05 October, 2024 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માતા શૈલપુત્રી
આજથી આરાધના અને ઉત્સવના મહાપર્વ એવી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતા શૈલપુત્રી હિમાલયનાં દીકરી છે, જેમને સતીનો દ્વિતીય અવતાર પણ કહેવામાં આવ્યા છે. શિવજીની અર્ધાંગિની સતી માતા જ્યારે પિતા દક્ષ પ્રજાપતિના હવનમાં ગયા ત્યારે હવનમાં બધાની હાજરીમાં તેમણે પોતાના પરમેશ્વર શિવજીનું અપમાન થયું અને માતા સતી ખિન્ન થયાં અને કૈલાસ પાછા ફરવાને બદલે તેમણે એ જ યજ્ઞમાં પોતાને સમર્પિત કરી દીધાં. સમાચાર મળ્યા પછી શિવજીએ તેમના ગણ વીરભદ્રને એ યજ્ઞમાં મોકલ્યો જેણે સતીના મૃત્યુ અને શિવના અપમાનને કારણે ક્રોધિત થઈ દક્ષ પ્રજાપતિને નતમસ્તક કર્યો અને યજ્ઞનો વિધ્વંસ કર્યો. નંદીશ્વર વીરભદ્રએ યજ્ઞ કરાવતાં બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે તેઓ તેમની વિદ્યા થકી માત્ર જીવન ગુજરાન જ ચલાવી શકશે, હવે તેઓ ક્યારેય (નવું) જ્ઞાન પ્રાપ્ત કરી શકશે નહીં તો દક્ષ પ્રજાપતિને તેના અહંકારને કારણે શ્રાપ આપ્યો કે તે હવે પછીના જન્મમાં બકરા તરીકે જન્મશે અને આ જીવનમાં તેમણે હું-હું કર્યું પણ હવે એ આવતા જન્મમાં આખી જિંદગી બેં-બેં કરશે. અપરાધિત દક્ષ પ્રજાપતિ તથા બ્રાહ્મણોને શ્રાપનું પરિણામ ભોગવવું પડ્યું.
સતીના આત્મદાહથી ક્રોધે ભરાયેલા શિવજીએ સતીનો મૃતદેહ પોતાના ખભે લઈને તાંડવ કર્યું, જેને શાંત કરવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના મૃતદેહના ટુકડા કર્યા. આ દેહના ટુકડા જ્યાં-જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠો રચવામાં આવી.
સમગ્ર ઘટના પછી શિવ સમાધિસ્થ થઈ ગયા, પણ શિવજીએ એ સમયે કરેલા તાંડવ નૃત્યથી તેમના પગની જે છાપ પડી એનાથી શ્રીયંત્રની રચના થઈ. કેટલાક શાસ્ત્રજ્ઞાતાઓ અનુસાર આજનું શ્રીનગર એ સ્થાન છે જ્યાં શ્રીયંત્ર રચાયું હતું. સતીનો હિમાલય પર્વતની પુત્રી તરીકે પુન:જન્મ થયો, જે શૈલપુત્રી તરીકે ઓળખાયાં. માતા શૈલપુત્રીએ શિવજીને પતિ તરીકે પામવા કઠોર તપ કર્યું અને તેમને પામ્યાં. તેમની ધીરજ અને અથાગ સાધનાને કારણે શૈલપુત્રીની સાધના કરવાથી
સાધકમાં સ્થિરતા અને ધૈર્યના ગુણો વિકસે છે.
શૈલપુત્રીનુ વાહન વૃષભ છે. તેમના એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં કમળ છે. નવરાત્રિના પહેલા દિવસે તેમની આરાધના એટલા માટે કરવામાં આવે છે કે સાધનાના માર્ગમાં ધીરજ અને સતત પરિશ્રમ આવશ્યક છે, જેના વિના સિદ્ધિ શક્ય નથી. શૈલપુત્રીના હાથનું ત્રિશૂળ ત્રિદોષ સામેના વિવેકનું પ્રતીક છે અને હાથમાં રહેલું કમળ સ્થિરતાથી સિદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક છે.
આજની ઉપાસના
મા પરામ્બિકાના શૈલપુત્રી રૂપની આરાધના કરવા માટે તેમને લાલ રંગનું વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે અને તેમને ઘીનો ભોગ ધરવામાં આવે છે. મંત્ર આરાધના કરવા માગતા સાધકોએ હ્રીં શિવાયૈ નમઃની માળા કરવી જોઈએ. માળા કરવાથી કે મા શૈલપુત્રીની સ્તુતિ કરવાથી રોગમુક્તિ મળે અને જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ મંત્ર મૂલાધાર કેન્દ્ર પર તેનાં સ્પંદનો પ્રક્ષેપિત કરે છે, જેનાથી મૂલાધાર કેન્દ્રથી ઊર્જા ઉર્ધ્વમુખી થવાનું શરૂ થાય છે અને સાધકને સાધના દરમિયાન વિવિધ પ્રકારની અલૌકિક સુવાસનો અનુભવ થાય છે.
આજનું દાન
બાર વર્ષથી નાની ઉંમરની દીકરીઓને લીલા રંગનાં વસ્ત્ર અને કંઈ ન મળે તો લીલા રંગનું રિબન કે બકલ આપવું જોઈએ. આ ઉપરાંત કેળા, દૂધીનો હલવો કે પછી પીળા રંગની ટૉફી-ચૉકલેટ પણ આપી શકાય.
આજનો ઉપાય
એલચીને સંમોહન સિદ્ધિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવી છે એટલે આજથી મા સામે નાગરવેલના પાન પર એક સોપારી, સાત એલચી અને યથાશક્તિ દક્ષિણા મૂકી એલચી સિદ્ધ કરવા પ્રાર્થના કરવી. દરરોજ નવી એલચી મૂકી અગાઉની એલચી અન્ય જગ્યાએ એકત્ર કરતા રહેવું. અગાઉનું પાન પણ હટાવી સ્વચ્છ નવું પાન અને દક્ષિણા પણ મૂકતા રહેવું. નવ દિવસ સુધી આ ક્રમ ચાલુ રાખવો. દશેરાના દિવસે દક્ષિણાનું દાન કરવું, નાગરવેલનાં પાન અને સોપારીનું વિસર્જન કરવું અને એલચી મંદિરમાં રહેવા દેવી. જ્યારે કોઈ અગત્યના કામે જવાનું બને ત્યારે મંદિરમાં રાખેલી પેલી એલચીમાંથી એક એલચી સાથે લઈ જવી અથવા તો એને ચાવી જવી. તમારો પ્રભાવ સાવ અલગ જ પ્રકારનો તમે અનુભવશો.
આજનો કલર : પીળો
પૌરાણિકતાનું પ્રતીક ગણાતા પીળા રંગમાં શુભત્વ અને દૈવીતત્ત્વથી જોડાયેલો રંગ છે. પીળો રંગ હૂંફ આપનારો છે. હૅપીનેસ અને ક્રીએટિવિટી વધારવામાં, વિવેકબુદ્ધિ કેળવવામાં અને કમ્યુનિકેશન સ્કિલ વધારવામાં પણ પીળો રંગ ઉપયોગી છે.