કેવી રીતે દૂર કરશો મનમાં ઘર કરી ગયેલી નેગેટિવિટીને?

26 January, 2025 07:32 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

કેટલીક વખત એવા સંજોગો ઊભા થાય છે જેને કારણે માણસમાં નકારાત્મકતા વધી જાય અને તે સતત ખોટા અને ખરાબ વિચારો કરે. આ નકારાત્મકતાને દૂર કરવાના કેટલાક સરળ રસ્તાઓ છે

યોગ અને પ્રાણાયામ પર ફોકસ કરી શકાય

જો મનમાં નકારાત્મકતા રહેતી હોય, કોઈ સારી વાત સહેજ પણ અસર ન કરતી હોય અને સતત ગુસ્સો કે ઉદ્વેગ મનમાં પ્રસર્યા કરતો હોય તો માનવું કે સમય આવી ગયો છે શરીરમાં પ્રવેશી ગયેલી નેગેટિવિટીને દૂર કરવાનો. આ નેગેટિવિટીને દૂર કરવાના રસ્તાઓ સરળ છે અને અસરકારક પણ છે. કેટલીક વખત પહેલા કે બીજા ઉપાયથી જ મનમાં સકારાત્મકતા આવી જતી હોય છે તો કેટલીક વખત બધા ઉપાયો કર્યા પછી પણ પરિણામની અસર ઓછી જોવા મળે. એવું બને ત્યારે આ જ ઉપાયોને વારંવાર અમલમાં મૂકતા રહેવા જોઈએ.

હવે વાત કરીએ મનમાં પ્રવેશેલી નકારાત્મકતાને દૂર કરવાના રસ્તાઓની. યાદ રહે, આ જે રસ્તાઓ છે એ સાયન્ટિફિકલી પણ અસરકર્તા સાબિત થયા છે.

૧. યોગ અને પ્રાણાયામ

આ રસ્તો કોઈ અગોચર વિજ્ઞાનનો નથી પણ શરીર-વિજ્ઞાનનો છે. શરીરમાં જ્યારે શુદ્ધ ઑક્સિજનની કમી ઊભી થાય છે ત્યારે મનમાં નકારાત્મકતા પ્રવેશતી હોય છે એટલે જ્યારે પણ નકારાત્મકતા મનમાં આવે અને એ સતત સાથે રહે તો યોગ અને પ્રાણાયામ પર ફોકસ વધારવું જોઈએ. જો એ નિયમિત કરતા હો અને એ પછી પણ અસર ન દેખાતી હોય તો એનો અર્થ એવો થયો કે તમારે એ કરવાની માત્રા વધારવાની જરૂર છે.

૨. કરો સી-સૉલ્ટનું સ્નાન

 દરિયાઈ મીઠાથી કરવામાં આવેલું સ્નાન શરીરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવાનું કામ કરે છે. જો શક્ય હોય તો આ સ્નાન દરિયાકિનારે જઈને કુદરતના સાંનિધ્યમાં કરવું જોઈએ. ધારો કે એ ન થઈ શકે તો દરિયાના પાણીમાં થોડો સમય સુધી પગ ઝબોળી રાખવા જોઈએ. ધારો કે એ પણ ન થાય તો કહ્યું એમ, ઘરના બાથરૂમમાં બાલદીમાં સી-સૉલ્ટ નાખીને એનાથી સ્નાન કરવું જોઈએ. મુંબઈવાસીઓને તો દરિયાની દોલત મળી છે ત્યારે તેમણે દરિયાનું પાણી બૉટલમાં ભરી લાવીને બાલદીમાં નાખીને એનાથી સ્નાન કરવું જોઈએ. માપની વાત કરીએ તો એક બાલદીમાં એક બૉટલ દરિયાનું પાણી નાખીને સ્નાન કરવું જોઈએ.

૩. કપૂરની સુગંધ લો

 નકારાત્મકતા દૂર કરવામાં સૌથી અસરકારક જો કંઈ હોય તો એ કપૂર છે. એ ઘરમાંથી પણ નકારાત્મકતા દૂર કરે છે અને ઘરમાં રહેતી વ્યક્તિઓમાંથી પણ નકારાત્મકતા દૂર કરે છે. ઘર અને ઑફિસમાં હો ત્યાં કપૂરદાનીમાં કપૂરની ખુશ્બૂ પ્રસરાવવી હિતાવહ છે. કપૂરથી સ્નાન કરવું પણ શ્રેષ્ઠ છે અને સાથોસાથ રૂમાલમાં પણ કપૂર રાખવાથી પણ સકારાત્મક ઊર્જા મળે છે.

૪. પ્રકૃતિ સાથે રહો

 નકારાત્મકતા જ્યારે પણ વધે ત્યારે પ્રકૃતિ સાથે રહેવાનું લાભદાયી પુરવાર થયું છે. પ્રકૃતિમાં પણ જંગલી વિસ્તાર કે બાગ-બગીચા સૌથી હિતાવહ છે. જો ઘરની આસપાસ આ સુવિધા હોય તો ત્યાં જઈને ઉઘાડા પગે ચાલો, જેથી પ્રકૃતિનો સીધો સ્પર્શ મળે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પ્રકૃતિના સંપર્કમાં રહેનારી વ્યક્તિના મનમાં રહેલી નકારાત્મકતા શોષવાનું કામ પ્રકૃતિ કરે છે. આ ઉપરાંત સૂર્યોદય માણવાની તક મળે તો એ પણ લેવી જોઈએ. સૂર્યનાં કિરણોમાં સકારાત્મક ઊર્જાની ભરપૂર ક્ષમતા છે. આ જ કારણ છે કે શિયાળા અને ચોમાસામાં જ્યારે સૂર્યનાં કિરણો નથી મળતાં ત્યારે માણસને વિન્ટર-બ્લુ અને મૉન્સૂન-બ્લુની અસર વચ્ચે ડિપ્રેશન અને નર્વસનેસનો અનુભવ થાય છે.

પ. વિચારો નહીં, લખો

 જો મનમાં નકારાત્મકતા આવી ગઈ હોય તો મનમાં રહેલા તમામ નેગેટિવ વિચારો લખો પણ એ લખ્યા પછી કાગળ સાચવવાનો નથી, એને ફાડવાનો છે અને પછી એ ટુકડાઓને બાળવાના પણ છે. મનની એક વાત બરાબર સમજજો. મન પાસે કોઈ બારી નથી. મનમાં રહેલી નકારાત્મકતાને જો બહાર નીકળવાનો રસ્તો નહીં મળે તો એ વિકૃતપણે મનમાં રહીને મોટી થશે અને વધારે ને વધારે જગ્યા રોકશે. બહેતર છે કે એને મનમાંથી કાઢો અને કાઢવાનો સૌથી બેસ્ટ રસ્તો છે, એ લખો અને પછી એને અગ્નિદાહ આપો. યાદ રહે, લખવાની પ્રક્રિયા પેલી જૂની ઢબથી કાગળ-પેન લઈને જ કરવાની છે, ટાઇપિંગ કરશો તો એ નહીં ચાલે.

astrology life and style exclusive gujarati mid-day columnists