નવરાત્રિ સ્પેશ્યલ: અકાળ મૃત્યુથી બચાવે છે મા કાલરાત્રિ

09 October, 2024 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાતમો દિવસ મા કાલરાત્રિનો : ક્લીં ઐં શ્રી કાલિકાયૈ નમઃનું પઠન કરવાથી અકાળ મૃત્યુથી રક્ષણ મળે છે અને સાથોસાથ અચાનક આવનારી આપત્તિઓ પણ દૂર રહે છે

મા કાલરાત્રિ

સાતમા નોરતાનાં માતાજી વિશે વાત કરતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા, કાલિકા અને કાલરાત્રપિ એક જ છે. દેવી ભાગવતમાં મહિષાસુર વધ વખતે તેમની ઉત્પત્તિનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ મુજબ તેમની ઉત્પત્તિ માતા દુર્ગાના લલાટમાંથી થઈ હતી, તો શુમ્ભ-નિષુમ્ભના વધ માટે જ્યારે શક્તિનું પ્રાગટ્ય થયું એ પ્રસંગમાં કાલિકાને જ કાલરાત્રિ કહ્યાં છે. ભગવતી પાર્વતીના વિગ્રહકોશમાંથી અંબિકા પ્રગટ થયાં, જે કૌશિકી તરીકે ઓળખાયાં. માતા પાર્વતીના શરીરમાંથી માતા કૌશિકીના નીકળી જવાથી પાર્વતીજીનું શરીર શ્યામ વર્ણનું થઈ ગયું, જે રૂપ કાલિકા તરીકે ઓળખાયું. આ રૂપ મહાભયંકર હતું. માતાના આ રૂપને કાળનો પણ કાળ ગણવામાં આવ્યું છે. આથી જ તે કાલરાત્રિ તરીકે ઓળખાયાં. શાસ્ત્ર કહે છે કે તેમના એક નિશ્વાસ માત્રથી સમગ્ર બ્રહ્માંડનો વિનાશ થઈ શકે છે તો શાસ્ત્રો કહે છે કે મા કાલરાત્રિના ચહેરા પર કરોડો સૂર્યનું તેજ છે. આટલું તેજ હોવા છતાં પણ છતાં લોકશિક્ષા માટે માતા રાક્ષસો સાથે યુદ્ધ કરી તેમનો નાશ કર્યો હતો. નવરાત્રિનો આજનો એટલે કે સાતમા નોરતાના દિવસે માતા કાલરાત્રિના સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ અતિવિકરાળ છે. તેમણે ગર્દભની સવારી કરી છે. માતા કાલરાત્રિની ચાર ભુજામાંથી બે ભુજામાં ખડગ અને શૂળ છે તો બાકીના બે હાથ ભક્તોને આશીર્વાદ આપતા વરદ મુદ્રામાં અને અભય મુદ્રામાં છે. 

આજની ઉપાસના 
આજે મંત્ર ઉપાસના કરવા ઇચ્છતા સાધકોએ ક્લીં ઐં શ્રી કાલિકાયૈ નમઃ મંત્રનું આહ્વાન કરવું જોઈએ. મા કાલરાત્રિની ઉપાસના અકાલ મૃત્યુથી રક્ષણ આપે છે તો વાસ્તુશાસ્ત્રમાં પણ મા કાલરાત્રિ અત્યંત લાભદાયી છે. જે લોકોના ઘર કે ઑફિસનો નૈઋત્ય ખૂણો વાસ્તુદોષપૂર્ણ છે તેમણે આજે માતાને પોતાના તથા પરિવારના રક્ષણ માટે વિશેષ પ્રાર્થના કરી માતાને નૈવેદ્યમાં ગોળ અર્પણ કરવો જોઈએ. આજની આરાધના સહસ્ત્રદલચક્ર સાથે જોડાયેલી છે જે આરાધકને તમામ લૌકિક અલૌકિક સુખ આપવા સક્ષમ છે.

