05 October, 2024 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મા ચંદ્રઘંટા
આજે નોરતાંનો ત્રીજો દિવસ પણ એની પહેલાં વાત કરવાની છે વર્ષ દરમ્યાન આવતી નવરાત્રિની. વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે, જેમાંથી બે ગુપ્ત ને બે પ્રગટ નવરાત્રિ ગણવામાં આવે છે. પ્રગટ નવરાત્રિ ચૈત્ર (માર્ચ-એપ્રિલ) અને આસો (સપ્ટેમ્બર-ઑક્ટોબર)માં આવે છે તો ગુપ્ત નવરાત્રિ અષાઢ (જૂન-જુલાઈ) અને મહા (ડિસેમ્બર-જાન્યુઆરી)માં આવે છે. ચૈત્ર નવરાત્રિ તંત્રસાધકોમાં ખૂબ પ્રસિદ્ધ છે તો શારદીય નવરાત્રિ માતાની આરાધના કરનારા ભક્તોમાં પ્રચલિત છે. જોકે આ તમામ નવરાત્રિમાં એક સમાનતા છે અને એ છે સંધિકાળ.
સંધિકાળ એટલે એવો સમય જ્યાં પરસ્પર વિરોધી પરિસ્થિતિઓ સમાન ત્વરા સાથે ઉપસ્થિત હોય. જેમ કે સૂર્યોદય કે સૂર્યાસ્તનો સમય. આ એવો સમય હોય છે જ્યારે નથી રાત હોતી કે નથી દિવસ હોતો. આ જ રીતે યુગોની પણ સંધિ થતી હોય છે અને ઋતુઓની પણ સંધિ હોય છે. જેમ કે ભયંકર ઉકળાટ બાદ શિયાળાની શરૂઆત થતી હોય એ સમયને ઋતુસંધિ કહેવાય. આ સમયમાં ઇન્ફેક્શન અને અજીર્ણ જેવી શારીરિક પીડા ઊભી થાય તો અકસ્માતથી લઈને શારીરિક, માનસિક અને આર્થિક વ્યય, અસહજતા, માનસિક તનાવ જેવા અનુભવો પણ થઈ શકે. આ આડઅસરથી બચવા ઋષિમુનિઓએ જીવનશૈલીને ધર્મ સાથે જોડી જેથી એનો અમલ અને આચરણ સ્વીકૃત બને, આધ્યાત્મિકતાનું પોષણ મળવાથી મનોબળ વધે.
ત્રીજા નોરતાની સાથે આજે પ્રથમ શનિવાર પણ છે, જેથી તાંત્રિક પરિવેશમાં આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. તંત્ર શબ્દથી સૂગ ઊભી કરનાર લોકોને તંત્રનો સાચો અર્થ ને ઉદ્દેશ્ય ખબર નથી. તંત્રને સમજાવવામાં વધુ શબ્દો વેડફ્યા વિના જો ટૂંકમાં કહેવાનું હોય તો કહી શકાય કોઈ કાર્યને સફળ બનાવવા કરવામાં આવતી ચોક્કસ પ્રક્રિયા એટલે તંત્ર. તંત્રસિદ્ધિ ધરાવતાં મા ચંદ્રઘંટા જગદંબાનું ત્રીજું રૂપ છે. શાસ્રોમાં ચંદ્રઘંટાનું રૂપ વર્ણવતાં લખાયું છે, ચન્દ્રઃ ઘણ્ટાયાં યસ્યાઃ સા આહ્લાદકારી.
અથાર્ત્, જેમના મુગુટમાં ચંદ્ર સ્થિત છે ને જે ઉત્સાહ સાથે આનંદ આપવાનું કામ કરે છે એ એટલે કે દેવી ચંદ્રઘંટા. પહેલા બે દિવસ દરમિયાન માતાજીનું જે રૂપ હતું એમાં તેમના બે હાથ દર્શાવવામાં આવ્યા છે, પણ શક્તિએ સ્થિરતા અને ધૈર્ય સાથે જે ઉગ્ર તપ કર્યું એના પ્રતાપે તેમનામાં અલૌકિક ક્ષમતાઓનો આવિર્ભાવ થયો, જે મા ચંદ્રઘંટાના રૂપમાં દેખાય છે. મા ચંદ્રઘંટાને દસ હાથ છે અને તે વાઘની સવારી કરે છે તો મસ્તક પર રહેલો ચંદ્ર દર્શાવે છે કે સાધકે હવે મનની વૃત્તિઓ ઉપર વિજય મેળવવાનો છે.
