06 December, 2022 04:49 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
એક સમય હતો જ્યારે પાણી દૂષિત આવતું. કોઈ પ્રકારના ફિલ્ટરેશન પ્લાન્ટનો જન્મ નહોતો થયો અને જ્યાં ગાય-ભેંસ નહાતી હોય ત્યાંથી જ તમારે પાણી ભરીને લાવવું પડતું. આવા સમયે પાણીને ગરમ કરીને પીવાની જે વાત હતી એમાં વિજ્ઞાન અકબંધ હતું, પણ એ જ વાતને હજી પણ એમ જ ધારીને બેસી રહેવું ગેરવાજબી છે. વિજ્ઞાન રોજ બદલાય છે અને રોજેરોજ એમાં નવા-નવા પ્રયોગો થતા રહે છે. જંતુરહિત પાણી માટે હવે પાણી ઉકાળવાને બદલે પણ બીજી અનેક રીતે એને ચોખ્ખું કરી શકાય છે.
પાણી ચોખ્ખું કરવાની વાત વાજબી કહેવાય, પણ અહીં અહિંસાની વાત જોડવી ગેરવાજબી છે. તમે જ વિચારો કે જગતમાં જે કંઈ જીવંત છે એ બધી પરમેશ્વરની રચના છે. જો આ બધી પરમેશ્વરની સૃષ્ટિ-રચના છે એ યથાયોગ્ય જ છે એવું સમજીને વિચાર કરીએ તો આવા પ્રશ્નોનો તરત જ ઉકેલ આવી શકે છે.
જળ પીવા માટે છે. જળમાં જ જીવન-જળ એ અમૃત છે. એને પીવામાં કશું જ પાપ નથી. હા, તરસ્યાને પાણી પાવામાં અઢળક પુણ્ય જરૂર છે. એને યથાસંભવ શુદ્ધ રાખવું જોઈએ - ખાસ કરીને દૂષિત રસાયણો તથા રોગવર્ધક બૅક્ટેરિયાથી. કોઈ પણ રીતે જળને દૂષિત કરવું એ પાપ છે અને આ વાતને ધર્મ સાથે જોડવી વાજબી છે. આપણે સૌએ એ વાતને ધર્મ સાથે જોડવી જોઈએ જે માનવ-સમુદાય માટે અત્યંત હિતાવહ હોય.
તળાવો, કૂવાઓ, બંધો, ચેકડૅમો દ્વારા જળને રોકીને ભૂતળમાં ઉતારવાથી જળના પ્રશ્નો ઉકેલાય છે. આ મહાપુણ્ય છે અને ધર્મમાં આનો પ્રચાર જરૂર છે, પણ આવી પ્રવૃત્તિ થતી નથી અને એનાથી અવળી રીતે દરેક જગ્યાએ હિંસાની વાત જોડીને આખી વાતને ડહોળી નાખવામાં આવે છે. ડહોળવાનું આ કામ જેટલું ઝડપથી બંધ થાય, હિંસા રોકવાની ખોટી જે ગણતરીઓ છે એને હાંસિયામાંથી બહાર ધકેલવામાં આવે તો માનવ-સમુદાયનું હિત થશે.
પાણી બચાવવાની પ્રવૃત્તિને રોકવાથી વરસાદનું તથા નદીઓનું જળ સમુદ્રમાં વહી જાય છે. ભૂતળનું જળ વધુ ને વધુ ઊંડું ઊતરે છે અને લોકો માટે અનેક પ્રશ્નો ઊભા થાય છે. પ્રશ્નો ઉકેલે કે ઉકેલવાની પ્રેરણા આપે એને ધર્મ કહેવાય. પ્રશ્નો ઊભા કરે, બગાડે કે પ્રશ્નોથી દૂર ભગાડે એને ધર્મ કહેવાય જ નહીં. લોકો ધર્મના નામે જળના દુશ્મન બને એ માનવતાના દુશ્મન થવા બરાબર છે અને આવા દુશ્મનોને સમાજથી જેટલા દૂર રાખવામાં આવે એટલો જ સમાજનો ઉદ્ધાર થશે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)