04 October, 2024 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મા બ્રહ્મચારિણી
નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. તેમણે તપસ્વિની સમાન સફેદ સાડી ધારણ કરી છે જેની કિનારો લાલ રંગથી આચ્છાદિત છે. બીજા નોરતા સુધી માતાનું સ્વરૂપ એક માનવીય આકૃતિ સમાન રહે છે, એમાં દુર્ગા શક્તિની કોઈ પ્રકારની ઇમેજ હજી જોવા મળતી નથી. શૈલપુત્રી અને બ્રહ્મચારિણી બન્ને રૂપમાં તેમના શરીર પર બે હાથ જ વર્ણવાયા છે. તેમના હાથમાં નથી કોઈ શસ્ત્રો છે કે નથી સિંહ કે અન્ય એવા જોરુકા વાહનની સવારી, એમાં પણ તેમનું આભાન્વિત કુમારી તપસ્વિની કન્યાનું રૂપ સાધક માટે પ્રરણાદાયી છે જે ઇંગિત કરે છે કે સાધનામાં સ્થિરતા સાથે પ્રમાદ રહિત અનુષ્ઠાનથી દિવ્યતા પ્રગટે છે.
સિદ્ધિની પ્રાપ્તિ ઇચ્છનારે તમામ પ્રકારના સુખ અને પ્રમાદને ત્યજીને લીન થવું અત્યંત આવશ્યક છે. શિવને પામવા માતા શૈલપુત્રી જંગલમાં તપસ્વીના વેશમાં ગયા અને કઠોર સાધના કરી. મહેલનાં તમામ સુખ ત્યજી, તે વનમાં સ્થિર થયાં અને આ જ કારણે તે દેવી બ્રહ્મચારિણી કહેવાયાં. તેમના એક હાથમાં અક્ષમાળા તથા બીજા હાથમાં કમંડળ છે, જે સાધનાની એકલક્ષતા અને પરાયણતા દર્શાવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ રૂપમાં માતાજીએ ઉપવાસ સાથે એક હજાર વર્ષનું તપ કર્યું ત્યારે દેવગણ તેમની સામે ઉપસ્થિત થયો અને માતાની સ્તુતિ કરી આશિષ આપ્યા કે યોગ્ય સમયે તેમના વિવાહ ભગવાન શિવ સાથે જ થશે. કહે છે કે માતા બ્રહ્મચારિણી જેવી કઠોર તપસ્યા અગાઉ કોઈએ કરી નહોતી અને પછી પણ કોઈએ કરી નથી.
નવરાત્રિમાં જ્યારે માના આશીર્વાદ મેળવવા, સિદ્ધિ, ભક્તિ કે ઐશ્વર્ય મેળવવા સાધક વ્રત કરે, આરાધના કરે છે ત્યારે પ્રથમ નોરતે, મૂળાધાર કેન્દ્રથી જાગૃત થયેલી કુંડલિની શક્તિ સ્વાધિષ્ઠાન કેન્દ્રમાં સ્થિર થાય છે.
ભૂખ-તરસ જેવા લૌકિક અનુભવોથી એ આગળ વધવાનું શરૂ કરે છે અને એની સાધના પ્રગાઢ બનવા લાગે છે.
આજની ઉપાસના
હ્યીં શ્રીં અંબિકાયૈ નમઃ એ મા બ્રહ્મચારિણીનો મંત્ર છે. આજે માને સેવંતીનું પુષ્પ અર્પણ કરવામાં આવે છે અને નૈવેદમાં સાકરનો પ્રસાદ અર્પવામાં આવે છે. મા બ્રહ્મચારિણી જીવનમાં આનંદ આપવાની સાથોસાથ સંતોષ આપીને વ્યક્તિનો અભાવ દૂર કરે છે. પારિવારિક કંકાસ, નિર્ધનતા દૂર કરવાની સાથોસાથ જીવનમાં નવી તકોના સર્જન માટે માતા બ્રહ્મચારિણીનું પૂજન ફળદાયી રહે છે.
આજનું દાન
આજે ગરીબોને ખીર-પૂરી કે અન્ય કોઈ સાકરયુક્ત ભોજન આપવાથી મા પ્રસન્ન થાય છે. પારિવારિક કજિયા કે કંકાસનો સામનો કરતા લોકોએ આજે આ દાન ચોક્કસપણે કરવું જોઈએ અને ઘરના તમામ સભ્યોએ પણ એમાં સામેલ થવું જોઈએ. ધારો કે કોઈ સાથ ન આપે તો ઉગ્ર થયા વિના પ્રસન્ન ચિત્તે પણ આ દાન કાર્ય કરવું રહ્યું. આ કાર્યમાં વિઘ્ન આવે તો માનવું કે નકારાત્મક ઊર્જાને એના અસ્તિત્વ સામે જોખમ દેખાયું છે એટલે ધીરજથી શાંત ચિત્તે કાર્યને સંપન્ન કરવું.
આજનો ઉપાય
જે સાધકો તેમના વેપાર-ધંધામાં પ્રગતિ ઇચ્છે છે તેમના માટે પણ આજનો દિવસ મહત્ત્વનો છે. પાનવાળાને ત્યાંથી આજે દસ મીઠાં પાન ખરીદવાં જેમાં સોપારી કે ચૂનો નહીં નખાવવાનો, એ સિવાય મીઠા પાનમાં આવતી તમામ વસ્તુઓ નખાવવી. પાન તૈયાર કરવાં. આ દસ પાન લઈ કોઈ પણ માતાજીના મંદિરે જવું અને ત્યાં જઈ અગાઉ કરેલી ભૂલો માટે ક્ષમા માગી પોતાના વેપાર-ધંધામાં સહાય માટે પ્રાર્થના કરવી. સાથે લીધેલાં દસમાંથી એક પાન માતાજીને અર્પણ કરવું અને બાકીનાં નવ પાન નાની-નાની કન્યાઓમાં વહેંચી દેવાં. જો સાથે યથાશક્તિ દક્ષિણા આપી શકાય તો અતિ ઉત્તમ.
આજનો કલર : ગ્રીન
ગ્રીન કલર પ્રોગ્રેસ એટલે કે વિકાસ સૂચવે છે તો સાથોસાથ એ માનસિક શાંતિ પણ દર્શાવે છે. વ્યક્તિને માનસિક શાંતિ ત્યારે જ મળે જ્યારે વ્યક્તિ પોતાના વિકાસથી સંતુષ્ટ હોય. જે છે એ ઓછું લાગતું હોય કે પોતે જે કરે છે એની આર્થિક કે માનસિક કિંમત નથી થતી એવો ભાવ મનમાં આવતો હોય તે ક્યારેય વિકાસની શાંતિનો અનુભવ નથી કરી શકતા.
- ધર્મેશ રાજદીપ