આજનો ઉપાય
આ વર્ષની શારદીય નવરાત્રિમાં આવેલો આ પ્રથમ શનિવાર છે. ઉપાય કર્મમાં એનું વિશેષ મહત્ત્વ છે. પતિપત્ની વચ્ચે અણબનાવ અત્યારના સમયમાં ઘર-ઘરની વાત છે, જે દૂર કરવા માટે આજનો ઉપાય ખૂબ ઉપયોગી છે. આજે સાંજે સૂર્યાસ્તના સમયે પીપળાના વૃક્ષ પાસે જઈ એક માટીનો દીપક પ્રગટાવી માતાને અર્પણ કરવો. ઘીથી દીપક કરવો અને માતાજીને પોતાના જીવનસાથી માટે પ્રાર્થના કરવી કે એ વાત સાચી હોવા છતાં ગ્રાહ્ય નથી કરતા તો મારી આ પ્રાર્થના સાથે એ વાતને સ્વીકારતાં શીખે. એક વાત યાદ રહે, પ્રાર્થનામાં શબ્દો કરતાં અંતરથી નીકળેલા ભાવનું મહત્ત્વ વધારે છે. સંધ્યા સમયે શક્ય ન હોય તો દિવસ દરમિયાન કોઈ પણ સમયે આ કાર્ય કરી શકાય, પરંતુ આજે શનિવારે જ આ કાર્ય કરવું જરૂરી છે.
આજનું દાન
આજે સફેદ રંગની મીઠાઈ ગરીબોમાં દાન કરવી તો હનુમાન મંદિરમાં જઈ પાનનું એક બીડું અર્પણ કરવું. આ બન્ને પ્રયોગોથી તમામ ક્ષેત્રે સરળતા ઊભી થશે અને લક્ષ્મીકારક યોગનું જીવનમાં સર્જન થશે.
આજની ઉપાસના
સાધકના મૂલાધાર ચક્રથી ઉર્ધ્વમુખી થયેલી શક્તિ આજે મણિપુર ચક્રમાં પ્રવેશે છે. આ ચક્ર સંતોષ અને હાશકારાની લાગણી સાથે ડર કે ઈર્ષ્યાનું કેન્દ્ર ગણાય છે. અહીં સ્થિર થયેલી શક્તિ નકારાત્મકતા તરફ વળે ત્યારે ડર અને ઈર્ષ્યા પેદા કરે તો હકારાત્મકતા સાથે એ સંતોષની લાગણી જન્માવે. આજની આરાધના માટે માતાને ગાયના દૂધમાંથી બનેલી ખીરનું નૈવેદ્ય આપવામાં આવે છે. મંત્રસાધના કરવા સાધકોએ ઐં શ્રીં શક્તયૈ નમઃ ની માળા કરવી. માતા ચંદ્રઘંટાની સાધના સર્વ કષ્ટ અને દુ:ખોથી મુક્તિ આપનાર છે.
આજનો કલર : ગ્રે
ગ્રે એટલે કે ભૂખરો છે. ભૂખરો કલર શ્વેત અને શ્યામ એમ બે કલરની વચ્ચેનો કલર છે, જે અંધકારથી પ્રકાશ તરફની ગતિ પણ દેખાડે છે અને પ્રકાશથી અંધકાર તરફની ગતિ પણ દર્શાવે છે. જો વ્યક્તિમાં આસ્થા કે ધાર્મિકતા હોય તો એ નકારાત્મકતાથી સકારાત્મકતા તરફ આગળ વધે છે અને આ કાર્ય મા ચંદ્રઘંટા શ્રેષ્ઠ રીતે કરે છે.
- ધર્મેશ રાજદીપ