24 March, 2024 07:25 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
અત્યારનો આ જે સમય છે એ કળિયુગ છે અને કળિયુગમાં હંમેશાં આક્રમક અને પાવરધા ગ્રહોની બોલબાલા રહે. આ સમયમાં જો ઝડપથી પ્રસિદ્ધિ જોઈતી હોય, ઝડપથી કામમાં સફળતા પ્રાપ્ત કરવી હોય કે પછી ઝડપથી પ્રગતિ કરવી હોય તો એના માટે રાહુ અને શનિ જેવા ગ્રહોને પ્રસન્ન કરવા જોઈએ. આ ગ્રહોને પ્રસન્ન કરવાનો સીધો અર્થ એ છે કે તમે સુખ-સંપત્તિ અને સમૃદ્ધિને આવકારો છો. રાહુ અને શનિ ગ્રહમાંથી વાત કરીએ રાહુની. સામાન્ય સંજોગોમાં રાહુને બહુ ઉતારી પાડવામાં આવે છે, પણ કહ્યું એમ આજના સમયમાં રાહુ મજબૂત હોવો કે પછી રાહુને મજબૂત કરવાનો સીધો અર્થ એ છે કે તમે તાકાતવાન શક્તિને વશ કરો છો. રાહુને મજબૂત કરવા માટેના કેટલાક સરળ અને સહજ રસ્તાઓ છે જેમને અપનાવવા જોઈએ. મજબૂત રાહુ આસમાની-સુલતાની આપવામાં મદદરૂપ બને છે તો ભિક્ષુકને પણ કરોડાધિપતિ બનાવવાની ક્ષમતા ધરાવે છે. બે વર્ષ પહેલાં જેની પાસે સાઇકલ ખરીદવાના રૂપિયા ન હોય, પણ આજે તે વ્યક્તિ આઉડી કે બીએમડબ્લ્યુમાં ફરતી હોય તો સંદેહ વિના માનવું કે તેનો રાહુ ઉપકારક બન્યો છે.
ગ્રહ રાહુને મજબૂત બનાવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલા ટિપિકલ રસ્તાઓ સિવાયના પણ અત્યંત મહત્ત્વના કહેવાય એવા રસ્તાઓ અપનાવવા જોઈએ. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે આ રસ્તાઓ અપનાવતી વખતે ક્યાંય ગ્રહોનું કે જન્માક્ષરનું જ્ઞાન હોય એ જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં રાહુને બળવાન કરવા માટે આ રસ્તાઓ અપનાવી શકે છે, અમલમાં મૂકી શકે છે.
સફાઈ-કર્મચારી સૌથી પ્રિય
રાહુ સૅનિટેશન સાથે સીધો સંબંધ ધરાવે છે. જો રાહુને મજબૂત કરવો હોય અને એનો પ્રભાવ વધારવો હોય તો સફાઈ-કર્મચારીઓને એટલે કે રસ્તા કે સોસાયટીની સફાઈનું કામ કરતા કે પછી ઑફિસમાં સૅનિટેશનનું કામ કરતા કર્મચારીઓ સાથેના સંબંધોમાં સૌમ્યભાવ રાખવો જોઈએ. તેમને આપવામાં આવતી ભેટનું વળતર રાહુ ચૂકવે છે. એક વાત યાદ રાખજો, રાહુ દ્વારા મળતું પરિણામ અકલ્પનીય હોય છે એટલે જ્યારે પણ રાહુ પાસેથી અપેક્ષા રાખો ત્યારે ચોક્કસ પ્રકારની માગણી કરવી નહીં. શું આપવું અને કેટલું આપવું એ રાહુ પર છોડી દેવું.
સુવિધા આપે, પણ ગમે નહીં
રાહુ લૉટરી સમાન ગ્રહ છે, પણ જો એ વીફરે તો કોઈનીયે શરમ રાખ્યા વિના રસ્તા પર લાવી દેવાનું કામ પણ કરી નાખે. હર્ષદ મહેતાને શૅરબજારમાં મળેલી જ્વલંત સફળતા રાહુને આભારી હતી અને એ પછી હર્ષદ મહેતાને મળેલી પડતી પણ રાહુના કોપનું જ પરિણામ હતું એવું કહી શકાય. રાહુ ઐશ્વર્ય આપે, પણ એને ઐશ્વર્ય બિલકુલ પસંદ નથી. સમૃદ્ધિ વચ્ચે રહેવું રાહુને પસંદ ન હોવાથી સમયાંતરે ઓછામાં ઓછી સુવિધા સાથે રહેવાની આદતને કેળવવી અત્યંત આવશ્યક છે. હર્ષદ મહેતાના જીવનકાળના બન્ને તબક્કાઓ તમે જુઓ. જેલવાસ દરમ્યાન તેની પાસે લેશમાત્ર સુવિધા નહોતી. રાહુને પ્રબળ કરવા મહિનામાં ત્રણ દિવસ ઓછામાં ઓછી સુવિધા સાથે એટલે કે મિનિમલની લાઇફસ્ટાઇલ અપનાવવી જોઈએ. અહીં ત્રણ દિવસની વાત એટલા માટે કરી છે કે ત્રણનો આંક રાહુનો પ્રિય આંક છે.
કારક છે સૂક્ષ્મ જીવોનો
રાહુ પોતે પ્રબળ શક્તિશાળી છે અને શક્તિશાળીની સૌથી મોટી ખાસિયત એ છે કે એ નાનામાં નાના જીવની ચિંતા કરે. જેમ આગળ કહ્યું એમ રાહુને સફાઈ-કર્મચારી અત્યંત પ્રિય છે તો એવી જ રીતે રાહુને પક્ષીઓ, કીડી-મંકોડા અને માછલી જેવા જીવો પણ અનહદ વહાલા છે. કીડિયારું ભરવાથી કે પછી દરરોજ પક્ષીઓને ભોજન કરાવવાથી રાહુ પ્રબળ બને છે. કીડિયારું ભરવામાં સાકરનો ભૂકો, માછલીઓને ચણાનો લોટ અને પક્ષીઓને બાજરાનું ભોજન કરાવવું એ રાહુને તૃપ્તિ કરાવ્યા સમાન છે. નિયમિત કબૂતરને ચણ આપવું એ પણ રાહુને પ્રસન્ન કરવામાં અત્યંત લાભદાયી પુરવાર થાય છે.
ગ્રે કલરનો સ્વીકાર કરે
રાહુનો ફેવરિટ કલર ગ્રે એટલે કે ભૂખરો છે. આ કલરનો નિયમિત ઉપયોગ થતો રહે તો એનાથી પણ રાહુ બળવાન બને છે. દરરોજ ગ્રે કલરનાં કપડાં પહેરવા ન હોય કે પછી અન્ય કોઈ કારણસર પણ ગ્રે કલર ન પહેરી શકતા હો તો ઍટ લીસ્ટ ગ્રે કલરના રૂમાલ કે સૉક્સનો નિયમિત ઉપયોગ થઈ શકે છે. ગ્રે કલરનાં ઇનરવેઅર્સ પણ લાભદાયી પુરવાર થાય છે. દિવસ દરમ્યાન ગ્રે કલરના રૂમાલથી જો મોઢું સાફ થતું રહે તો એ ચહેરા પર રાહુનો પ્રભાવ ઊભો કરવાનું કામ કરે છે.