23 March, 2023 05:26 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આપણે વાત કરીએ છીએ વિભીષણે હનુમાનજીને દેખાડેલી ભક્તિની નવ યુક્તિઓની. એમાં આપણે અભય, અલખ અને અશોક માનસિકતાની વાત કરી. હવે વાત કરીએ આગળની છ યુક્તિની, જેમાં ચોથા નંબરે આવે છે અશંક.
દેખી પ્રતાપ ન કપી મન શંકા...
ભક્તિ કરવી હોય તેણે ભરોસો રાખવો, શંકા ન કરવી. શંકાશીલ ભક્તિ ન કરી શકે. ભરોસો રાખવો, અશંક સ્થિતિ. અશંક ચિત્ત. બીજા માર્ગોમાં તમે શંકા કરી શકો, સંદેહ કરી શકો, કોઈ ખૂબસૂરત નામ આપીને એને વ્યક્ત કરી શકો; પણ ભક્તિમાં શંકાવાળું મન ન ચાલે. મને મળશે કે નહીં?
અજવાળું દેખાશે કે નહીં દેખાય? શંકા ન ચાલે. અશંક મન. જો શંકારહિત હશો તો મેળાપ થશે અને મેળાપ તેનો જ થાય જે અશંક મન હોય.
પાંચમી યુક્તિ જે છે અ-અશુભ.
અશુભ તત્ત્વ હશે કોઈ, પણ એનો પણ નિરાદર નહીં; કારણ કે ભક્તને માટે અશુભ કશું હોતું જ નથી. ભક્તને અશુભ કશું જ ન દેખાય. એ તો ચોઘડિયાં પણ ન જુએ કે અશુભ ચોઘડિયું ચાલે છે કે શુભ ચોઘડિયું. શુભ-અશુભથી પર રહે એ જ સાચો ભક્ત.
અશુભ તત્ત્વ તરફની ઉપેક્ષા ભક્તને બાધક નથી. ભક્ત અશુભને પણ શુભમાં પરિવર્તિત કરી શકે છે. અશુભની આલોચના ન કરે તેને અશુભ દેખાય જ નહીં. બધું શુભ જ છે તેના માટે. તદૈવ લગનમ્...
કોઈ વસ્તુને અશુભ ન સમજે એટલે વ્યવહારની દૃષ્ટિએ ક્ષીર–નીર ન્યાય. આ સારું, આ નરસું, એ બધું વ્યવહારજગતમાં હોય. બાકી તેને કંઈ અશુભ ન દેખાય. ભક્ત અશુભ ન જુએ એ પાંચમી યુક્તિ અને આ પાંચમી યુક્તિને પાર કરી ગયા તો બાકીની ચાર યુક્તિ પણ સુખરૂપ પાર થઈ જશે.
બાકીની ચાર યુક્તિમાં હવે આવે છે અમૂળ.
જોઈને આદર-ભક્તિ અમૂળ હોય. નારદજીએ ગુણ રહિતમ્ કહી છે. પ્રેમ તમે કોઈના ગુણ જોઈને કરો તો જ્યારે તેનામાં દુર્ગુણ દેખાશે ત્યારે પ્રેમ નહીં કરી શકો. કોઈના મૂળ આપો, સારી વસ્તુ છે; પણ મૂળ નહીં દેખાય તો બૌદ્ધિકતાથી તર્ક કરશો કે આદર આપ્યો એ બરાબર નહોતો. હવે મૂળ નથી એટલે ટીકા કરવાની. ભક્ત આ ન કરે. તે જેવા છો એવા સ્વીકારે. પ્રેમ કોઈ દિવસ ગુણ જોઈને ન થાય, ભક્તિમાં મૂળ ન જોવાય. ભક્તિસૂત્રે મનાઈ કરી છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)