12 January, 2023 05:40 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
બાબાએ હાથમાં માળા આપી એટલે ચારેય ચોર એકબીજાથી બબ્બે ફુટનું અંતર રાખીને બેસી ગયા, પણ મંત્ર તો ક્યારેય શીખ્યા જ નહોતા એટલે બોલવું શું?
મનમાં ચાલતી આ અવઢવ વચ્ચે જ પહેલા ચોરના મનમાં વિચાર આવે છે કે બાબાએ કહ્યું છે એટલે મંત્ર તો જપવો જ પડશે, પણ જો આપણે આપણી રીતે કોઈ બીજું નામ લઈએ અને બાબા નારાજ થઈ જાય તો શું થાય, છેવટે તો અમે ચોર છીએ. એ ચોરે વિચાર્યું કે અમને કોઈ વાંધો ન આવે અને કોઈ ભૂલ ન થાય, બાબાનું વચન પણ રહી જાય અને મંત્ર મોટેથી તો બોલવાનો નથી, ધીમે-ધીમે મનમાં જાપ કરવાનો છે. તેણે માળા હાથમાં લઈને જપવાનું શરૂ કર્યું. એનો મંત્ર હતો, ‘બાબા કહે છે એ હું કરું છું’, ‘બાબા કહે છે એ હું કરું છું’.
જે ચોર તેની બાજુમાં બેઠો હતો તેણે વિચાર્યું કે ભાઈ, ‘આ તો મોટો ભગત લાગે છે. આપણે તો તેને ચોર સમજીએ છીએ, પણ આ તો સાધક છે, કેવી માળા જપે છે અને મંત્ર પણ બોલે છે.’ મંત્ર તેને સંભળાતો નહોતો એટલે તેણે વિચાર્યું કે હું શું કરું? છેવટે તેણે પણ નક્કી કર્યું કે ‘હું પણ જાપ કરું.’ તેણે પણ પોતની રીતે જાપ શરૂ કર્યો, ‘આ જે કરે છે એ હું પણ કરું છું, આ જે કરે છે એ હું પણ કરું છું.’
આ પણ વાંચો : ભક્તિ વિચાર નથી, એ હૃદયનો પોકાર છે
ત્રીજાએ બાકીના બન્નેને જોયા કે આ બેઉ મંત્રજાપ કરે છે, પણ મેં તો મંત્ર વિશે ક્યારેય વિચાર્યું પણ નથી અને આ બન્નેને પણ કંઈ આવડતું નથી એટલે તેણે એકાગ્રતા સાથે જાપ કરવાનું શરૂ કર્યું, ‘આ પ્રપંચ ક્યાં સુધી ચાલશે, આ પ્રપંચ ક્યાં સુધી ચાલશે?’
વાત આવી ચોથાની. ચોથાને આ ત્રીજાનો મંત્ર સંભળાતો હતો એટલે તેણે માળા હાથમાં લઈને જાપ કરવાનું ચાલુ કર્યું, ‘તારા પિતાજીનું શું જાય છે. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દે. તારા પિતાજીનું શું જાય છે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દે.’
ચારેય ચોર આવો મંત્ર જપતા રહ્યા અને તેમને એક કલાક પછી રોટલી મળી ગઈ. બાબાએ જાતે બનાવીને તેમને રોટલી ખવડાવી. કોઈ મંત્ર નહોતો, કોઈ જાપ નહોતો તો પણ રોટલી મળી ગઈ.
હવે તમે જ વિચારો કે જો આ મંત્રમાં પણ અન્ન આવીને ઊભું રહે તો જે હરિનામ લેશે તેને શું-શું ન મળે? કંઈ મળવાની આશા વગર જ તમે ઇષ્ટ મંત્ર પ્રેમથી જપો, સંસારમાં રહો. પ્રેમથી જપતાં-જપતાં સાધક બ્રહ્મ સુધી પહોંચી જાય છે.