કુદરતી પ્રક્રિયામાં સતત હિંસા જ હિંસા રહી છે

13 December, 2022 05:17 PM IST  |  Mumbai | Swami Satchidananda

પાપ-પુણ્યનો સંબંધ માત્ર સ્થૂળ ક્રિયાથી જ નથી હોતો, મનોભાવથી હોય છે. પશુ-પક્ષીઓ પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરે છે. એમને ખબર જ નથી કે એમના શ્વાસોચ્છ્વાસથી હિંસા થાય છે. તેઓ કુદરતસહજ જીવન જીવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ગઈ કાલે કહ્યું એમ સૂક્ષ્મ જીવાણુઓને ન મારીએ કે ન મરાવીએ તો આપણે હવા ગ્રહણ ન કરી શકીએ, પાણી પી ન શકીએ અને આહાર પણ ગ્રહણ કરી શકીએ નહીં. એટલે આ પ્રકારની અહિંસા અવ્યાવહારિક જ ગણાય. એ શક્ય જ નથી. હવે આપણે કુદરતી પરિપ્રેક્ષ્યમાં આ જ વસ્તુસ્થિતિને જોઈએ.

ઘઉં, બાજરી વગેરે અનાજ વાવ્યા પછી બે-ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે. તૈયાર થયા પછી એના છોડ આપોઆપ સુકાવા લાગે. પછી ગમે એટલું પાણી પીવડાવો તો પણ એમને લાંબો સમય જીવિત રાખી શકાય નહીં. આ કુદરતી વ્યવસ્થા છે. એમનાં કણસલાંનું અનાજ મનુષ્યો માટે અને છોડના પૂળા પશુઓના આહાર માટે કામમાં આવે છે. એ ખેતીથી અસંખ્ય માણસો તથા અનેકાનેક પશુ-પક્ષીઓ વગેરે જીવન ધારણ કરે છે. આવી ખેતીને મહાપાપ ગણવી એ જ મહાપાપ છે. 

માનો કે આખો દેશ ખેતીને મહાપાપ માનનારો થઈ જાય અને ખેતી કરવાની બંધ કરે તો શું થાય? 

એક રીતે આ વાત માનવદ્રોહ અને જીવમાત્રનો દ્રોહ કર્યો કહેવાય. રાષ્ટ્ર ભૂખે મરે, પશુ-પક્ષીઓ ભૂખે મરી જાય. ઉપનિષદો કહે છે : અનં બહુકુર્વિત તદ્ગતમ્.

અર્થાત્ અનાજના ઢગલેઢગલા પેદા કરજો. આ તમને વ્રત આપવામાં આવે છે. 

ગુરુકુળથી ભણી-ગણીને વિદાય થતા વિદ્યાર્થીઓને ઋષિનો આ ઉપદેશ છે જેનું તેમણે પાલન કરવાનું છે. 

ફરી-ફરીને એક જ પ્રશ્ન થાય છે કે ભલે હવા-પાણી-અનાજ વગેરે વિના જીવી ન શકાય, પણ અમાં અસંખ્ય જંતુઓ રહે છે અને મરે છે એ વાત તો સાચીને? 

હા, એ વાત સાચી. 

‘તો પછી એમાં પાપ લાગે કે ન લાગે?’ 

આનો ઉત્તર છે : ‘ના લાગે.’ 

આ પણ વાંચો :  અહિંસાનો નિયમ પાળો તો ખેતી થઈ જ ન શકે

આ કુદરતી પ્રક્રિયા છે. કુદરતી પ્રક્રિયામાં સતત હિંસા જ હિંસા છે. એને તમે રોકી શકો નહીં. વળી પાપ-પુણ્યનો સંબંધ માત્ર સ્થૂળ ક્રિયાથી જ નથી હોતો, મનોભાવથી હોય છે. પશુ-પક્ષીઓ પણ શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરે છે. એમને ખબર જ નથી કે એમના શ્વાસોચ્છ્વાસથી હિંસા થાય છે. તેઓ કુદરતસહજ જીવન જીવે છે. એમાં ‘જીવો જીવસ્ય ભક્ષણમ્’નો કુદરતી સિદ્ધાંત કામ કરે છે.

life and style astrology swami sachchidananda