08 October, 2024 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મા કાત્યાયની
આજે શારદીય નવરાત્રિનું છઠ્ઠું નોરતું, આજે નવદુર્ગાના કાત્યાયની રૂપની આરાધના કરવામાં આવે છે. અસુરરાજ મહિષાસુરના ત્રાસથી ત્રણેત્રણ લોક જ્યારે ત્રાહિમામ હતા ત્યારે મહર્ષિ કાત્યાયને મહિષાસુરના વધ માટે, મા ભગવતીની સૌપ્રથમ આરાધના કરી અને માતાને પ્રસન્ન કર્યાં. તેમની એકમાત્ર ઇચ્છા હતી કે દેવીમાતા અસુરોના નાશ માટે પુત્રીરૂપે તેમના ઘરમાં જન્મે. સૌના ઉદ્ધાર માટે પરમેશ્વરી કાત્યાયન ઋષિના આશ્રમમાં પ્રગટ થયા અને ઋષિએ દેવીમાતાને પોતાનાં પુત્રી તરીકે આવકાર્યાં અને માતાએ કાત્યાયનને આશ્વસ્ત કર્યા કે તેમનું આ સ્વરૂપ કાત્યાયન પુત્રી તરીકે ઓળખાશે અને નવદુર્ગા સ્વરૂપે મહિષાસુરનો વધ કરશે. દેવીના આશીર્વાદથી ઋષિ કાત્યાયને યજ્ઞ, શ્રાદ્ધ તથા અનુષ્ઠાન પર મહત્ત્વના ગ્રંથની રચના કરી હતી જે ‘કાત્યાયન સ્મૃતિગ્રંથ’ તરીકે પ્રસિદ્ધ છે. કાત્યાયની માતાએ સિંહ પર સવારી કરી છે. તેમને ચાર ભુજાઓ છે. એમાંથી એકમાં કમળ, બીજામાં તલવાર તથા ત્રીજી ભુજા અભય મુદ્રામાં અને ચોથી વરદ મુદ્રામાં છે. ભગવાન શ્રી રામ અને કૃષ્ણએ પણ માતાના આ સ્વરૂપની આરાધના કરી હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
સુયોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે માતા કાત્યાયનીની ઉપાસના પ્રસિદ્ધ છે. ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ માટે ગોકુળની ગોપીઓએ કાત્યાયનીનું વ્રત કર્યું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
આજનો ઉપાય
જેમનાં બાળકોનાં લગ્ન નથી થતાં તેમના માટે આજનો ઉપાય. આવાં સંતાનોનાં માતા-પિતાએ પીળા રંગનો કાગળ લઈ (જો પોસ્ટકાર્ડ મળે તો બેસ્ટ) માતાજીને પત્ર લખતા હોય એમ સરનામું લખવું અને એમાં પુત્ર કે પુત્રીનાં લગ્ન ગોઠવાય એ માટે પ્રાર્થના કરતી વિનંતી કરવી. પત્રની નીચે હળદરથી સંતાનની માતાના હાથની પાંચ આગળીઓની છાપ પાડવી અને આ પત્ર, સાથે થોડી મીઠાઈ અને દક્ષિણા મૂકી, જે માતાજીને પત્ર લખ્યો હોય તેમના નજીકના મંદિરે જઈ બધું અર્પણ કરી દેવું. મીઠાઈ કે કોઈ વસ્તુ પાછી લેવાની નથી. દયામયી માતા ચોક્કસ કૃપા કરશે. આખી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનો હિસ્સો ભક્તનો ભાવ છે. જેટલા ભાવુક બની માતાને અરજી કરશો એટલી સફળતાની શક્યતા વધી જશે.
આજની ઉપાસના
મંત્ર ઉપાસના કરવા ઇચ્છતા સાધકોએ આજે ક્લીં શ્રીં ત્રિનેત્રાયૈ નમ: નો મંત્ર કરવો જોઈએ. આજે માતાને નૈવેદ્યમાં મધ અર્પણ કરવામાં આવે છે, જેને કારણે સાધકોના ચહેરા પર એક અલગ પ્રકારની આભાનું નિર્માણ થાય છે. જો યોગ્ય રીતે અનુષ્ઠાન થયું હશે તો પરિવારના સભ્યો પણ બહુ ઝડપથી તમારી આ આભા નોટિસ કરતા થઈ જશે. આજે સાધકની કુંડલિની શક્તિ આજ્ઞાચક્રમાં સ્થિત થાય છે. હવે એ સ્ટેજ આવી ગયું છે કે પોતાના કલ્યાણની કામનાથી સાધકે માત્ર હકારાત્મક વિચારો જ પોતાનામાં સ્થાપિત કરવા. ઉત્સાહી તથા હકારાત્મક વાતો જ કહેવી અને સાંભળવી અને નકારાત્મક માનસિકતા ધરાવતા લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો.
આજનું દાન
આજે જરૂરિયાતમંદ બાળકોમાં નોટબુક, પેન-પેન્સિલ અથવા પ્રેરણાદાયી પુસ્તકોનું દાન કરવું જોઈએ. નાનામોટા સૌકોઈને આ પ્રકારનાં પુસ્તકોની ભેટ આજે આપવી જોઈએ. પુસ્તકો નવાં હોય કે જૂનાં, કોઈ ફરક નથી પડતો. ઘરે પડેલાં પુસ્તકો પણ યોગ્ય પાત્રને આપી શકો છો. આ પુસ્તકો જેમ-જેમ લોકો વાંચતા જશે, મહત્તમ ઉપયોગ કરતા થશે એમ-એમ તમારા જીવનમાં હકારાત્મક સંકલ્પશક્તિ વિકસશે. તમે કલ્પના કરો એ પહેલાં જ તમારી ઇચ્છાઓ પૂર્ણ થતી હોય એવું પણ તમે અનુભવશો.
આજનો કલર : લાલ
આજનો રંગ લાલ છે. લાલ રંગ રક્તનો છે, જે સૌ જાણે છે અને રક્ત જીવનમાં કેટલું અનિવાર્ય છે એ પણ સૌ જાણે છે. લાલ રંગનું પણ એવું જ છે. લાલ રંગ બે બહુ મોટા વિરોધાભાસ કે અંતિમ દર્શાવે છે. પ્રેમ પણ લાલ રંગ દર્શાવે છે અને આક્રોશ પણ લાલ રંગ થકી રજૂ થાય છે. લાલ રંગ જેને પસંદ હોય છે તે મોટા ભાગે અંતિમવાદી હોવાનું જોવા મળ્યું છે.
- ધર્મેશ રાજદીપ