01 December, 2024 07:41 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
સવારમાં કોનું મોઢું જોયું એ જ ખબર નથી
ક્યારેક એકધારી ખરાબ ઘટનાઓ ઘટતી રહે ત્યારે આવું સહજ રીતે બોલતા લોકોને તમે સાંભળ્યા હશે. દશકાઓ જૂની આ વાતમાં સંદર્ભ છે અને શાસ્ત્રો પણ એમાં હકારાત્મક ભાવ સાથે કહે છે કે ઘટના ઘટે એ પહેલાં માણસને આવનારા સમયનો અણસાર મળતો હોય છે, પણ એને ઓળખતાં આવડવું જોઈએ. આ જે અણસાર છે એ ઘણાં રૂપમાં હોય છે તો સાથોસાથ એને ઓળખવાની પણ ક્ષમતા હોવી જોઈએ. જો તમારો દિવસ લાભમય પસાર થવાનો હોય તો એ દિવસે એવું કામ પણ કરવું પડે જેથી લાભ થાય અને જો એવો અણસાર મળે કે નુકસાન થવાનું છે તો એ દિવસે સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે. આજે એવા જ અણસારોની વાત કરવાની છે જેના આધારે દિવસ દરમ્યાન બનનારી શુભ કે અશુભ ઘટના વિશે વ્યક્તિ અણસાર મેળવી શકે અને એ મુજબ પોતાના દિવસનું પ્લાનિંગ પણ કરી શકે.
ઘરની બહાર નીકળતાંની સાથે જ...
ઘરની બહાર નીકળતાંની સાથે જો તમને ગાય સામે મળે તો માનવું કે તમારો દિવસ લાભદાયી બનવાનો છે. ગૌમુખનાં દર્શન પછી અનેક વિરલ ઘટનાઓ ઘટી હોવાનાં દૃષ્ટાંતો અલગ-અલગ શાસ્ત્રોમાં નોંધવામાં આવ્યાં છે. જો ગાય સામે મળે તો દિવસને લાભદાયી ગણીને આગળ વધવું. સામે મળેલી ગાયને જો ભોજન કરાવી શકો તો અતિ ઉત્તમ. બહુ જૂજ લોકોને ખબર છે કે ગાયને કેળાં પ્રિય છે અને એના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. અહીં સૂચક સૂચન એવું પણ છે કે લાભ કરાવનારાને જો લાભદાયી આપો તો તમને મળનારા લાભની માત્રા વધી જાય.
મુંબઈ જેવાં શહેરોની મોટી સોસાયટીમાંથી બહાર નીકળતાં ગાય સામે મળે એ પણ ઘરની બહાર નીકળતાં જ મળેલું લાભદાયી ચિહન માનવું જોઈએ.
વસ્ત્રો પર વિષ્ટાનું પડવું
સાંભળ્યું હશે કે એ પણ એક પ્રકારનું શુકન છે, પણ શાસ્ત્રોમાં સ્પષ્ટતા સાથે કહેવાયું છે કે વ્યક્તિ પર વિષ્ટાનું પડવું એ માત્ર શુકન જ નહીં પણ ઘાત દૂર થવાની નિશાની છે. મહાભારતમાં આ વાતનો ઉલ્લેખ પણ છે. લાખના મહેલમાં રહેતા પાંડવોનો જીવ લેવા માટે જે રાતે મહેલને સળગાવવામાં આવ્યો એ જ સવારે મા કુંતી સ્નાન કરીને પાછાં આવ્યાં ત્યારે તેમના પર વિષ્ટા પડી અને મા કુંતી પહેલાં હતાં જેમને અણસાર આવ્યો કે આજે ઘાત છે, જેમાંથી બચવાના સંકેત મળે છે. મહાભારતમાં લખાયેલું એ આખું પ્રકરણ વાંચશો તો આ ઘટના વિશે તમને સમજાશે. વિષ્ટા શરીર પર ક્યાં પડે છે એ સ્થાન પર જુદું-જુદું પરિણામ ભોગવે છે, પણ એ તમામનું તારણ એક જ છે કે એનું પડવું લાભદાયી છે અને ઘાતનું નિવારણ કરે છે.
અજાણતાં કલર લાગવો
કલરકામ ચાલુ હોય એવા સમયે આપણે કાળજી રાખતા હોઈએ એ સહજ છે, પણ જો એમ છતાં અજાણતાં જ શરીર પર કે કપડાં પર કલર લાગે તો એ કલર મુજબનું સૂચન કરે છે. જો સફેદ કલર લાગ્યો હોય તો સૂચવે છે કે આવનારા કલાકોમાં તમને ખ્યાતિ મળી શકે છે તો લાલ કલર સૂચવે છે કે ધ્યાન નહીં રાખો તો તમને એવી ઈજા થઈ શકે છે જેનાથી લોહી નીકળે. કલરનાં અનેક સૂચનો છે, પણ એ બધાં સૂચનોની ચર્ચા અત્યારે શક્ય નથી એટલે વાત ટૂંકાવીને એટલું કહેવાનું કે જો વાઇટ, ગ્રીન, યલો કે સૅફ્રન કલર અજાણતાં જ લાગી જાય તો મનોમન ખુશ થવું અને રેડ, બ્લૅક કે બ્લુ કલર લાગે તો વહેલામાં વહેલી તકે ઘરે પહોંચીને રાત પસાર કરી લેવી.
અચાનક પૈસા મળવા
ઘણા એને ગુડ લક માને છે, પણ શાસ્ત્રોમાં કહેવાય છે કે રસ્તા પરથી ધન મળવું એ ગુડ લક સમાપ્તિની નિશાની છે. હા, તમે તમારા સદનસીબનો સમયસર ઉપયોગ ન કરો અને એ પૂરો થતો હોય એવા સમયે એ પોતાના પૂરા થતા સમયની જાણ રસ્તા પર મળતા ધનના સ્વરૂપમાં કરે છે એટલે જો રસ્તા પરથી પૈસા મળે તો રાજી તો ન જ થવું; પણ હા, મળેલા એ પૈસાને તાત્કાલિક દાનમાં વાપરીને તમે ગુડ લકને કન્ટિન્યુ કરવાનો કે પછી એની અવધિ વધારવાનો પ્રયાસ કરી શકો છો.
યાદ રહે, રસ્તા પરથી મળેલા પૈસાને જેટલા વહેલામાં વહેલા દાન કરવામાં આવે એટલો જ એનો વધુ લાભ થાય છે એટલે જો પાંચ મિનિટમાં એ લક્ષ્મીને અન્યના હાથમાં સોંપવામાં આવે તો એનાથી ઉત્તમ બીજું કંઈ નહીં.