના જીવનમાંથી મનની શાંતિનો ક્ષય થાય છે તો સાથોસાથ વિકાસની યાત્રામાં પણ અનસ્ટેબિલિટી આવી જાય છે. આ ઉપરાંત જેની કુંડળીમાં ચંદ્ર દૂષિત બને છે તે વ્યક્તિમાં એ સ્તર પર ઉગ્રતા આવતી જાય છે કે તે પોતે જ પોતાનું નુકસાન કરવા માંડે છે, પૈસો ટકતો નથી અને ટકે છે એ પૈસો અયોગ્ય જગ્યાએ કે અનિચ્છનીય રીતે ખર્ચાય છે. તમે જુઓ, જેણે પણ આજીવન માને સાથ આપ્યો છે કે પછી માને સાથે રાખી છે તે વ્યક્તિના જીવનમાં તમને સંતોષ અને શાંતિ જોવા મળશે.
ધારો કે મા અત્યારે હયાત ન હોય અને અગાઉ ક્યારેય માને દુઃખી કરી હોય, તેની આંતરડી દુભાવી હોય તો એની અસર ચંદ્ર પર અકબંધ રહે છે. એવા સમયે ચંદ્રને શાંત કરવા અને ચંદ્રને સકારાત્મક બનાવવા માટેના કેટલાક ઉપાયો અમલમાં મૂકવા જેવા છે, પણ એ ઉપાયો પહેલાં પણ જો કોઈ ઉપાય કરવાનો હોય તો એ છે ખરા મનથી માની માફી માગવી અને પ્રાયશ્ચિત્ત કરવું. એ પછી જે ઉપાયોનો અમલ કરવો જોઈએ એની વાત અહીં કરવામાં આવી છે.
૧. વડીલોને ભોજન કરાવો
વૃદ્ધાશ્રમ કે પછી બહાર ક્યાંય પણ જરૂરિયાતમંદ વડીલો હોય તો તેમને ભોજન કરાવવાથી ચંદ્રની દૂષિત અસર ઓછી થાય છે. જો માનું પ્રિય ભોજન કરાવવામાં આવે તો એની સકારાત્મકતા વધી જાય છે. વડીલો જ્યાં પણ મળે ત્યાં તેમને તમારી આર્થિક સગવડ મુજબ મદદ કરવી પણ લાભદાયી પુરવાર થાય છે. જોકે એક વાત યાદ રાખજો કે કરવામાં આવેલી એ મદદમાં પણ જો તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી હોય તો એની અસરકારકતા વધી જાય છે. માની હયાતી ન હોય એવા સમયે કોઈ એક વૃદ્ધ દંપતીને મનોમન દત્તક ધારીને તેમની તમામ જરૂરિયાત પૂરી કરવી અત્યંત હિતકારી છે.
૨. દૂષિત ચંદ્રને સમર્પિત થાઓ
માને દુઃખી કરનારાઓને ખબર જ હોય છે કે તેમણે શું ખોટું કર્યું છે. એવા સમયે જો સંતાન દ્વારા દૂષિત ચંદ્રને સમર્પિત થવામાં આવે તો ચંદ્ર સકારાત્મક થવાનો શરૂ થઈ જાય છે. શક્ય હોય તો સોમવારે ઉપવાસ કરવો જોઈએ અને જો એ શક્ય ન હોય તો સોમવારે પહેલાં અન્ય કોઈ મહિલાને (શક્ય હોય તો મોટી ઉંમરની) જમાડીને જમવામાં આવે તો એ લાભદાયી પુરવાર થાય છે. જો માની હવે ગેરહયાતી હોય તો સોમવારના દિવસે મોટી બહેનના આશીર્વાદ લઈને કામની શરૂઆત કરવી એ પણ લાભદાયી છે. ધારો કે મોટી બહેન ન હોય તો પોતાનાથી મોટી કૌટુંબિક બહેનના આશીર્વાદ પણ લઈ શકાય અને એવું પણ ન હોય તો સોમવારના દિવસે યથાશક્તિ ૧૧ કે ૨૧ કુમારિકાને સફેદ કલરની કોઈ પણ મીઠાઈ ખવડાવવાના સ્વરૂપમાં પણ આશીર્વાદ લઈ શકાય છે.
૩. બ્લૅક ઍન્ડ વાઇટ વસ્ત્રો પહેરો
ચંદ્ર દૂષિત હોય એવા સમયે સફેદ કલરનાં કપડાં પહેરવાનું પ્રમાણ વધારવું જોઈએ. સફેદ કલર શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે તો ઘણા એવું પણ કહે છે કે સફેદ કલર ચંદ્રનું પ્રતિનિધત્વ કરે છે. હકીકતમાં એ અર્ધસત્ય છે. પૂનમથી અમાસની યાત્રા કરતાં ચંદ્રનું સાચું પ્રતિનિધિત્વ જો કોઈ કલર કરતા હોય તો એ બ્લૅક ઍન્ડ વાઇટ કલર છે એટલે ચંદ્રને આધારિત કપડાં પહેરવાં હોય એવા સમયે બે વસ્ત્ર પૈકીનું એક વસ્ત્ર સફેદ કલરનું અને બીજું વસ્ત્ર બ્લૅક કલરનું હોય એ પ્રકારના કૉમ્બિનેશન સાથેનાં કપડાં પહેરવાં જોઈએ.