નવરાત્રિ સ્પેશ્યલ: સર્વ સિદ્ધિ આપે છે માતા સિદ્ધિદાત્રી

11 October, 2024 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવમો દિવસ મા સિદ્ધિદાત્રીનોઃ હ્યીં ક્લીં એં સિદ્ધયે નમઃનું પઠન કરવાથી મા સિદ્ધિદાત્રી પ્રસન્ન થાય છે અને જીવનના તમામ ક્ષેત્રની સિદ્ધિ પ્રાપ્ત થાય છે

મા સિદ્ધિદાત્રી

અસુર દનુના, રંભ અને કરંભ નામે બે દીકરા હતા. રંભને અગ્નિદેવ પાસે પરાક્રમી સંતાન પ્રાપ્ત કરવા વરદાન મળ્યું હતું, જેનું નામ મહિષાસુર. આ મહિષાસુરનો જન્મ ભેંસની કૂખે થયો હોવાથી તેના માથા પર બે મોટાં શિંગડાં હતાં. મહિષાસુર શાંબરી માયાનો પ્રયોગ જાણતો હોવાથી તે યુદ્ધ મેદાનમાં પોતાના જેવા દેખાતા અસંખ્ય મહિષાસુર ઉત્પન્ન કરી શકતો અને આ ઉપરાંત તે કોઈ પણ પ્રાણીનું વિકરાળ રૂપ ધારણ કરવાની ક્ષમતા પણ ધરાવતો હતો. મહિષાસુરે પણ કઠોર તપ કરી બ્રહ્મા પાસે વરદાન પ્રાપ્ત કર્યું કે દેવ-દાનવ અને મનુષ્યમાંથી કોઈ તેનો વધ ન કરી શકે, માત્ર કોઈ સ્ત્રીના હાથે જ તેનું મોત શક્ય બને. આવું વચન પ્રાપ્ત કરી મહિષાસુરે ભીષણ યુદ્ધ કરી ત્રણેય લોકનું શાસન પ્રાપ્ત કરી લીધું. સ્વર્ગલોક હાંસિલ કરવા માટે જે યુદ્ધ થયું એમાં તેણે માત્ર ઇન્દ્ર જ નહીં પણ કાર્તિકેય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ મેદાન છોડી જવા મજબૂર કરી દીધા. આ વાત પરથી અંદાજ લગાવી શકાય કે પરાક્રમી મહિષાસુરનો વધ કરનારી મા જગદંબાની શક્તિ કેટલી પ્રબળ છે. જેમની આરાધના કરતાં આજે નોરતાના છેલ્લા દિવસની ઉપાસનાએ આપણે પહોંચી ગયા છીએ.

સો વર્ષ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કરી ઇન્દ્રાસન ગુમાવનાર દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા ત્યારે વિષ્ણુજીએ મહિસાષુરના વધ માટે અલૌકિક શક્તિ ધરાવતી દેવીની ઉત્પત્તિનો માર્ગ બતાવ્યો હતો. એ પછી ત્રિદેવના શરીરમાંથી એક તેજપુંજ નીકળે છે જેમાં તમામ દેવોની શક્તિ સમર્પિત થતાં અઢાર ભુજાવાળાં દેવીની ઉત્પત્તિ થઈ, જેને મહાલક્ષ્મી તરીકે શાસ્ત્રોમાં વર્ણવ્યાં છે. એક વાત યાદ રહે, લક્ષ્મી અને મહાલક્ષ્મી બન્ને અલગ-અલગ શક્તિઓ છે. લક્ષ્મી વિષ્ણુજીનાં પત્ની છે, તેમનું રૂપ સૌમ્ય છે; જ્યારે મહાલક્ષ્મી મહિષાસુરનો વધ કરવા પ્રગટ થયેલાં દેવી છે જેઓ સૌમ્યાતિસૌમ્ય તથા રૌદ્રાતિરૌદ્ર રૂપ ધરાવે છે.

દેવપુંજથી ઉદ્ભવેલાં મહાલક્ષ્મીને દેવોએ પોતપોતાનાં અસ્ત્રો-શસ્ત્રો આપ્યાં. મહાલક્ષ્મી દેવી રણમેદાનમાં અસુરોનો નાશ કરતી વખતે એક હજાર ભુજાવાળી થઈ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, જેને જોઈ અસુરોની સેનામાં નાસભાગ મચી જાય છે. મહિષાસુરનો વધ કરતાં પૂર્વે દેવીએ રણમેદાનમાં એવા પણ અનેક દૈત્યોનો નાશ કર્યો જે ભવિષ્‍યમાં મહિષાસુરથી પણ વધારે વિકરાળ બનવાના હતા.