આજનું દાન
આજે જરૂરિયાતમંદોને સીધુસામાનની કિટ બનાવી દાનમાં આપવી જોઈએ. આ કિટમાં અનાજ, ચા-ખાંડ, ગોળ, ઘી, લોટ જેવી સામગ્રી ભરવાની હોય છે. આ કિટનો ઉપયોગ જ્યારે એ કુટુંબના સભ્યો કરશે ત્યારે દાન આપનારી વ્યક્તિના ઘરના વાસ્તુદોષથી બચાવ થાય છે તો આ ઉપરાંત ઘરમાંથી રોગ-શોક દૂર થશે જ્યારે ઘરમાં અજંપાનું જે વાતાવરણ રહેતું 
હોય છે એ પણ શાંત થાય છે અને મન પ્રફુલ્લિત થાય છે. એક ખાસ વાત, જો ફાયદો મળે તો આ પ્રયોગ નવરાત્રિ સિવાયના દિવસોમાં પણ નિયમિત રીતે કરી શકાય છે. જો આજે કિટ આપી ન શકાય તો કીડી-મંકોડા હોય ત્યાં નારિયેળના છીણ અને તલ સાથે ખાંડનો ભૂકો ભેળવી એ સ્થાન પર વેરવો. જેમ-જેમ એ જીવ આ મિશ્રણ આરોગશે એમ-એમ જીવનમાં શાંતિ અને સૌહાર્દ સાથે પ્રગતિ થશે. ક્યારેય ભૂલવું નહીં, કરુણા દૈવીય ગુણ છે અને કરુણાથી પ્રેરાઈને કરવામાં આવેલું કાર્ય મા જગદંબાને ખુશ કર્યા વિના રહે નહીં.

આજનો ઉપાય

આજે સપ્તમી છે, જે લક્ષ્મીપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. નવરાત્રિની સપ્તમી નિમિત્તે થોડી માત્રામાં પણ સોનું કે ચાંદી ખરીદવાં જોઈએ, એનાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. આ કાર્ય કરવા જતાં પહેલાં કુળદેવી માતાને પ્રાર્થના કરી, મોં મીઠું કરીને બજારમાં જવું.આવતી કાલે અષ્ટમી છે. ઘણા અષ્ટમી નિમિત્તે કુળદેવી માતાનું નૈવેદ્ય કરવા તેમના સ્થાનકે જતા હોય છે. આથી તેમના માટે આજે એક ઉપાય અગાઉથી, જેથી આયોજન થઈ શકે. હવેના બન્ને દિવસ બ્રાહ્મમુહૂર્તમાં જાગીને રામરક્ષા-કવચનો પાઠ ૧૧ વખત કરવો. એનાથી ધન, સંપત્તિ મેળવવામાં તથા નોકરીધંધામાં પ્રગતિનો માર્ગ સરળ બને છે.

આજનો રંગ : રૉયલ બ્લુ
આજનો રંગ છે બ્લુ, પણ આ બ્લુમાં આસમાની બ્લુની વાત નથી, રૉયલ બ્લુની વાત છે. રૉયલ બ્લુ લક્ઝરી દર્શાવે છે. આ કલરનો મહત્તમ ઉપયોગ કરનારના જન્માક્ષર શનિપ્રધાન હોવાની સંભાવના વધારે રહેલી છે. રૉયલ બ્લુ કલર જેને પસંદ હોય એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જિદ્દી હોય છે તો સાથોસાથ એ વાતને પડતી મૂકવાની ક્ષમતા ધરાવતા નથી. રૉયલ બ્લુ કલરનો મહત્તમ વપરાશ કરવાથી સંઘરેલું ધન વાપરવાની માનસિકતા ડેવલપ થાય છે. 

- ધર્મેશ રાજદીપ

astrology navratri Garba life and style festivals gujarati community news