26 April, 2023 06:37 PM IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ઍથેન્સના સૉક્રેટિસના જમાનાની આ વાત છે.
એ સમયે લડાઈમાં જેને કેદ કરવામાં આવતા એ બધાને ક્યાં રાખવા એ બહુ મોટો પ્રશ્ન હતો, કારણ કે એ સમયે જેલ નહોતી. ઇતિહાસ કહે છે કે મોટી-મોટી ઊંડી ખાઈમાં આવા આરોપી, આવા ગુનેગારોને નાખી દેવામાં આવતા અને એ પછી ઉપરથી રોટલીના ટુકડા તેમના પર ફેંકવામાં આવતા. એ સમયનો આ બનાવ છે. હજારોની સંખ્યામાં કેદીઓ પકડાયા અને બધાને આવી ઊંડી ખાઈમાં નાખી દેવામાં આવ્યા, જ્યાંથી ક્યારેય નીકળી ન શકાય, કોઈ બહાર કાઢે તો જ તેમને ઉપર આવવા મળે, પણ જાતે તો તે ઉપર આવી જ ન શકે. તમને કહ્યું એમ, ખાઈમાં નાખી દીધા પછી ૨૪ કલાકે એક વાર તેમને રોટલીના ટુકડા આપવામાં આવતા.
એક દિવસ રક્ષકો રોટલીના ટુકડા લઈ તેમને આપવા માટે ગયા ત્યારે તેમણે સાંભળ્યું કે ખાઈમાં પડેલા કેટલાક લોકો ગાઈ રહ્યા છે. રોટલી નાખતાં પહેલાં તેમણે કાન દઈને ધ્યાનથી સાંભળ્યું અને પછી તેમણે પૂછ્યું, ‘કોણ ગાય છે આ ગીત?’
કહેવાય છે કે તેમનામાંથી એકે ઍથેન્સના પ્રસિદ્ધ કવિઓનાં ત્રણ ગીત ગાયાં હતાં. અવાજ ઉપર સંભળાતો હતો, પણ ખાઈ એટલી ઊંડી હતી કે કંઈ દેખાતું નહોતું.
એકે જવાબ આપ્યો, ‘હું એ કવિનું ગીત ગાઉં છું.’
જવાબ સાંભળીને રક્ષકે તરત જ કહ્યું, હવે તને રોટલી આપવામાં નહીં આવે. અમે દોરડું ફેંકીએ છીએ, તું ઉપર આવી જા.
તેને બહાર કાઢવામાં આવ્યો. બીજો કેદી ગાઈ રહ્યો હતો બીજા કવિની કવિતા, તેને પણ આ રીતે બહાર કાઢવામાં આવ્યો. પછી એવું થયું કે જેઓ ગીત ગાતા હતા એ બધાને આ લોકોએ બહાર કાઢીને મુક્ત કરી દીધા. ગાવાથી મુક્તિ મળી જાય છે એટલે ગાવત સંતત સંભુ ભવાની અને ગોસ્વામીજીએ તો આપણને સૌને દસ્તાવેજ કરી આપ્યો છે.
યહ ચરિત જે ગાવહિં હરિ પદ પાવહિં તે ન પહિં ભવ કૃપા.
તેઓ ભવકૂપમાં નહીં પડે અને પડશે તો પણ ભાવપૂર્વક એક ચોપાઈ ગાઈ લેશે તો તેને માટે દોરડું ફેંકવામાં આવશે. કેટલો સરસ સંદેશ છે આ. આ સંદેશની જ વાત હવે આપણે આગળ વધારવાની છે.
આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.