19 April, 2023 05:50 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આપણે વાત કરીએ છીએ ભક્તિની અને ભક્તિની વાત હોય એવા સમયે એક પ્રશ્ન સૌથી અગત્યનો બને કે ભક્તિ કરવી કઈ રીતે?
આમ તો ઘણી વાર આપણે આ વિષય પર ચર્ચા કરી છે, પણ પ્રપન્ન પારિજાતનું સૂત્ર અત્યારે મને યાદ આવે છે. ભક્તિ કરવી છે, કેશવની આરાધના કરવી છે તો ત્રણ વાતનું ધ્યાન રાખો. આ જે ત્રણ વાત છે એમાં સૌથી પહેલા સ્થાને આવે છે રાગ-દ્વેષથી મુક્ત હૃદય. હા, ભક્તિ કરવી હોય તો રાગ-દ્વેષથી મુક્ત હૃદય સાથે એ કરવી પડે.
તમારું હૃદય રાગદ્વેષથી સંપૂર્ણ મુક્ત કરી દો. એમાં જરા પણ રાગદ્વેષ ન હોવો જોઈએ અને કોઈના માટે, કોઈના પ્રત્યે રાગદ્વેષ ન હોવો જોઈએ. યાદ રાખજો કે તમે માળા કે તિલક કે પૂજાપાઠ નહીં કરો તો ચાલશે. જે રીતે રહેતા હો, જેવું તમારું જીવન હોય એમ જ રહો. બસ, તમારે એક કામ કરવાનું છે. તમારે તમારી જાતને પૂછ્યા કરવાનું છે કે રાગદ્વેષ રહ્યા? એમાં ફેર પડ્યો? સમાન તરફ પણ રહ્યા છે? સંગીતકારને પોતાના જ જાતકર્મીને દાદ આપવામાં તકલીફ પડે અને કલાકારને પોતાના જ જાતકર્મીઓનાં વખાણ કરવામાં તકલીફ પડે. ભૂલતા નહીં કે તમારો રાગદ્વેષ જ તમને ફસાવે છે. હિમાલયની ગુફામાં પાંચ વર્ષથી બેઠા હો, કંઈ તકલીફ ન હોય; પણ જો બીજો કોઈ બાજુમાં આવીને ગુફામાં બેસી જાય તો તરત તકલીફ ઊભી થાય! તમને સુંદરકાંડ આખો આવડતો હોય, કડકડાટ આવડતો હોય અને એ પછી પણ તમને ગામડાનો કોઈ માણસ મળી જાય અને તે તમને બાલકાંડની મોઢે કરેલી બે ચોપાઈઓ બોલી સંભળાવે તો તરત તમને ઈર્ષ્યા થાય!
બહુ આત્મનિરીક્ષણ કરવું જોઈએ, પણ એ ક્યારે થાય?
જો આકાશ ચોખ્ખુંચણક હોય તો જ નાનામાં નાનાં નક્ષત્રો દેખાય. એવી જ રીતે જો માણસનું હૃદયાકાશ ચોખ્ખું થશે તો જ નાનામાં નાના દુર્ગુણ કે સદગુણ પકડાશે. અંતઃકરણ ખૂબ વિશુદ્ધ રાખો અને યાદ રાખો કે આકાશમાં તારાઓ હોય જ છે. એમની ગેરહયાતી ક્યારેય હોતી જ નથી. જોકે આકાશના એ તારા ત્યારે જ દેખાય જ્યારે એના પર વાદળોનું આવરણ નથી હોતું.
તમે એક વાત સમજી લો કે તમે એવું ઇચ્છતા હો કે મને માન મળવું જોઈએ, તો તમારામાં માન નથી. એ જ કારણ છે કે તમે બીજા તરફથી માનની બડાઈ ઇચ્છ્યા કરો છો. તમે બીજાને બડાઈ આપો તો તમારા ખુદમાં એ સિદ્ધ થઈ ગયું કે તમારા ખુદમાં બડાઈ એટલી છે કે તમે બીજાને આપી શકો છો અને એ આપવામાં તમને લગીરે સંકોચ નથી. તમારામાં મહાનતા હોય તો જ તમે એ બીજાને સમર્પિત કરી શકો છો. જે પોતે મહાન હોય એ જ બીજાને મહાનતા આપી શકે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)