13 October, 2024 08:31 AM IST | Mumbai | Acharya Devvrat Jani
શનીદેવ
શનિ વિશે મોટા ભાગની વાતો નકારાત્મક થાય છે. પરિણામે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે મોટા ભાગને શનિની વાત થતાં જ ડર લાગતો હોય છે, પણ એવું માનવું કે ધારવું ખોટું છે કે શનિ નકારાત્મક પરિણામ જ આપે. નકારાત્મકતા હોવાને લીધે મોટા ભાગના લોકો શનિની સાડાસાતીની વાત સાંભળતાં જ ગભરાઈ જતા હોય છે. આ ગભરાટ પણ ખોટો છે. વ્યક્તિના જીવનમાં સાડાસાતી બે કે વધુમાં વધુ ત્રણ વાર આવતી હોય છે.
સનાતનનું એક પણ શાસ્ત્ર એવું નથી જેમાં શનિને ખરાબ ગ્રહ ગણાવવામાં આવ્યો હોય. હકીકતમાં શનિ પરીક્ષા લેનારો ગ્રહ છે એટલે જ જ્યોતિષશાસ્ત્રમાં શનિને ગુરુ તરીકે જોવામાં આવે છે. ગુરુ પરીક્ષા લે અને વિદ્યાર્થીનું ઘડતર થાય એ જ કાર્ય શનિ કરે છે. શનિ અને શનિની સાડાસાતી વિશે વિસ્તારપૂર્વક સરળ શબ્દોમાં સમજવું જોઈએ.
સાડાસાતી શું છે?
તમામ ગ્રહોમાં સૌથી લાંબી ચાલ શનિની છે. સામાન્ય સંજોગોમાં શનિ અઢી વર્ષે ઘર બદલે છે, જેને લીધે જન્માક્ષરમાં શનિ સારા સ્થાનમાં ન હોય તેને પરિણામ મોડું મળે છે. શનિની સાડાસાતી એટલે કે જન્માક્ષરમાં જ્યાં શનિ ગ્રહ હોય એના આગળના ઘરથી લઈને, શનિ છે એ ઘર અને એના પછીનું ઘર. આમ આ ત્રણ ઘરમાંથી શનિ પસાર થાય ત્યારે એ કામોને ધીમાં કરી નાખે છે. આ ત્રણ ઘરમાંથી પસાર થતાં શનિને સાડાસાત વર્ષનો સમય લાગે, જેને લીધે એને શનિની સાડાસાતી કહેવામાં આવે છે.
સાડાસાતી દરમ્યાન જે-તે વ્યક્તિએ ઉધારી કરવી ન જોઈએ નહીં તો એ ઉધારી ધાર્યા કરતાં લાંબો સમય ચાલે અને લીધી હોય એના કરતાં વધારે રકમ આપવી પડે.
બહુ ધ્યાન રાખવું પડે?
ના, પણ સાવચેત રહેવું હિતાવહ છે. આગળ કહ્યું એમ આ જે સાડાસાતી છે એ વ્યક્તિના જીવનમાં બે અને મૅક્સિમમ ત્રણ વાર આવે, જે પૈકીની પહેલી અને અંતિમ સાડાસાતીનું પરિણામ મોટા ભાગે જે-તે વ્યક્તિએ પોતે ભોગવવાનું આવતું નથી અને મધ્ય સાડાસાતી જે આવે એ સમય દરમ્યાન તેનું ઘડતર થતું હોય છે એટલે એ સમયને નવી દિશાઓ ખોલવાના સમય તરીકે પણ જોઈ શકાય. કહેવાનો ભાવાર્થ એ કે શનિથી ગભરાવાની કોઈ આવશ્યકતા નથી. એ ઘડતર કરે છે, પરીક્ષા લે છે અને વ્યક્તિએ ઘડતર કે પરીક્ષાથી સહેજ પણ ગભરાવું ન જોઈએ.
શનિ ન્યાયકારક છે એટલે એ ક્યારેક એકની સજા બીજાને આપવાનું ટાળે છે, સિવાય કે બીજી વ્યક્તિ શનિને સતત નારાજ કરવાનું કામ ન કરે.
વ્યક્તિને અસર કેમ નહીં?
આગળ કહ્યું એમ પહેલી અને અંતિમ સાડાસાતી વ્યક્તિએ ભોગવવાની આવતી નથી. એવું શું કામ એ જાણીએ. એક જન્માક્ષરના તમામ ઘરમાં ફરીને ફરી પોતાના સ્થાને પાછા આવવામાં શનિ ગ્રહને અંદાજે ત્રીસ વર્ષનો સમય લાગે એટલે સામાન્ય રીતે પહેલી સાડાસાતી સમયે વ્યક્તિ બાળક કે ટીનેજર હોય, જેનો ભાર તેના પર આવતો નથી અને જો પેરન્ટ્સના સ્ટાર્સ સારા હોય તો તેણે પણ સાડાસાતી ભોગવવી નથી પડતી. બીજી સાડાસાતી તેણે જોવાની આવે, પણ ત્રીજી સાડાસાતી વખતે તે વૃદ્ધાવસ્થામાં હોવાને લીધે એ પણ તેણે ભોગવવાની આવતી નથી.
શનિની સાડાસાતી જો પરિવારમાં કોઈની પણ ચાલતી હોય તો આખા પરિવારે એક નિયમ કરવો જોઈએ. સાડાસાતીના દિવસો દરમ્યાન જો શક્ય હોય તો દર શનિવારે હનુમાનજી કે શનિજીના મંદિરે જવું જોઈએ. ધારો કે એવું ન થઈ શકે તો શનિવારના દિવસે દરેક સભ્યએ ઘરમાં દીવાબત્તી કરવાનો નિયમ બનાવવો જોઈએ.
શનિ ખરાબ હોય તો શું?
જેમ કોઈ શાક ખરાબ નથી હોતાં એવી જ રીતે કોઈ ગ્રહ પણ ખરાબ નથી. દરેક ગ્રહ એને મળેલી ક્ષમતા મુજબ આપવા અને લેવાનું કાર્ય કરે. જો જન્માક્ષરમાં શનિ ખરાબ હોય તો ડરથી સહેજ પણ ફાટી પડવાની જરૂર નથી. ખરાબ સ્થાનમાં રહેલો શનિ વધુમાં વધુ એક કાર્ય કરે. એ થોડી મહેનત વધારે કરાવે, પણ એનું પરિણામ આપે જ આપે. કોઈ ચાર કલાક ભણતું હોય તો આવી વ્યક્તિએ પાંચ કલાક વાંચવું પડે. કોઈને ઇમ્પ્રેસ કરવામાં એકને કલાક લાગે તો બીજાને એક વીક લાગે પણ કરેલી મહેનત નિષ્ફળ બનાવવાનું કામ શનિ ક્યારેય નથી કરતો.