આજની ઉપાસના

આજે માતાજીને નૈવેદ્યમાં નારિયેળ અર્પણ કરવામાં આવે છે તો નૉર્થ ઇન્ડિયામાં આજના દિવસે માતાજીને ખીરનો પ્રસાદ પણ ધરવામાં આવે છે. મંત્રસાધના કરવા ઇચ્છતા સાધકોએ હ્યીં ક્લીં એં સિદ્ધયે નમઃ નું પઠન કરવું જોઈએ. જો આ મંત્રનું નિયમિત પઠન કરવામાં આવે તો પણ એ લાભદાયી પુરવાર થાય છે. નવેનવ દિવસ માતાની ઉપાસના કરનારા સાધકની કક્ષા સામાન્ય લોકોથી ઉચ્ચ સ્તરે જોવા મળે છે અને માતા તેમને અનેક સિદ્ધિઓનો ઉપહાર આપે છે. 

આજનું દાન

નવરાત્રિના અંતિમ દિવસે શ્રદ્ધા સાથે દાનધર્મ કરવાનો મહિમા છે. મા ભગવતી તમને જે પ્રેરણા આપે એનું આજે દાન કરવું જોઈએ. શક્તિની ઉપાસનામાં કહેવાયું છે કે તમારી શક્તિથી વિશેષ માતાની સેવા કરવી. દાનમાં કંઈ ન સૂઝે તો આજે જરૂરિયાતમંદ લોકોને તમારી પાસે રહેલી એ વસ્તુઓ દાન કરવી જેનો છેલ્લાં બે વર્ષથી તમે સ્પર્શ પણ ન કર્યો હોય. જેને તમે બે વર્ષથી સ્પર્શ સુધ્ધાં નથી કર્યો એ વસ્તુ તમારા કામની કઈ રીતે હોઈ શકે? તમારા માટે જે બિનઉપયોગી છે એ કોઈ માટે કામની હોઈ શકે. બિનઉપયોગી ઘરમાં રહેલી વસ્તુઓ તમારા મન અને બુદ્ધિને બાંધે છે અને વિચારોમાંથી સ્પષ્ટતા હણે છે. 

આજનો ઉપાય

ઘર-કંકાસ દૂર કરવા અને આર્થિક સમૃદ્ધિ માટે આજનો ઉપાય. એક કાચની બૉટલ કે જારમાં ચોખા, મગ, કાળા અડદ, બાજરી, જુવાર, મકાઈ અને ઘઉં થોડી-થોડી માત્રામાં ભરવા અને પછી એના પર પાંચ રૂપિયાના ચાર સિક્કા મૂકવા. આ પાત્રને ઘરના ડાઇનિંગ ટેબલ પર કે ડ્રૉઇંગરૂમમાં ક્યાંય પણ મૂકી શકાય. યોગ્ય જગ્યા ન મળે તો કિચનમાં પણ રાખી શકાય. બસ, નિયમ એટલો કે એના પર ઘરના મેમ્બરની નજર પડતી રહેવી જોઈએ. સાત અઠવાડિયાં પછી જારમાં રહેલું એ અનાજ પક્ષીઓને ચણ તરીકે આપી દેવું અને સિક્કા જરૂરિયાતમંદને આપવા. બરણી ખાલી થઈ જાય એટલે ફરી આ જ વાતનું પુનરાવર્તન કરવું. પહેલા દિવસથી ઘરમાં શાંતિનો અનુભવ થશે.

આજનો રંગ : પર્પલ

આજનો કલર છે પર્પલ એટલે કે જાંબલી. પર્પલ કલર મહત્ત્વાકાંક્ષા અને સમૃદ્ધિ દર્શાવે છે. આ રંગ આધ્યાત્મિકતા અને રોમૅન્સ પણ રેપ્રિઝેન્ટ કરે છે. મહિલાઓએ પર્પલ કલરનો ઉપયોગ જેટલો વધારે થઈ શકે એટલો કરવો જોઈએ જે તેને જીવનમાં સમૃદ્ધિ, સત્સંગ અને સ્નેહ એમ ત્રણ સ્તરનો અનુભવ કરાવશે, જેના માટે તે હંમેશાં ઇચ્છા રાખતી હોય છે.

 

- ધર્મેશ રાજદીપ

navratri Garba astrology life and style columnists